Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વાવડી રેકર્ડ ગૂમ પ્રકરણ : તલાટી સસ્‍પેન્‍ડ : મામલતદારને નોટીસ

તાલુકા મામલતદાર ૨ દિવસમાં કલેકટરને નોટીસનો જવાબ આપશે : મામલતદાર કચેરીમાં કયાં રેકર્ડ હતું ?!

રાજકોટ તા. ૨૨ : વાવડી ગ્રામ પંચાયતની કચેરીમાંથી મહત્‍વના દસ્‍તાવેજો ગુમ થવાની ઘટનામાં કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ રેવન્‍યુ તલાટી મનીષ ગિધવાણીને સસ્‍પેન્‍ડ કરતા તેના ઘેરા પડઘા પડયા છે, તો આ ઘટનામાં રાજકોટ તાલુકા મામલતદાર કરમટાને પણ કારણદર્શક ખુલાસો માંગતી નોટીસ ફટકારતા મહેસૂલી અધિકારીઓમાં ભારે ચર્ચા છે.

વાવડી ગ્રામ પંચાયત કચેરી ખાતેથી મહત્‍વના દસ્‍તાવેજો ગુમ થવાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસ ફરિયાદ બાદ પોલીસ અને વહીવટી તંત્ર અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યું હતું દરમિયાન પ્રાંત અધિકારી સંદીપ વર્મા દ્વારા તેમના બે કર્મચારીઓની પુછપરછ અને નિવેદનો નોંધી જિલ્લા કલેકટરને રિપોર્ટ સુપ્રત કરાયો હતો, ત્‍યારબાદ કલેકટરે કડક પગલાં લીધા છે.

 વહીવટી તંત્ર દ્વારા પણ રૂબરૂ સ્‍થળ તપાસ કરી કોન્‍ટ્રોક્‍ટરો તેમજ કર્મચારીઓના નિવેદનો લેવામાં આવ્‍યા છે. મહેસૂલના બે કર્મચારીના પણ નિવેદન લેવામાં આવ્‍યા છે તપાસ પૂર્ણ થતા રીપોર્ટ તૈયાર કલેકટરને આપી દેવાયો છે.

અત્રે એ નોંધનીય છે કે, હાલની વોર્ડ ઓફીસના બિલ્‍ડીંગમાં રેવન્‍યુ રેકોર્ડ તેમજ હકકપત્રકની મેન્‍યુઅલ નોંધ સહિતના ઘણા મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજો હતા. કબાટમાં રાખવામાં આવેલ દસ્‍તાવેજો અંગે જુની પંચાયત કચેરીમાં વાવડીના રેવન્‍યુ તલાટી મનીષ ગીધવાણી ગત તા.૭ માર્ચના તપાસ કરવા જતા દસ્‍તાવેજો નહીં મળતા મનપાનાં સ્‍ટાફને પૂછપરછ કરી હતી. જેમાં પણ કોઈને કંઈ ખબર ન હતી, બાદમાં તલાટીએ મામલતદારને રીપોર્ટ કર્યો હતો.

 ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક દસ્‍તાવેજો વોકળામાં તેમજ ભંગારના ડેલામાંથી મળી આવ્‍યા હતા. જેમાં ભંગારના ડેલામાંથી મળેલા દસ્‍તાવેજ ૨૦૨૨ની સાલના હોવાનું સામે આવ્‍યું હતું. જયારે વોકળામાંથી મળેલા દસ્‍તાવેજો વાવડી ગ્રામ પંચાયતના હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે ગુમ થયેલા મહત્‍વના દસ્‍તાવેજો હજુ સુધી હાથ લાગ્‍યા નથી.

૧૯૯૫થી ૨૦૦૪ સુધીમાં રેવન્‍યુ રેકર્ડ ગુમ થયા છે જેમાં મનપા અને વહીવટી તંત્રના તલાટી પણ જવાબદાર કહી શકાય, તેવું પ્રાંત અધિકારી સંદીપ વર્માએ જણાવ્‍યું હતું. વધુમાં તેઓએ કહ્યું કે તમામ રેવન્‍યુ સહિતના દસ્‍તાવેજો લોક એન્‍ડ કી માં રાખવા જોઈએ તેમજ સમયાંતરે તેમની તપાસ પણ કરવી જોઈએ. અત્‍યાર સુધીની તપાસ પૂર્ણ થતા રિપોર્ટ ચકાસી કલેકટરની સૂચના મુજબ આગળ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરમિયાન આ પ્રકરણમાં તાલુકા મામલતદાર શ્રી કરમટા ૨ દિવસમાં કલેકટરને નોટીસનો જવાબ આપશે, મામલતદાર કચેરીમાં રેકર્ડ હતું નહિ તે મુદ્દો પણ મહત્‍વનો બન્‍યો છે.

(3:21 pm IST)