Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

વિવિધક્ષેત્રના ૫ાંચ બ્રહ્મમહાનુભાવોનું પરશુરામ એવોર્ડથી સન્‍માન

સ્‍વ.અભયભાઇ ભારદ્વાજે આ પરંપરા શરૂ કરેલી, આ વર્ષે ૨ એપ્રિલે કાર્યક્રમમનસુખભાઇ જોશી-ગિજુભાઇ ભરાડ-સુરેશભાઇ નંદવાણા-ડો.હેમાંગ વસાવડા અને મુકેશભાઇ દોશીને એવોર્ડ આપી સન્‍માન કરાશેઃસંતો મહંતો આશીવર્ચન પાઠવશે

રાજકોટઃ બ્રહ્મએકતા માટે ભગીરથ કાર્ય કરનાર અને ભગવાન પરશુરામની યાત્રા દ્વારા સમગ્ર ગુજરાત અને ભારતમાં જય પરશુરામનો નાદ જેમણે ઘર ઘર ગુંજતો કર્યો એવો હૃદયસ્‍થ શ્રી અભયભાઇ ભારદ્વાજની પરિકલ્‍પનાનું પરિણામ એટલે પરશુરામ એવોર્ડ. અભયભાઇએ પરશુરામ યુવા સંસ્‍થાનના માધ્‍યમથી બ્રહ્મ પરિવારો માટે નિસ્‍વાર્થ સેવા, શિક્ષણ, ઉદ્યોગ, મેડીકલ, રોજગાર વિગેરે ક્ષેત્રે મૂઠી ઊંચેરું પ્રદાન કરનાર અગ્રણીઓને સન્‍માનિત કરવાના સંકલ્‍પથી સન ૧૯૯૬માં પરશુરામ એવોર્ડની શરૂઆત કરી હતી. પરશુરામ એવોર્ડથી સન્‍માનિત થનારા રત્‍નો શોધવા માટે તેઓ સમગ્ર ગુજરાતમાં પોતેજ ભ્રમણ કરતા અને ઉતમ બ્રહ્મ પ્રતિભાઓ અને નર-નારી રત્‍નોને પરશુરામ એવોર્ડ વડે સન્‍માનિત કરતા ૧ ડિસેમ્‍બર ૨૦૨૦ના અભયભાઇની આકસ્‍મીક વિદાય બાદ પરશુરામ યુવા સંસ્‍થાને તેઓની સ્‍મૃતિમાં પરશુરામ એવોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય લઇ અને ૧ ડિસેમ્‍બર ૨૦૨૧ના રોજ, પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કર્યુ હતુ. ત્‍યારબાદ આવનારી ૨ એપ્રિલ એટલેકે અભયભાઇના જન્‍મદિન રોજ પરશુરામ એવોર્ડ(૨૦૨૩) અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવી રહયુ છે. આ વર્ષે પણ વિવિધ ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર વિવિધ ક્ષેત્રના પાંચ અગ્રણીઓને તા.૨ એપ્રિલ રવિવારને સાંજે ૫.૩૦ વાગ્‍યે શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર રાજાજકોટ, ભુપેન્‍દ્ર રોડ ખાતે સન્‍માનિત કરાશે.

 ભારદ્વાજ પરિવારનો પ્રત્‍યેક સદસ્‍ય અને પરશુરામ યુવા સંસ્‍થાનનો દરેક બ્રહ્મ કાર્યકર મન-કર્મ-વચનથી શ્રી અભયભાઇના હસ્‍તે શરૂ કરાયેલ આ પ્રણાલીને આગળ ધપાવવા કટિબદ્ધ હોવાનું શ્રી અંશ ભારદ્વાજે જણાવેલ. આ વર્ષે આ પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહના અધ્‍યક્ષ સ્‍થાને રાજયના પુર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, મુખ્‍ય અતિથિ તરીકે ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા ઉપસ્‍થિત રહેવાના છે. કાર્યક્રમમાં સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિરના કોઠારીશ્રી પુ.રાધારમણ સ્‍વામી, સ્‍વામિનારાયણ સનાતન આશ્રમ ખીરાસરાના પુ.ભકિત સ્‍વામી, બાલાજી હનુમાન મંદિરના પુજય વિવેક સ્‍વામી તેમજ ભુવનેશ્વરી પીઠ ગોંડલના પુ. ઘનશ્‍યામજી મહારાજ, સંત પુરણ ધામ ધૂનડાના પૂ. જેન્‍તિરામ બાપા અને કાળભૈરવ મંદિર પાલીતાણાના પુ. શાષાીજી રમેશભાઇ શુકલ આશીર્વચન પાઠવશે.

સમારોહની શરૂઆત જીતુભાઇ(દ્વારકાવાળા)ની પ્રસ્‍તુતિથી થશે જેમાં તેઓ અભયભાઇને તેમના શબ્‍દો દ્વારા શ્રદ્ધાંજલી અર્પિત કરશે તેમજ  હાસ્‍યરસ પીરસશે. ત્‍યારબાદ યુવા ગાયિકા અને કમ્‍પોજર વિધિબેન ઉપાધ્‍યાય દ્વારા તેમના સુપ્રસિદ્ધ ગીત -મને ગર્વ છે હું બ્રાહ્મણ છું ની પ્રસ્‍તુતિ થશે. યુવાનોને પ્રિય મોટિવેશનલ સ્‍પીકર તેવા શ્રી સંજયભાઇ રાવલનું મનન્‍ય પ્રવચન રહેશે.

પરશુરામ એવોર્ડથી સન્‍માનિત પાંચેય વ્‍યકિત વિશેષોનો સંક્ષિપ્ત પરિચયના આ સાથે પ્રસ્‍તુત છે.

શ્રી મનસુખભાઇ છગનલાલ જોશીઃ જેમની જન્‍મભુમિ ધ્રોલ અને વતન સાંઢવાયા(તા.કોટડા સાંગાણી) રહી છે એવા શ્રી મનસુખભાઇએ કારકિર્દીનો પ્રારંભ નુતન સૌરાષ્‍ટ્ર દૈનિકમાં પત્રકાર તરીકે કર્યો. બી એ એલ એલ બીનો અભ્‍યાસ કરી જનસતામાં તંત્રી અને જનરલ મેનેજર, ફુલછાબના વ્‍યવસ્‍થાપક તરીકે સેવા આપી, સમાંતર રાજકીય કારકિર્દીમાં સક્રીય રહી તેઓ રાજકોટ સુધરાઇમાં સભ્‍ય તરીકે, બાંધાકામ સમિતિના ચેરમેન તરીકે પણ હોદાઓ સંભાળ્‍યા. વર્ષ ૧૯૭૨માં રાજકોટ ધારાસભા-૧માં ધારાસભ્‍ય તરીકે ચૂંટાઇ અને ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રાલયના કેબિનેટ મંત્રી બન્‍યા. તેમણે ગુજરાત અલ્‍કનીઝ એન્‍ડ કેમિકલ્‍સમાં અને ગુજરાત વિદ્યુત બોર્ડમાં ડાયરેકટર તરીકે પણ કાર્યભાર સંભાળ્‍યો છે. રાષ્‍ટ્રભાષા પ્રચાર સમિતિથી લઇ અનેક સંસ્‍થાઓમાં તેઓ ટ્રસ્‍ટી અને માર્ગદર્શન તરીકે જોડાયેલા છે અને સહકારી બેંકોમાં પણ તેઓ ડાયરેકટર તરીકે સેવા આપી રહયા છે શિક્ષણક્ષેત્રે એમનું ભગીરથ પ્રદાન એટલે મહાત્‍માગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ અને લાલબહાદુર કેળવણી મંડળ આ બંને ટ્રસ્‍ટો હેઠળ ચાલતી બાલમંદિર લઇ અને કોલેજ સુધી સંસ્‍થાઓમાં તેઓ મોભી છે.

શ્રી ગિજુભાઇ ભરાડઃ જુનાગઢમાં પાજોદમાં જન્‍મેલ શ્રી ગિજુ ભરાડ એટલે રાજકોટના વિજ્ઞાન શિક્ષણના ભીષ્‍મપિતામહ ગણી શકાય. રાજકોટમાં બી એસ સી સુધીનો અભ્‍યાસ કરી મુંબઇ ખાતે મેથ્‍સ અને ફિઝિકસ બંનેમાં માસ્‍ટર્સ થયા અને થોડો સમય જયહિન્‍દ કોલેજમાં લેકચરર  તરીકે રહી અને રાજકોટને તેમણે કર્મભુમિ બનાવી. સરસ્‍વતી એજયુકેશન ઇન્‍સ્‍ટિટયુટના માધ્‍યમથી તેમણે બે લાખ જેટલા વિદ્યાર્થીઓને સાયન્‍સનું વ્‍યવસાયિક શિક્ષણ પુરું પાડયું. જેમાં દસ હજાર ડોકટર્સ, બારેક હજાર એન્‍જીનીયર્સ અને દસેક હજાર વિદ્યાર્થી સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં ઉતીર્ણ થઇ ઉજજવળ કારકિર્દીનું નિર્માણ કરી ચુકયા છે. રાજકોટના લોકવિજ્ઞાન કેન્‍દ્રમાં પણ તેમણે નેતૃત્‍વ પુરુ પાડેલ છે. ૧,પ૦૦ જેટલી ટીવી રેડીયો વાર્તાલાપો, પ્રવચન, સંભાષણો થાકી એમણે અનેક લોકોને ઘડયા છે અને માર્ગદર્શન પુરુ પાડયું છે. તેમણે ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતા જી સી ઇ ટીના પ્રોજેકટ સફળતાપુર્વક પાર પાડયા છે. દિલ્‍હી ખાતે આવેલ વિજ્ઞાન કેન્‍દ્રમાં એક વર્ષ તેઓએ તાલીમ આપી અને એમના તાલીમાર્થીઓમાં અવકાશ વીરાંગના કલ્‍પના ચાવલાનો પણ સમાવેશ થાય છે. રાજકોટ ઉપરાંત જુનાગઢ અને ત્રંબામાં તેમણે શૈક્ષણિક સંસ્‍થાઓ સ્‍થાપેલ છે અને આમ ૪૦ જેટલી શૈક્ષણિક સંસ્‍થાઓમાં માર્ગદર્શન આપી રહેલ છે. આર્થિક નબળા વિદ્યાર્થીઓ અને બ્રાહ્મણ પરિવારોનું પણ શિક્ષણ પૈસા વાંકે અટકે નહિ એ વાતનું એમણે જતન કર્યુ છે.

 શ્રી સુરેશભાઇ નંદવાણાઃ મુળ રંગુન-બ્રહ્મદેશમાં જન્‍મેલ શ્રી સુરેશભાઇ રાજકોટને પોતાની કર્મભુમિ બનાવી રહેલ છે. ૧૯૭૫માં સ્‍થપાયેલ ભવાની ઇન્‍ડસ્‍ટ્રીઝ આજે એમના ભગીરથ પુરુષાર્થ, ખંત, વિચક્ષણ બુદ્ધિ થકી ૨,૫૦૦ જેટલા કર્મચારીઓને અને ૭૫૦ કરોડનું ટર્નઓવર ધરાવે છે. એમની ફેકટરીમાં બનતા સ્‍પેર પાટર્સ ટાટા, મહિન્‍દ્રા, મારુતિ, ફિયાટ, લેલેન્‍ડ, ન્‍યુહોલેન્‍ડ, આઇશર, જોન ડીઅર જેવી કંપનીઓની પ્રોડકટસનો અવિભાજય અને અનિવાર્ય હિસ્‍સો બની ચુકયા છે. યુકે, ફ્રાન્‍સ, જર્મની, ઇટાલી, બ્રાઝીલ, ચીન વગેરે દેશોના તેઓ ઓ ઇ એમ અને ટાયર વન સપ્‍લાયર છે અનેક બ્રાહ્મણ પરિવારોને એમણે રોજગારી તો આપી જ છે સાથે સાથે શૈક્ષણિક સંસ્‍થાઓ, ઓ પણ તેઓ ભામાશા રહયા છે.

ડો.હેમાંગ વસાવડાઃ ચાર પેઢીથી જન્‍મનો પરિવાર તબીબી સેવા સાથે સંકળાયેલો છે. ડો વસાવડાએ બીજે મેડીકલ કોલેજમાંથી એમ એસ જનરલ સર્જરી અને એમ સી એચ ન્‍યુરો સુધીનો અભ્‍યાસ કર્યો છે અને તેમની કારકિર્દી તેજસ્‍વી રહી છે. રાજકોટમાં મધુરમ હોસ્‍પિટલ ખાતે તેઓએ ક્રિટિકલ કેર ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરી છે. અનેક આંતરરાષ્‍ટ્રીય કોન્‍ફરન્‍સમાં તેમણે સંશોધન પેપર્સ રજુ કાર્યા છે. અત્‍યાર સુધીમાં ૧૦,૦૦૦થી પણ વધુ સફળ ઓપરેશન્‍સ કરી અને અનેક માનવ જિંદગીઓ ઉગારી છે. તેઓ રાજકોટ ન્‍યુરો એસોસિએશનના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. સામાજિક સંસ્‍થાઓ જેવી કે નાગર બોર્ડિગ રાજકોટ અને બ્રાહ્મણ કન્‍યા છાત્રાલયના આટકોટના તેઓ ટ્રસ્‍ટી છે. ભુતકાળમાં એમણે રાજકોટ સર્જન એસોસિએશન અને રાજકોટ મેડીકલ સોસાયટીના પ્રમુખ તરીકે પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ છે.

શ્રી મુકેશભાઇ જોશીઃ શ્રી પરશુરામધામ મંદિર, બગસરામાં તેઓ પ્રમુખ છે. ૨૦૦૭માં પૂ.વિશ્વાસબાપુ અને શ્રી અભયભાઇની પ્રેરણાથી શ્રી પરશુરામધામ, બગસરાનું નિર્માણ પ્રારંભ થયેલ જે અત્‍યારે શ્રી મુકેશભાઇના માર્ગદર્શનમાં સુંદરકાર્ય કરી રહેલ છે. ૨૦૦૨માં પિતાનું અને ૨૦૧૬માં માતુશ્રીનું અવસાન થતા શ્રી મુકેશભાઇ હવે સંપૂર્ણ જીવન સમાજ અને બ્રાહ્મણોની સેવામાં જ ગાળે છે. તેઓ પોતાની દસ ટકા આવક પરશુરામધામ બગસરાને અર્પણ કરે છે. દિવ્‍યાંગ એવા શ્રી મુકેશભાઇની ચેતના અને ઊર્જા શ્રી અભયભાઇએ પારખેલ અને પહેલા ઓટો બનાવો પછી મંદિર બનશે એમ સૂચન કરતા આજે ત્‍યાં પરશુરામધામ નિર્મિત થયેલું છે. કર્મકાંડી ભુદેવોને તેઓ જોઇતી સામગ્રી રાહતદરે આપે છે. તેમણે અનેક ગરીબ સગર્ભા બહેનોને પ્રસુતિ ખર્ચની સહાય પુરી પાડી માનવતાનું કાર્ય કરેલ છે.

તસ્‍વીરમાં યુવા ધારાશાષાી અંશ અભયભાઇ ભારદ્વાજ, નિરંજનભાઇ દવે, જયેશભાઇ ભટ્ટ, અતુલભાઇ જોશી, કૃણાલભાઇ દવે, સૌરભભાઇ જોશી, કેપ્‍ટન જયદેવભાઇ જોષી, નિલેશભાઇ ભટ્ટ, ભાવિનભાઇ શુકલ નજરે પડે છે(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:47 pm IST)