Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો એક વખત ગાળો ભાંડી જતો રહ્યો, બીજી વાર આવ્યો અને છરીના ૧૨ ઘા ઝીંકી પતાવી દેવાયો

૩૧મી ડિસેમ્બરે થયેલી મારામારી પછી સતત એક બીજાને ભરી પીવા અપાતી ધમકી હોળીની રાતે હત્યા સુધી પહોંચી : તાલુકા પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલાને દબોચી લીધોઃ જુનુ મનદુઃખ જ હત્યા પાછળ કારણભુત

રાજકોટ તા. ૨૨: હોળીના પર્વની રાત્રે  મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસે કુખ્યાત શકિતસિંહ ઉર્ફ પેંડાના સાગ્રીત પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો હરદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૪)ને પુનિતનગર વૃંદાવન સોસાયટી-૧૫માં રહેતાં રિક્ષાચાલક દરબાર શખ્સ ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા, તેના સગીર પુત્ર સહિતે છરીના ૧૨ જેટલા ઘા આડેધડ પેટ-છાતી-પડખામાં ઝીંકી દઇ ક્રુરતાથી રહેંસી નાંખતા દોડધામ થઇ ગઇ હતી. ૭ થી ૮ ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલા પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયાને ૩૧મી ડિસેમ્બરે ધર્મેન્દ્રસિંહ સાથે ઝઘડો થયો હતો અને તેનું સમાધાન થઇ ગયું હતું. એ પછી ધર્મેન્દ્રસિંહની દિકરા જયદિપસિંહ સાથે આજથી બે મહિના પહેલા ઝઘડો થયો હતો. ત્યારથી સતત બંને એક બીજાની શેરીમાં જઇ એક બીજાને ધમકીઓ આપતાં હતાં. હોળીની સાંજે ગટીયાએ ધર્મેન્દ્રસિંહના ઘરે જઇ તેના દિકરાને ધમકી આપી હતી ત્યારે ધર્મેન્દ્રસિંહ ઘરે ન હોઇ તેની સાથે ફોનમાં વાત કરી જોઇ લેવાની ધમકી આપી હતી. થોડી વાર રહી બીજી વખત તે સામેથી આવ્યો હતો અને ધર્મેન્દ્રસિંહ સહિતનાએ તૂટી પડી પતાવી દીધાનું બહાર આવ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ હોળીની રાત્રે પુનિતનગર કર્મચારી સોસાયટી-૨માં પાયલ પાન સામે રહેતાં પેંડાના સાગ્રીત પાર્થરાજ ઉર્ફ ગટીયા પર છરીના ઘા થયાની અને સિવિલ હોસ્પિટલમાં તેનો મૃતદેહ જ પહોંચ્યાની તેમજ બનાવ સ્થળે તથા હોસ્પિટલે ટોળા ભેગા થયાની જાણ થતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ. ગેડમ, પી.આઇ. વી.એસ. વણઝારા તેમજ તાલુકા ડી. સ્ટાફની ટીમો ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.

પોલીસે તપાસ કરતાં પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયાને છરીના બારેક ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવ્યાનું સામે આવતાં હત્યાનો ભોગ બનનારના પિતા પુનિતનગર કર્મચારી સોસાયટી-૨માં રહેતાં અને પાનની દૂકાનમાં કામ કરતાં હરદેવસિંહ નટુભા જાડેજા (ઉ.૫૬)ની ફરિયાદ પરથી વૃંદાવન-૧૫માં રહેતાં રિક્ષાચાલક ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા (ઉ.૪૦), તેના સગીર પુત્ર તથા ભાઇ શકિતસિંહ મહિપતસિંહ ઝાલા તથા અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૦૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

હરદેવસિંહ જાડેજાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે ેતેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. પુત્રી કોમલબા સાસરે છે. પુત્ર પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો (ઉ.૨૪) અપરિણીત હતો. હોળીની સાંજે પાંચેક વાગ્યે પોતે ઘરેથી નીકળ્યા ત્યારે પત્નિ આશાબા ઘરે હતાં અને પુત્ર પાર્થરાજસિંહ બહાર ગયો હતો. રામેશ્વર મંદિરે દર્શન આરતી કર્યા બાદ સાંજે આઠેક વાગ્યે પોતે ઘરે આવ્યા હતાં અને જમીને ફરીથી સાડા આઠેક વાગ્યે ફાકી ખાઇ મામાસાહેબના મંદિરે બેસવા ગયા હતાં.

એ દરમિયાન હરદેવસિંહના મિત્ર વિરૂભા વાળા બાઇક લઇને આવ્યા હતાં અને તેણે વૃંદાવન સોસાયટીમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાના  ઘર બહાર પાર્થરાજસિંહને રોડ સાઇડમાં લોહીલુહાણ પડેલા જોયાનું કહેતાં તેઓ મિત્ર વિરૂભા સાથે બાઇકમાં બેસી ત્યાં પહોંચ્યા હતાં. જ્યાં દિકરા પાર્થરાજસિંહને લોહીલુહાણ જોયા હતાં અને બાજુમાં સફેદ કલરની ફોરવ્હીલ જોઇ હતી અને તેમાં પણ લોહીના ડાઘા જોયા હતાં. પાર્થરાજસિંહને પેટ,છાતીના ભાગે તિક્ષ્ણ હથીયારના ઘા મારવામાં આવ્યાનું જણાયું હતું. એ દરમિયાન  પાર્થરાજસિંહનો મિત્ર કૃણાલ રમેશભાઇ દાણીધારીયા પાર્થરાજના માતા આશાબા જાડેજાને કારમાં બેસાડીને આવ્યો હતો અને એ કારમાં જ પાર્થરાજસિંહને સરકારી હોસ્પિટલે પહોંચાડાયેલ. પાછળ બીજા વાહનમાં પિતા હરદેવસિંહ સહિતના લોકો પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં. પરંતુ અહિ પાર્થરાજસિંહ મૃત્યુ પામ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

હરદેવસિંહે હત્યા પાછળ શું કારણ હોઇ શકે? તે અંગેની પુછતાછમાં જણાવ્યું હતું કે બે મહિના અગાઉ મારા દિકરા પાર્થરાજને ધર્મેન્દ્રસિંહ ઝાલાના દિકરા જયદિપસિંહ સાથે માથાકુટ થઇ હતી. આ બાબતનો ખાર રાખી ધર્મેન્દ્રસિંહ તથા તેનો ભાઇ શકિતસિંહ અને પુત્ર જયદિપસિંહ અવાર-નવાર અમારી શેરીમાંથી નીકળતાં અને મને ધમકી આપતાં કે 'તારા દિકરાને સમજાવી લેજે, મારા દિકરાનું નામ ન લે નહિતર તેને જાનથી મારી નાંખશું.' આ કારણે મારા દિકરા પાર્થરાજસિંહને અગાઉ પણ ધર્મેન્દ્રસિંહ સાથે માથાકુટ થઇ હતી. તે જ્યારે અમારી શેરીમાંથી નીકળતાં ત્યારે નેફામાં છરી સાથે રાખતાં અને મારા દિકરાને સતત ધમકી આપતાં હતાં. હોળીની રાત્રે પણ ધર્મેન્દ્રસિંહ, તેના દિકરા અને ભાઇએ મળી મારા દિકરા પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયાને અગાઉનો ખાર રાખી છરીના ઘા ઝીંકી હત્યા કરી છે. મારા દિકરાનું બાઇક અને ચાવી પણ ધર્મેન્દ્રસિંહ ઝાલાના ઘર પાસેથી મળ્યા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી ગેડમની સુચનાથી રાત્રે જ પી.આઇ. વી.એસ. વણઝારા, પી.એસ.આઇ. જી.એસ. ગઢવી, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, પીએસઆઇ ડામોર, નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઇ સોલંકી, જયંતિભાઇ, ભાવેશભાઇ, પ્રવિણભાઇ સહિતની ટીમોએ દોડધામ આદરી હતી. એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે હત્યા બાદ ધર્મેન્દ્રસિંહ સહિતના વાવડી તરફ ભાગી ગયા છે આથી એ તરફ પગેરૂ દબાવી તેને સકંજામાં લીધો હતો.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં ધર્મેન્દ્રસિંહે કબુલ્યું હતું કે હોળીની સાંજે પોતે બહાર હતાં ત્યારે પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો દારૂ પીને આવ્યો હતો અને તેના દિકરા જયદિપસિંહને ગાળો દઇ જોઇ લેવાની ધમકી આપી હતી. ત્યારે પુત્રએ ફોન પર વાત કરાવતાં પોતાને પણ ફોનમાં ગટીયાએ ગાળો  દેતાં તેને જો માથાકુટ કરવી જ હોય તો રૂબરૂ આવી જવા કહેતાં તે થોડીવાર પછી ફરીથી બાઇક લઇને આવ્યો હતો અને 'બહાર નીકળો બધા...જોઇ લેવા છે...' કહી બૂમબરાડા કરતાં પોતે તથા પુત્ર બહાર નીકળતાં માથાકુટ થઇ હતી અને તેને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. ધર્મેન્દ્રસિંહે એવું પણ રટણ કર્યુ હતું કે ૩૧મી ડિસેમ્બરે પણ પોતાને અને પાર્થરાજને માથાકુટ થઇ હતી. ત્યારથી સતત મનદુઃખ ચાલતું હતું.  (૧૪.૬)

 પરિવાર મુળ લોધીકાના માખાવડનો વતનીઃ ગટીયો માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

. હત્યાનો ભોગ બનનાર પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો જાડેજા (ઉ.૨૪) માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને પરિણીત હતો. તેનાથી મોટા બહેન સાસરે છે. ગટીયાના માતાનું નામ આશાબા છે અને પિતા હરદેવસિહ નટુભા જાડેજા (ઉ.૫૬) પાનની દૂકાનમાં બેસી કામ કરે છે. એકના એક દિકરાની હત્યાથી આ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. આ પરિવાર મુળ લોધીકાના માખાવડનો વતની છે. જો કે વર્ષોથી બધા પુનિતનગર કર્મચારી સોસાયટીમાં રહે છે.

હત્યાનો ભોગ બનેલા પાર્થરાજ ઉર્ફ ગટીયાનો ગુનાહિત ઇતિહાસ

. અગાઉ અનેક ગુનાઓ આચરી પોલીસના નાકે દમ કરી દેનાર શકિતસિંહ ઉર્ફ પેંડાની સાથે જ પાર્થરાજસિંહ ઉર્ફ ગટીયો અનેક ગુનામાં સામેલ હતો. ગટીયા સામે ઓન રેકોર્ડ ગુના છે તેની વિગત જોઇએ તો વર્ષ ૨૦૧૪માં તાલુકા પોલીસમાં એક ગુનો, એ વર્ષમાં જ ભકિતનગરમાં લૂંટનો એક ગુનો, ૨૦૧૫માં માલવીયાનગરમાં ધમકીનો ગુનો, ૨૦૧૬માં ભકિતનગરમાં રાયોટનો ગુનો, ૨૦૧૮માં ભકિતનગરમાં નશો કરવાના બે ગુના તથા ૨૦૧૭માં વાહનો સળગાવવાના ગુના તાલુકા અને આજીડેમ પોલીસ મથકમાં નોંધાયા હતાં. આ સિવાય વિસ્તારમાં માથાકુટ કરતો હોવાની ફરિયાદો અનેક વખત પોલીસને મળતી હતી. પરંતુ મોટે ભાગે સમાધાન થઇ જતું હતું.

(11:51 am IST)