Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

રેસકોર્ષ પાર્કમાં વણિક દેરાણી-જેઠાણીને છેતરી બે ગઠીયા સોનાના બંગડી-પાટલા બઠ્ઠાવી ગયા!

ડિટર્જન્ટ લિકવીડ વેંચવા આવેલા ગઠીયાઓએ 'અમારા લિકવીડથી દાગીના ચકચકાટ થઇ જશે'..કહી ઠગાઇ કરીઃ તપેલીના પાણીમાં હળદર અને પાવડર ભેળવતાં પાણી કાળુ થઇ ગયું: તેમાં દાગીના નાંખી ગેસ પર ગરમ કરવા કહ્યું: બંને જતાં રહ્યા બાદ તપેલી તપાસતાં અંદરથી દાગીના ગાયબ જણાયા!: પ્ર. નગર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૨૨: શહેરના શારદાબાગ નજીક થોડા દિવસ પહેલા રૈયા રોડ વિમાનગરના અરવિંદભાઇ દક્ષિણી (ઉ.૬૦) નામના વૃધ્ધને પોલીસ ચેકીંગના નામે છેતરી  બે ગઠીયા સવા બે લાખના દાગીના બઠ્ઠાવી ગયા હતાં. આ બનાવની તપાસ થઇ રહી છે ત્યાં હવે સોનાના દાગીના ઉજાળી આપવાના બહાને ઠગાઇ કરતાં ગઠીયા મેદાને આવ્યા છે. રેસકોર્ષ પાર્કમાં રહેતાં ૬૫ વર્ષના વણિક વૃધ્ધાના ઘરે ડિટર્જન્ટ લિકવીડ વેંચવાના બહાને આવેલા બે ગઠીયા આ વૃધ્ધા અને ગોંડલથી આવેલા તેમના જેઠાણીને છેતરી સોનાના પાટલા બંગડી કાળા રંગનું પ્રવાહી ભરેલી તપેલીમાં નાંખી નજર ચુકવી કુલ ૯૦ હજારના દાગીના બઠ્ઠાવીને ભાગી ગયાનો બનાવ સામે આવ્યો છે.

બનાવ અંગે રેસકોર્ષ પાર્ક-૧ ત્રણ માળીયા બિલ્ડીંગ ૬૩-૨૦૨માં વિરમેશ્વર મહાદેવ મંદિર સામે રહેતાં લીનાબેન પ્રમોદભાઇ પારેખ (ઉ.૬૫) નામના જૈન વણિક વૃધ્ધાની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. લીનાબેને એફઆઇઆરમાં જણાવ્યું છે કે પોતે પતિ સાથે રહે છે. તેમના જેઠાણી હંસાબેન પ્રફુલભાઇ પારેખ કે જેઓ ગોંડલ રહે છે તે પંદર-વીસ દિવસથી રાજકોટ તેના ઘરે રોકાવા આવ્યા છે. ૧૪મીએ બપોરે પોણા એકાદ વાગ્યે લીનાબેન તથા જેઠાણી હંસાબેન ઘરે એકલા હતાં. પતિ પ્રમોદભાઇ મરણ પ્રસંગે ધોરાજી ગયા હતાં.

આ વખતે કોઇએ દરવાજો ખખડાવતાં લીનાબેનના જેઠાણી હંસાબેને દરવાજો ખોલતાં બે શખ્સ ઉભા હતાં. તેણે પોતે ડિટર્જન્ટ લિકવીડનું માર્કેટીંગ કરે છે, કંઇ ખરીદવું છે? તેમ પુછી વાતો કરી હંસાબેનને વિશ્વાસમાં લેતાં તેમણે બંનેને ઘરમાં આવવા દીધા હતાં. આ પછી આ બંનેએ અલગ-અલગ ડિટર્જન્ટ લિકવીડ બતાવ્યા હતાં. લીનાબેન પણ બંનેની વાતોમાં આવી ગયા હતાં. ત્યારબાદ ગઠીયાઓએ આ દેરાણી-જેઠાણીને તેમણે પહેરેલી સોનાની બંગડીઓ પણ લિકવીડથી ચકચકાટ બની જશે તેમ કહ્યું હતું.

એ પછી એક શખ્સે કોઇ વાસણમાં થોડુ પાણી લાવવાનું કહેતાં લીનાબેને તપેલીમાં પાણી નાંખી તેને આપી હતી. જેમાં એક ગઠીયાએ હળદર તથા કોઇ બીજો પાવડર નાંખતા પાણી કાળા રંગનું થઇ ગયું હતું. ત્યારબાદ વૃધ્ધ દેરાણી-જેઠાણીને સોનાની બંગડી-પાટલા ઉતારી આપવા કહેતાં લીનાબેને સોનાની ચાર બંગડી અને તેમના જેઠાણી હંસાબેને બે પાટલા આપ્યા હતાં. આ દાગીના તેણે પાણીની તપેલીમાં નાંખી દીધા હતાં. પાણી કાળુ હોઇ અંદર દાગીના છે કે નહિ તે દેખાતું નહોતું. બાદમાં બંને ગઠીયાએ તપેલી ગેસ પર મુકી પાણી ગરમ કરી થોડીવાર બાદ દાગીના કાઢી લેવાનું કહ્યું હતું અને બંને નીકળી ગયા હતાં.

લીનાબેને ગઠીયાઓએ આપેલી રીત મુજબ કર્યુ હતું. બાદમાં પાણી ઠરી જતાં તપેલીમાં હાથ નાંખતા અંદરથી બંગડીઓ અને પાટલા ગાયબ હોઇ બંને દેરાણી જેઠાણી હેબતાઇ ગયા હતાં અને બહાર દોટ મુકી શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. અંતે પોલીસને જાણ કરતાં પી.આઇ. બી. એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા હોય તો ફૂટેજ મેળવવા તજવીજ આદરી છે.

(11:45 am IST)