Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

કુવાડવા રોડ પરના પીપળીયામાં રંજનબેન કોળીનું દાઝતાં મોતઃ પતિએ સળગાવ્યાનો પિતાનો આક્ષેપ

મોરબી માવતર ધરાવતી મહિલાનું આ બીજુ ઘર હતું: એકની એક દિકરીએ ૨૦ મિનીટમાં ત્રણ ફોન કર્યા, એ પછી જમાઇએ કહ્યું-તમારી દિકરી દાઝીગઇ છે!...પિતા ગોરધનભાઇનો વલોપાત

રાજકોટ તા. ૨૨: કુવાડવા રોડ પર સાત હનુમાન નજીકના પીપળીયા ગામે રહેતી રંજનબેન ગોરધનભાઇ ઝીંઝુવાડીયા (ઉ.૩૧) નામની કોળી મહિલા ધૂળેટીની રાત્રે નવેક વાગ્યે ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો. સાસરિયાઓએ રસોઇ બનાવતી વખતે સ્ટવમાં ભડકો થયાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં લખાવ્યું હતું. જો કે મોરબીથી આવેલા રંજનબેનના પિતા ગોરધનભાઇ હનુભાઇ વરાણીયા, માતા બાલુબેન અને ભાઇએ પોતાની દિકરીને પતિએ સળગાવી દીધાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રંજનબેન રાત્રે દાઝી જતાં સિવિલમાં ખસેડાઇ હતી. પણ સવારે તેણીએ દમ તોડી દીધો હતો. રંજનબેનના માતા બાલુબેન અને પિતા ગોરધનભાઇએ જણાવ્યું હતું કે રંજનના આ બીજા લગ્ન હતાં. આગલો પતિ પણ હેરાન કરતો હોઇ છુટુ કર્યુ હતું. જમાઇ ગોરધનનું પણ આ બીજુ ઘર હતું. તેણે અગાઉ ભત્રીજાના દિકરાને દત્તક લીધો હોઇ તે અમારી દિકરીની કુખે જન્મેલી બે દિકરીને બરાબર સાચવતો ન હોઇ આ બાબતે બંને વચ્ચે અવાર-નવાર ચડભડ થતી હતી અને અમારી દિકરી અમને ત્રાસ અંગેની જાણ કરતી હતી.

ધૂળેટીની રાત્રે પણ દિકરીએ પંદર-વીસ મિનીટની અંદર ત્રણ વખત અમને ફોન કર્યો હતો અને પતિ માથાકુટ કરતો હોવાની વાત કરી હતી. છેલ્લે તેને શું કરે છે? તેમ પુછતાં તેણીએ પોતે બંને દિકરી જે બે વર્ષ અને બે માસની છે તેને ખોળામાં લઇને બેઠી હોવાની વાત કરી હતી. તેની થોડી જ મિનીટો બાદ તેના પતિ ગોરધને ફોન કરીને કહ્યું હતું કે-તમારી દિકરી દાઝી ગઇ છે.

પિતા ગોરધનભાઇએ એવો આક્ષેપ પણ કર્યો છે કે રસોઇ ગેસ ઉપર કરવામાં આવતી હતી. પ્રાયમસ કયાંથી આવ્યો? તેની તપાસ થવી જોઇએ. અમારી દિકરી અકસ્માતે દાઝી નથી તેને સળગાવી દેવામાં આવી છે.  પોલીસે આ આક્ષેપો સંદર્ભે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ આદરી છે. (૧૪.૯)

(11:46 am IST)