Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પ્યાસીઓના જીવ બળી જાય તેવું કામ...રાજકોટમાં જપ્ત થયેલા ૩.૩૩ કરોડના દારૂ-બીયરનો નાશ

ઝોન-૧ અને ઝોન-૨ના પોલીસ મથકો, ક્રાઇમ બ્રાંચે વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૭૦ કેસોમાં પકડેલા દારૂ-બીયરની ૧,૦૬,૩૪૨ બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું: કુવાડવા રોડ પર સોખડા પાસે કોર્ટના આદેશ અનુસાર સમિતીના અધ્યક્ષ-સભ્યોની હાજરીમાં કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં એક તરફ દારૂની અછત છે અને છુટકછવાયા બુટલેગરો પ્યાસીઓ પાસેથી માંગ્યા દામ વસુલી રહ્યા છે ત્યારે પ્યાસીઓના જીવ બળી જાય તેવી કામગીરી આજે શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ઝોન-૧ અને ઝોન-૨ હેઠળના પોલીસ મથકો તથા બ્રાંચ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં જપ્ત કરવામાં આવેલા કરોડાના દારૂ-બીયરના જથ્થાનો આજે કુવાડવા રોડ પર સોખડા પાસે નાશ કરવામાં આવ્યો હતો.  શહેર પોલીસે જપ્ત કરેલા દારૂનો નાશ કરવા માટે કોર્ટ દ્વારા હુકમ થયો હોઇ આ કામગીરી માટે સમિતીની રચના કરવામાં આવી હતી. આ સમિતીના અધ્યક્ષ, સભ્યો અને સભ્ય સચિવની હાજરીમાં જે તે પોલીસ મથકના અધિકારીઓની ઉપસ્થિતિમાં સાત હનુમાનથી આગળ સોખડા અને નાકરાવાડી વચ્ચે સરકારી ખરાબામાં આજે સવારે અગિયાર વાગ્યે દારૂ-બીયરની બોટલો-ટીનના જથ્થાનો બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો. જેમાં ઝોન-૧ (ઉત્તર પુર્વ)ના પોલીસ મથકો ભકિતનગર, થોરાળા, આજીડેમ, એ-ડિવીઝન, બી-ડિવીઝન, કુવાડવા રોડ પોલીસ મથકના ૨૨૫ કેસમાં ૩૭૪૨૦ દારૂ-બીયરની બોટલો-ટીન (રૂ. ૧,૦૪,૭૩,૯૪૦) તથા ઝોન-૨ (પશ્ચિમ-દક્ષિણ)ના પોલીસ મથકો પ્ર.નગર, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગર અને તાલુકા પોલીસના ૧૪૩ કેસમાં ૯૬૬૮ બોટલ-ટીન (રૂ. ૨૮,૭૦,૦૪૫) તથા ક્રાઇમ બ્રાંચના ૧૦૨ કેસમાં ૫૯૨૫૪ બોટલ-ટીન  (રૂ.૨,૦૦,૪૨,૧૩૫) મળી કુલ ૪૭૦ કેસમાં ૧,૦૬,૩૪૨ બોટલ-ટીન (રૂ.૩,૩૩,૮૬,૧૨૦)ના દારૂ-બીયરના જથ્થાનો નાશ કરાયો હતો. તસ્વીરોમાં દારૂની બોટલો-ટીનની પથારી અને તેના પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું તે દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:18 pm IST)