Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ગોપાલનગરમાં પોલીસમેન ઉપર તલવાર વડે ખૂની હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

આરોપી ગુનાહિત માનસ ધરાવે છેઃ પ્રથમ દર્શનીય ગુનો છેઃ અદાલત

રાજકોટ, તા. ૨૨ :. અત્રે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિવ્યરાજસિંહ કીરીટસિંહ ઝાલા ઉપર તલવાર વડે ખૂની હુમલો કરીને હત્યાની કોશિષ કરવાના ગુનામાં પકડાયેલ અહીંના ગોપાલનગર શેરી નં. ૯મા રહેતો અને જેલ હવાલે થયેલ આરોપી જયદીપ ઉર્ફે જયલો વિજયભાઈ દેવડાએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૬-૩-૧૯ના રોજ ગોપાલનગર નજીક જનરલ પ્રોવીઝન સ્ટોર્સની સામે આરોપી અગાઉ હદપાર થયેલ હોય અને તે ઉપરોકત સ્થળે હોવાની જાણકારી મળતા ફરીયાદી પોલીસમેન તેને પકડવા જતા તેની ફરજમાં રૂકાવટ કરીને તલવાર વડે હુમલો કરીને જાન લેવાનો પ્રયાસ કરતા ભકિતનગર પોલીસમાં ગુન્હો નોંધાયો હતો.

આ ગુનામાં આરોપીએ જામીન પર છુટવા અરજી કરતા સરકારી વકીલ શ્રી મુકેશભાઈ પીપળીયાએ રજૂઆત કરેલ કે આરોપી ગુનાહીત માનસ ધરાવે છે. તેની સામે ઘણા ગુનાઓ નોંધાયા છે. તેથી તેને હદપાર પણ કરવામાં આવેલ છે તેમ છતાં હદપારીનો ભંગ કરીને રાજકોટમાં ફરતો હોય ફરીયાદી પોલીસમેન તેને પકડવા જતા પોલીસમેન ઉપર તલવાર વડે હુમલો કરીને હત્યાની કોશિષ કરેલ છે.

વધુમાં સરકારી વકીલે જણાવેલ કે આરોપી જો પોલીસ ઉપર હુમલો કરી શકતો હોય તો સમાજમાં સામાન્ય માણસ ઉપર તે શું ન કરી શકે ? તેવી દલીલ ધ્યાને લઈને આરોપીની જામીન અરજી રદ કરવા કોર્ટને જણાવતા સેસન્સ અદાલતે આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી માનીને જામીન અરજી રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.(૨-

રાજકોટ તા.રરઃ અત્રે એડી.ચીફ જયુડી. મેજી શ્રી એસ.બી. શાહે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ૪૯૨ નંગ ઇંંગ્લીશ દારૂના ગુન્હામાં આરોપીના ૩ દિવસના રીમાન્ડની માંગણી કરતી અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકિકત એવી છ ેકે, ગત તા. ૨-૯-૨૦૧૮ના રોજ આજી ડેમ પોલીસે ૪૯૨ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો કિંમત રૂ. ૧૪૭૬૦૦/- નો ઇંગ્લીશ દારૂ રઘુનંદન સોસાયટી, બ્લોક નં. ૭૫, માડાડુંગર, રાજકોટ ખાતેના રહીસ જગદીશ રઘુભાઇ વેદાણીના મકાનમાંથી કબ્જે કરેલ હતો જે અનુસંધાને નવાગામના રહેવાસી ભરત પૂંજાભાઇ પલાળીયાનું નામ પણ ખુલેલ હતું. જેની અટક આજી ડેમ પોલીસે કરતા આ આરોપી ના ૩ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરેલ હતો.

આરોપીના વકીલશ્રી સંજય એચ. પંડિત એ રીમાન્ડ અરજીનો વિરોધ કરેલ હતો અને હાલના નામે આરોપીની કસ્ટોડીયલ ઇન્ટ્રોગ્રેશનની કોઇ જરૂરીયાત નથી અને આરોપીની હાજરી વીના પણ તપાસ આગળ ચાલી શકે તેમ છે જે તમામ હકીકતો અંગે રજુઆતો કરેલ અને નામદાર વડી અદાલતોના ચુકાદાઓ રજુ રાખેલ જે કોર્ટે ગ્રાહય રાખી આજી ડેમ પોલીસએ કરેલ રીમાન્ડ અરજી નામંજુર કરેલ હતી.

આ કામે આરોપી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ હતા.

(3:25 pm IST)