Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જલ હૈ તો કલ હૈ : વરસાદી પાણીનો સંગ્રહ કરશું તો બચશે ગ્રાઉન્‍ડ વોટર

વિશ્વ જળ દિવસ નિમિતે શહેરની ભવિષ્‍યની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરાશે : મનપા દ્વારા સેમીનાર : તજજ્ઞોનું પ્રેઝનટેશન : રેઇન વોટર રિચાર્જ અને સંગ્રહ સરળતાથી પાણી મેળવવાના વૈકલ્‍પિકસ્ત્રોત : ડો. પ્રદીપ ડવ

રાજકોટ તા. ૨૨ : શહેરનો દિન પ્રતિદિન વિસ્‍તાર થાય છે અને વસ્‍તીમાં વધારો થાય છે. શહેરીજનોને પીવાના પાણી માટે આજી, ન્‍યારી અને ભાદર જળાશયો ઉપલબ્‍ધ છે. જેમાં રાજય સરકાર દ્વારા ‘સૌની યોજના' હેઠળ આજી અને ન્‍યારીને જોડેલ છે. ‘સૌની યોજના' મારફત પાણીની જરૂરત મુજબ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવામાં આવેલ છે. વિશેષમાં, જમીનના તળ ખુબ જ નીચા જઈ રહેલ છે જેના અનુસંધાને આજે મહાનગરપાલિકા દ્વારા ‘વિશ્વ જળ દિવસ' અંતર્ગત રાજકોટ એન્‍જીનીયરીંગ એસો. ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે મેયર ડો.પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને જળસંચય અને નવા જળસ્ત્રોત અંગે સેમિનાર યોજાયો હતો.

આ અવસરે મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્‍યું હતું કે શહેરમાં દિનપ્રતિદિન વિસ્‍તાર તથા વસ્‍તીમાં વધારો થયેલ છે આજે જો ‘સૌની યોજના' અમલમાં ન હોત તો શહેરના પીવાના પાણીની શું સ્‍થિતિ હોત તે કલ્‍પના કરવી પણ મુશ્‍કેલ છે. નવા ડેમો બનાવવા એ પડકારરૂપ કાર્ય છે કેમકે, ડેમ માટે યોગ્‍ય સ્‍થળે પર્યાપ્ત માત્રામાં જમીન મળવી, કુદરતી જળ પ્રવાહ ઉપલબ્‍ધ થવો, આ લાંબાગાળાનું આયોજન હોય છે અને ખુબ ખર્ચાળ પણ હોય છે. આવા સંજોગોમાં ઝડપથી અને સરળતાથી પાણીના વૈકલ્‍પિક સ્ત્રોત વિશે વિચાર કરીએ ત્‍યારે રેઈન વોટર રીચાર્જ અને સંગ્રહનો વિકલ્‍પ સર્વ પ્રથમ ધ્‍યાનમાં આવે છે. જેના માટે નિષ્‍ણાતોના મૂલ્‍યવાન સુચનો મળી રહે તેમજ તેના પર જરૂરી વિચાર વિમર્શ થાય તે માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અવસરે વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડે ઉપસ્‍થિત મહાનુભાવોને આવકારી કાર્યક્રમની રૂપરેખા દર્શાવતા એમ જણાવ્‍યું હતું કે, રાજકોટમાં લોકોને તેમના ઘેર નળમાં રોજ ૨૦ મિનિટ સુધી પીવાનું પાણી મળી રહે છે. વાંચવામાં અને સાંભળવામાં આ વાત જેટલી સામાન્‍ય લાગે છે તેટલી જ અસામાન્‍ય મહેનત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જે બિરદાવા લાયક છે. રાજકોટમાં વિવિધ ક્ષેત્રે કામ કરતી સંસ્‍થાઓ છે. આ સંસ્‍થાઓના સહયોગ સાથે નાગરિકોને પણ જોડીને રાજકોટના ભૂગર્ભ જળ સ્‍તર ઉંચા લઈ જવાની દિશામાં કંઇક ખાસ કાર્ય થાય તેવી આશા છે. સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમની સાથે રાજકોટના આજી અને ન્‍યારી ડેમ વર્ષમાં બે વખત નર્મદા નીરથી ભરવામાં આવે છે.

આજના સેમિનારમાં મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ પ્રેઝન્‍ટેશન સાથે રાજકોટની પાણી વિતરણની વર્તમાન વ્‍યવસ્‍થાનો ચિતાર આપતા એમ કહ્યું હતું કે, ૨૦૧૪માં રોજ ૧૫૦ MLD પાણીની જરૂરિયાત હતી જે આજે ૩૬૫ MLD છે, આગામી વર્ષ ૨૦૩૫ સુધીમાં આ જરૂરિયાત વધીને ૬૫૦ MLD સુધી પહોંચી શકે છે. રાજકોટમાં સ્‍ટાન્‍ડર્ડ ઓફ લિવિંગ સુધરી રહ્યું છે. શહેરમાં વર્ટીકલ ડેવલપમેન્‍ટ વધ્‍યું છે મતલબ કે હાઈરાઈઝ ઈમારતો વધુ બની રહી છે. તેમજ રાજકોટ ટ્રેડીંગ હબ હોઈ અન્‍ય પ્રાંતના લોકોનું રાજકોટમાં માઈગ્રેશન સતત વધી રહ્યું છે. આ સ્‍થિતિમાં લોકોને ભવિષ્‍યમાં પણ રોજ પાણી મળી રહે તે માટે અત્‍યારથી જ આયોજન કરવું એટલું જ જરૂરી છે.  મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૩-૨૪ના બજેટમાં જળ સ્‍ટોરેજ ક્ષમતા વધારવા માટેનું આયોજન મુકવામાં આવેલ છે. આ કામ પૂર્ણ થયે બે દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઇ શકશે અને તેનાથી વોટર મેનેજમેન્‍ટ અને મેઇન્‍ટેનન્‍સના કારણે ક્‍યારેક ક્‍યારેક જે પાણીકાપ મુકવો પડે છે તેનાથી બચી શકાશે.

આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના ૪૦૦ જેટલા બોર આઇડેન્‍ટિફાય કરવામાં આવેલ છે જેને રીચાર્જ કરી શકાય તેમ છે. હાલમાં જન ભાગીદારીથી પેવિંગ બ્‍લોકના કામ થાય છે તે જ રીતે રાજય સરકાર દ્વારા વોટર રીચાર્જ યોજના અમલમાં મુકેલ છે જેનો લાભ તમામ સોસાયટીઓ લેવો જોઈએ. આ સામાજિક ક્રાંતિ માટે સેવાકીય સંસ્‍થાઓએ આગળ આવવું પડશે અને લોકો સમજદારી પૂર્વક કરકસરથી પાણીનો ઉપયોગ કરે તે માટે જન જાગૃતિ કેળવવી પડશે. વિશેષમાં, શહેરમાં ઙ્કવોટર સ્‍માર્ટ સોસાયટીઙ્ઘ ઝુંબેશ હાથ ધરવાની જરૂરિયાત સમજાય છે. જેમાં સોસાયટીના તમામ મકાનોમાં બોર રીચાર્જ થયેલ હોય, પાણીનો બગાડ ન થાય, પોતાની જરૂરિયાતનું પાણી મળી ગયા બાદ નળ બંધ કરી વેડફાટ અટકાવવામાં આવે વિગેરે જેવા મુદ્દે લોક જાગૃતિ અને અમલ કરાવવું જોઈએ.

આ સેમિનારમાં સૌ પ્રથમ ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારા દિપ પ્રગટ્‍ય કરાયું તથા વોટર વર્કસ સમિતિના વાઈસ ચેરમેન નીલેશભાઈ જલુ અને સભ્‍ય રસીલાબેન સાકરીયા પુસ્‍તક અર્પણ કરી મંચસ્‍થ મહાનુભાવોનું સ્‍વાગત કરાયેલ.

આ સેમિનારમાં આ ક્ષેત્રમાં કામ કરી રહેલ તજજ્ઞો ડો. યોગેશ જાડેજા, ચિન્‍મયબેન હેમાણી, પાર્થભાઈ શાહ, દિનેશભાઈ ટીલવા, રાજકોટ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ સીટી એન્‍જી. જયસુખભાઈ કગથરા તેમજ નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્‍યાસ સહિતના અન્‍ય નિષ્‍ણાતો દ્વારા ચર્ચા વિચારણા બાદ તેમના અવલોકનો અને તારણો રજુ કરવામાં આવ્‍યા હતા.

 આ પ્રસંગે ડે. મેયર કંચનબેન સિધ્‍ધપુરા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોટર વર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્‍યાસ તેમજ જુદી જુદી સામાજિક, શૈક્ષણિક સંસ્‍થાઓના હોદ્દેદારો, જળસંચય ક્ષેત્રે કામ કરી રહેલ તજજ્ઞો વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

(3:14 pm IST)