Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

મહાત્મા ગાંધી મ્યુઝિયમના સમયમાં એક કલાકનો વધારો

મુલાકાતીઓને સાંજના ૬ કલાક સુધી પ્રવેશઃ લાઈટ એન્ડ સાઉન્ડ શો સાંજના ૭.૩૦ કલાકેઃ છેલ્લા ૬ મહિનામાં ૭૦ હજાર લોકોએ મહાત્મા ગાંધીજીનું જીવનકવન નિહાળ્યું

રાજકોટ, તા. ૨૨ :. મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લેવા માટે ફકત ઉનાળાની સિઝન દરમિયાન મુલાકાત માટેના સમયમાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે મુજબ ઉનાળાની સિઝન દરમિયાન મ્યુઝિયમ મુલાકાત માટે સાંજના ૫.૦૦ કલાકને બદલે હવેથી સાંજના ૬.૦૦ કલાક સુધી પ્રવેશ આપવામાં આવશે. તેમજ 'લાઈટ એન્ડ સાઉન્ડ શો' સાંજના ૭.૩૦ કલાકે મ્યુઝિયમ ખાતે આવેલ કોર્ટયાર્ડ ખાતે પ્રદર્શિત કરવામાં આવશે. આ સમયપત્રક ફકત ઉનાળાની સિઝન દરમિયાન મ્યુઝિયમની મુલાકાત માટે આવનાર મુલાકાતી માટે તા. ૨૨ માર્ચથી જ લાગુ પાડવામાં આવનાર હોય રાજકોટ શહેરની તમામ જાહેર જનતાએ મ્યુઝિયમ મુલાકાતના સમયપત્રક ધ્યાને લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં તા. ૧ ઓકટો.થી તા. ૨૧ માર્ચ સુધીમાં કુલ ૬૯,૧૫૪ જેટલા મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત કરી અભિભુત થયેલ છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ ઉપરાંત અદ્યતન લાયબ્રેરી, ફૂડ કોર્ટ, ટીકીટ વિન્ડો, કલોક રૂમ, વિશાળ પાર્કિંગ, મ્યુઝિયમ વિઝીટ માટે ગાઈડ, હેલ્પ-ડેસ્ક, ગાર્ડન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ હોય, પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન મૂલ્યો અને આદર્શોથી માહિતગાર થઈને પોતાના જીવનમાં અમલમાં મુકવા રાજકોટ શહેરના તમામ શહેરીજનોએ મ્યુઝિયમની મુલાકાત અવશ્ય લેવા અનુરોધ કરવામાં આવે છે તેમ પ્રોજેકટ મેનેજરશ્રી ઘોણીયાની યાદીમાં જણાવાયુ છે.

(3:22 pm IST)