Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

સોમવારે પંચાયતની સામાન્ય સભા બાબતે શું કરવું ? કલેકટરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ

આચારસંહિતાનો ભંગ ન થાય તેવી શરત સાથે મંજુરી મળવાની સંભાવના : પહેલા કલેકટરે સભા યોજવાની ના પાડેલ, ફરી પ્રમુખે પત્ર લખતા મામલો ચૂંટણી પંચમાં

રાજકોટ, તા. ૨૨ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૫ માર્ચે બોલાવવા માટે એજન્ડા બહાર પડયો છે પરંતુ એજન્ડા બહાર પડયા પછી સંસદની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડતા હવે ૨૫મીની બેઠકનું શું થશે ? તે સવાલ મહત્વનો બન્યો છે. કલેકટરે એક વખત ના પાડયા પછી ફરી પ્રમુખે પત્ર લખતા કલેકટરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ છે. ગાંધીનગર ચૂંટણી પંચના કાર્યાલયથી આજે બપોર સુધી કોઈ નિર્ણય આવ્યો નથી પરંતુ ચૂંટણી પંચ આચારસંહિતાનો ભંગ ન થાય તે શરતે સભા યોજવાની મંજુરી આપે તેવી શકયતા જાણકારો દર્શાવી રહ્યા છે.

આચારસંહિતા અમલમાં આવી જતા ડીડીઓ અનિલકુમાર રાણાવાસિયાએ કલેકટરને પત્ર લખી માર્ગદર્શન માગેલ. કલેકટરે તે વખતે આચારસંહિતાનુ કારણ આગળ ધરી સામાન્ય સભા મળી શકે નહિ તેમ જણાવેલ. કલેકટરના આ નિર્દેશ પછી પંચાયત પ્રમુખ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાએ ફરી કલેકટરને પત્ર લખેલ. તેમાં જણાવેલ કે, શાસક પક્ષ આચારસંહિતાનો ભંગ થાય તેવી કાર્યવાહી કરવા ઈચ્છુક નથી પરંતુ એક વખત સામાન્ય સભાનો એજન્ડા બહાર પડી ગયા પછી પંચાયત ધારાની જોગવાઈ મુજબ તેને રદ્દ કરી શકાય નહિ. પ્રમુખના પત્રના આધારે કલેકટરે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યુ છે. પંચ જે જવાબ આપે તેના આધારે કલેકટર ડીડીઓ મારફત પંચાયતને જવાબ આપશે. હાલ સોમવારની સામાન્ય સભાનું ભાવિ અધ્ધરતાલ જણાય છે.

(3:35 pm IST)