Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોબાઇલના પૈસાના ડખ્ખામાં મોરબીમાં પાલિકાના ડ્રાઇવર રવિભાઇ અને પુત્ર ધર્મેન્દ્ર પર છરીથી હુમલો

રાજુ, અબુડો, મુનિયો, ભોટીયો સહિતના છરીથી તૂટી પડ્યાઃ કોળી-પિતા પુત્રને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૨: મોરબીમાં રણછોડનગરમાં રહેતાં અને નગરપાલિકામાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં રવિભાઇ કરસનભાઇ ડાભી (કોળી) (ઉ.૫૨) અને તેના પુત્ર ધર્મેન્દ્ર ઉર્ફ ધમો ડાભી (ઉ.૩૦) પર રાજુ, અબુડો, મુનિયો અને ભોટીયો સહિતના શખ્સોએ ઘરે આવી છરીથી હુમલો કરી રવિભાઇને પેટમાં અને ધમાને પડખામાં ઇજા કરતાં બંનેને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ધમાના કહેવા મુજબ તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે મિત્ર મુનિયો બારોટ પાસેથી અગાઉ રૂ. ૭૦૦ ઉછીના લીધા હતાં. આ પૈસાના બદલામાં તેને રૂ. ૧૬૮૦ની કિંમતનો મોબાઇલ આપ્યો હતો. બે દિવસ પહેલા પોતાની પાસે પૈસાની વ્યવસ્થા થઇ જતાં તે તેની પાસે ગયો હતો અને પૈસા આપી મોબાઇલ પાછો માંગતા તેણે મોબાઇલ હવે ન મળે તેમ કહી ઝઘડો કર્યો હતો. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી ગઇકાલે તેના સહિતના શખ્સો ઘરે ધસી આવ્યા હતાં અને હુમલો કર્યો હતો. જેમાં પોતાના પિતા રવિભાઇ વચ્ચે પડતાં તેને પણ છરીનો ઘા ઝીંકી દેવાયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(12:15 pm IST)