Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ફોર્મ પાછા ખેંચાવવા, રદ કરાવવા કે ઉમેદવાર નિષ્ક્રીય કરવા જેવા પ્રયાસ થશે ? કોંગ્રેસને ભાજપનો ભય

રાજકોટના કાર્યકરો માટે વોર્ડ નં. ર૦ ની પેટાચૂંટણીની ઘટના તાજી

રાજકોટ, તા., ૨૨: લોકસભાની ચુંટણીમાં ગુજરાતની ર૬ બેઠકો માટે તા.ર૮ મીએ જાહેરનામું બહાર પડશે. તે દિવસથી ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરવાનો સમયગાળો છે. ફોર્મ ભરાઇ ગયા પછી પાછા ખેંચાવવા, રદ કરાવવા કે ઉમેદવાર અથવા તેના મહત્વના ટેકેદારોને નિષ્ક્રીય કરી દેવા જેવા ખેલ પડવાની સંભાવના નકારાતી નથી તેવી ચર્ચા કાર્યકરોમાં શરૂ થઇ છે. આવા પ્રયાસો ભાજપ-કોંગ્રેસ બંન્ને તરફથી થઇ શકે છે દરેક ઉમેદવાર સરખા નથી હોતા, પરંતુ છેલ્લા કેટલાક અનુભવો જોતા કોંગ્રેસને ભાજપ તરફથી આવો ડર હોય તો તેમાં કાંઇ નવાઇ ન ગણાય.

ભાજપે કોંગ્રેસના પ ધારાસભ્યોને ખેડવ્યા છે. જેમાંથી બે સભ્યોને કેબીનેટ મંત્રી બનાવ્યા છે. સતા અને અન્ય પરીબળથી કોંગ્રેસમાં અણધાર્યા ઓપરેશન કરાવવાની ભાજપને ફાવટ આવી ગઇ છે. લોકસભાની ચુંટણીના ખરા સમયે જ આવો પ્રયોગ કરવા પ્રયાસ થાય તેવી ચર્ચાએ જોર પકડયું છે. ગુજરાતની કેટલીક ઘટનાઓએ મુલ્યનિષ્ઠ રાજનીતી સામે સવાલ ઉભા કર્યા છે. થોડા સમય પહેલા રાજકોટના વોર્ડ નં. ર૦માં પેટા ચુંટણી હતી. તે વખતે ભાજપે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પાછુ ખેંચાવ તેને ભાજપમાં જોડી કોંગ્રેસને ઝાટકો આપ્યો હતો. આ બેઠકમાં કોંગ્રેસની ગેરહાજરીમાં ભાજપનો વિજય થયો હતો. ઓંચીંતા પક્ષપલ્ટાના સતાવાર કારણો ગમે તે હોય પરંતુ કાર્યકરો અને લોકોથી વાસ્તવિકતા છુપાવી શકાતી નથી.

ર૦૧૯ની લોકસભાની ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો અને કોંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે. એક-એક બેઠકનું અતિ મહત્વ છે.  ગુજરાતમાં ભાજપ તમામ ર૬ બેઠકો જાળવી રાખવા માંગે છે. કોંગ્રેસ તેમાં મોટો ભાગ પડાવવા માંગે છે. જો ઉમેદવારીના તબક્કે હરીફ પક્ષ ઘા મારી જાય તો લડાઇનો મતલબ રહેતો નથી. ભુતકાળના અનુભવો ધ્યાને રાખી કોંગ્રેસે ઉમેદવાર પસંદગી અને ફોર્મ ભરવા સહિતની બાબતોમાં ઘણું ધ્યાન રાખવું પડશે તેમ સમીક્ષકોનું કહેવું છે. ચુંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા અથવા તેના શુભેચ્છકો દ્વારા સામ-સામા ગમે તેવા ખેલ થવાની ભીતી અસ્થાને નથી.

(3:32 pm IST)