Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

શ્રીનાથધામ હવેલી ઉદ્ઘાટન મહોત્સવનો પ્રારંભઃ વિજયભાઇ હાજરી આપશે

૩૧મી સુધી શ્રીમદ્ભાગવત સપ્તાહ, ૧૦૮ કુંડી યજ્ઞ,૨૦૦૦ વાહનોની રેલી, ડાયરો, મહાપ્રભુજીના જીવન ચરિત્ર ઉપર નાટક, ભજન સંધ્યા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોઃ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી ભવ્ય આયોજન

રાજકોટ તા.૨૨: રાજકોટના આંગણે આજથી વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી શ્રીનાથ ધામ હવેલી ઉદ્ઘાટન મહોત્સવનો પ્રારંભ થયો છે.

તા.૨૨ થી ૩૧ સુધી આ ભવ્યાતિભવ્ય મહોત્સવમાં  શ્રીમદ્ભાગવત સપ્તાહ, ૧૦૮ કુંડી યજ્ઞ, ભવ્ય વાહનરેલી, ડાયરો, મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર અદ્ભુત નાટક, અને ભજનસંધ્યા જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ૨૨ માર્ચથી ૨૯ માર્ચ સુધી જેજેશ્રીના અધ્યક્ષ સ્થાને વકતા શ્રી કિશોરચંદ્ર શાસ્ત્રીજીના વરદ મુખે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીડવેલ પાર્ટીપ્લોટ સામે, નાના મવા મેઇન રોડ પર જ્યાં હવેલી આકાર લઇ રહી છે.

તેની બાજુમાં બપોરે ૩ થી ૭ કલાક સુધી આ  કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન રોજ સાંજે નીત નવિન કાર્યક્રમો યોજાશે. જેમાં ૨૬ માર્ચના રોજ રાજુ ભટ્ટ એન્ડ ગ્રુપ દ્વારા શ્રીનાથજીના ભજનોની ઝાંખી જ્યારે ૨૮ તારીખે રાત્રે લોકસાહિત્યકાર અનુભા ગઢવી, હાસ્યકલાકાર તેજસભાઇ પટેલ અને સિંગર યોગિતા પટેલનો ડાયરો યોજાશે. આ ઉપરાંત ૨૯ માર્ચના રોજ ૧૦૮ કુન્ડી શ્રી પુરૂષોતમ સહસ્ત્રનામ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. ત્યાર બાદ ૩૦ માર્ચના રોજ રાજકોટ રેસકોર્સથી લઇ હવેલી સુધી શ્રી ઠાકોરજીની ભવ્ય વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨૦૦૦ થી વધુ વાહનો રેલીમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

ત્યાર બાદ સાંજે ૫.૩૦ કલાકે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને જેજેશ્રીની હાજરીમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મહોત્સવ સભા એવં ભજન સંધ્યા અને હવેલીમાં બિરાજમાન ઠાકોરજીના ચરણ સ્પર્શનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ જગ્યામાં ૫ માળમાં બનેલી આ હવેલીમાં પ્રથમ વખત વૈષ્ણવ પરિવારો માટે પુષ્ટાવેલા ઠાકોરજીને પરિવાર બહાર ગામ જાય ત્યારે હવેલીમાં પધરાવવાની વ્યવસ્થા રાખેલ છે. જે કદાચ પ્રથમ વખત કરવામાં આવી છે.

આ હવેલીમાં શ્રીનાથજી પ્રભુ, શ્રી દ્વારકાધીશજી પ્રભુ, શ્રી બાલકૃષ્ણ લાલજી, શ્રી ગિરીરાજજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપો બિરાજમાન થશે. ૩૧ માર્ચના રોજ સવારે ૭ કલાકે પંચામૃત દર્શન, અને બપોરે ૧૨.૩૦ કલાકે પાટોત્સવ અને નંદોત્સવ દર્શનનું આયોજન કરવામાં આવ્યંુ છે. ત્યારબાદ રાત્રે ૮.૩૦ કલાકે રાજકોટના આંગણે સૌપ્રથમ વાર શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર અદ્દભુત નાટકની નિશુલ્ક પ્રસ્તુતિ રાખવામાં આવેલ છે. આ સમગ્ર ૧૦ દિવસના ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પાટોત્સવમાં રાજકોટની સર્વધર્મપ્રેમી જનતાને પધારવા શ્રીનાથ ધામ હવેલી સમિતિ, કૃષ્ણસંસ્કાર વર્લ્ડ સમિતિ તેમજ વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે.

અદ્દભુત કલાકારીગરી સાથે આકાર પામી રહેલી આ હવેલીના મુખ્ય સેવાર્થી બાન લેબ્સના શ્રી મોૈલેશભાઇ ઉકાણી છે જયારે ભાગવત સપ્તાહના મુખ્ય મનોરથી તરીકે સેવાનો લાભ બેકબોન ગૃપના ઝાલાવડીયા પરિવારને પ્રાપ્ત થયો છે.

સફળ બનાવવામાં શ્રીનાથ ધામ હવેલીના પ્રમુખ મનસુખભાઇ ઝાલાવડીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઇ કનેરીયા, હેમંતભાઇ પટેલ, મહામંત્રી રાકેશભાઇ દેસાઇ, શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પ્રમુખ મોૈલેશભાઇ ઉકાણી, મહામંત્રી જગદીશભાઇ કોટડીયા, કારોબારી કાલરીયા, રમેશભાઇ જીવાણી, અરવિંદભાઇ શાહ સ્વાગત પ્રમુખ રમેશભાઇ ધડુક, વીવાયઓ મેનેજીંગ ટ્રસ્ટી  અશોકભાઇ શાહ, ઉપપ્રમુખ કિશોરભાઇ ભાલારા, નાથાભાઇ કાલરીયા, કોર્ડીનેટર શૈલેષભાઇ ઘાઘરા, વીવાયઓ રાજકોટ પ્રમુખ મહેન્દ્રભાઇ ફળદુ અને જિલ્લા પ્રમુખ જયેશભાઇ વાછાણી સાથે હિતેશભાઇ ગોંઢા અને દિનેશભાઇ કાસુંદ્રા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ૧૦૮ કુંડી યજ્ઞમાં ભાગ લેવા તેમજ અન્ય કોઇપણ કાર્યક્રમમાં જોડાવવા અથવા તો સ્વયંસેવક તરીકે સેવા આપતા કોઇપણ વૈષ્ણવ પરિવારોને હવેલી કાર્યાલયનો અથવા મો.નં. ૭૨૨૬૯૯૭૬૬૧/૨/૩/૪ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(3:48 pm IST)