Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

આજે વિશ્વ જળ દિવસઃ પાણીનો આયોજનપૂર્વક - કરકસરપૂર્વક ઉપયોગ કરોઃ મેયર

રાજકોટ તા. ૨૨ : આજે 'વિશ્વ જળ દિવસ' અનુસંધાને રાજકોટના મેયર ડો.જૈમન ઉપાધ્યાયે શહેરીજનોને અપીલ સાથે પોતાના વિચારો પ્રગટ કરતા કહ્યું હતું કે, પૃથ્વીનું અસ્તિત્વ જળ, વાયુ અને વન્યસૃષ્ટિ પર નિર્ભર છે. પાણીની કિંમત લોહી કરતા ઓછી આંકી શકાય નહિ જેથી લોકો પાણીનું મુલ્ય સમજે અને બીજાને પણ તેનાથી માહિતગાર કરાવે તેવા મહાત્મય સાથેના આજના દિવસે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે પાણીને સાવ 'પાણીની જેમ' વેડફી ન નાખીએ. તેનો નાણાની જેમ આયોજન પૂર્વક અને કરકસરયુકત ઉપયોગ કરવા મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ અને રાજકોટવાસીઓની જ વાત કરીએ. આપણે પાણી માટે કપરો ભૂતકાળ જોયો છે. પાણીની કટોકટી વખતે લોકોની આંખોમાંથી પાણી વહેતા હતા. નર્મદા યોજના સાકાર થયો છે અને ગત વર્ષે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌની યોજના હેઠળ આજીડેમને નર્મદાની લીંક સાથે જોડી દીધેલ છે ત્યારે હવે પાણી પ્રશ્ને ચિંતાની કોઈ સ્થિતિ નથી.

આજના દિવસે હું સૌ રાજકોટવાસીઓને ચોમાસાના દિવસોમાં જળ સંચય કરવા અને જમીનમાં જળ સપાટીને ઉંચી લાવવામાં પોતાનું યથોચિત યોગદાન આપે, ઉપરાંત રોજ બરોજ જરૂરિયાત હોય તેટલી જ માત્રામાં જળ વપરાશ કરે તે હવે પછીના સમયની માંગ છે, તેમ અંતમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયે જણાવ્યું હતું.

(4:44 pm IST)