Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

સ્વામી સર્નુજીના સાનિધ્યમાં ચૈત્ર નવરાત્રી યજ્ઞ

રામમંદિર થશે જ, પ્રેમથી નિર્માણ થાય તેનો પ્રયત્ન થાય છેઃ પૂ.સર્નુજી : આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિદિવસીય આયોજનઃ નવચંડી હોમ-રામતારક હોમ થશે

સ્વામી સર્નુજી સાથે તુષાભાઇ વંકાણી, નિલેશભાઇ ચંદારાણા, વિનોદભાઇ મજીઠિયા, નરેન્દ્રભાઇ નથવાણી, કેતનભાઇ તંતી, શીલાબેન નજરે પડે છે.(તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ તા. રર : આર્ટ ઓફ લિવિંગ દ્વારા સ્વામી સર્નુજીના સાનિધ્યમાં ચૈત્ર નવરાત્રી હવનનું ભવ્ય-દિવ્ય આયોજન થયું છે. સર્નુજી આજે 'અકિલા'ની મુલાકાતે પધાર્યા હતા અને સત્સંગ કર્યો હતો. તેઓશ્રીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ જન્મ ભૂમિ સ્થાને મંદિર નિર્માણ કેમ કરવું તેનું ચિંતન ચાલે છે. શ્રી શ્રી રવી શંકરજી નિર્માણકાર્ય પ્રેમથી થાય તે માટે પ્રયત્ન કરે છે.

પૂ.સર્નુજીએ આધ્યાત્મિક વાત કરતા કહ્યું હતું કે, ચૈત્ર નવરાત્રીએ વિધિસર ઉર્જા સક્રિય હોય છ.ે આ દિવસોમાં હવનનું આયોજન થયું છે હવન માંનુ અગ્નિકુંડ છે, જેમાં પિતાજી આહૂતિ આપે ત્યારે દૈવત્ય પ્રગટેછે આ હવનથી ચૈતન્યનું પ્રાગટ્ય થાય છે, જે સમાજ માટે કલ્યાણકારી બને છે.

સ્વામીજી કહે છે કે, વિવિધ ઉર્જાઓને મહેસુસ કરવા માટે સજાગતાની જરૂર પડે છે. સજાગતા ધ્યાનથી પ્રાપ્ત થાય છે. સાક્ષીભાવ સાથે માણસનો પુરૂષાર્થ પણ જરૂરી છે.

આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વૈદીક પરંપરાને ઉજાગર કરતો પ્રાચીન ''ચૈત્ર નવરાત્રી યજ્ઞ મહોત્સવ''નું દિવ્ય આયોજન શ્રી લાભુભાઇ ત્રિવેદી, મેમોરીયલ હોલ, રેડ ક્રોષ બિલ્ડીંગ, કુંડલીયા કોલેજ પાસે, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતે તા.૨૩,૨૪ અને ૨૫ માર્ચના રોજ વિવિધ યજ્ઞો અને પુજા કરવામાં આવશે.

બેંગ્લોરથી પધારશે સ્વામી સર્નુજી જે આર્ટ ઓફ લીવીંગમાં સીનીયર અને વિશેષ તેમનું સ્થાન છે. તેઓ ભારતભરમાં ભ્રમણ કરી વિવિધ સેવા પ્રવૃતિ જેમ કે પદ યાત્રા, ગ્રામીણ વિચરણ, જ્ઞાન સભાઓ, યુવા સભાઓ દ્વારા હજારો લોકોના જીવન માર્ગ દર્શક બની પ્રેમ આપી રહ્યા છે. આવા વિશેષ વ્યકિતના સાનિધ્યમાં એટલું જ પ્રાચીન ચૈત્ર નવરાત્રીનું આયોજન કરેલ છે. જે એક સાથે બેંગ્લોર આશ્રમ, વડોદરા આશ્રમ, ભુવનેશ્વર આશ્રમ, ગુવાહાટી આશ્રમ ખાતે પણ યજ્ઞો થશે.

આ વૈદીક ચેત્ર નવરાત્રી યજ્ઞ મહોત્સવમાં સ્વામીજીની સાથે દક્ષીણ ભારતના અર્વાચીન મંદિરના શીવાચાર્યો તેમજ વેદાચાર્યોની હાજરીમાં ત્રણ દિવસ વિવિધ પુજા, હોમ અને હવન દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. પ્રાચીનકાળમાં ઋષીઓ પણ ચૈત્રી નવરાત્રી કરતા હતા અને જયા જતાં ત્યાં આખા ગામને કરાવતા હતા. સાધના અને ભકિત માટેની આ નવરાત્રીમાં રાસ-ગરબા નથી હોતા પણ માં અંબાની ભકિતમાં મનને સ્થીર કરવાનું હોય છે. જે લોકો વ્યાપાર વ્યવસાયમાં છે તેમણે નવેય દિવસ ઉપવાસ સાથે ભકિત કરવી જોઇએ.

વિવિધ હોમ અને પૂજાની માહિતી ૨૩ માર્ચ સાંજના ૫ થી ૯ શ્રી ગણપતિ હોમ, દેવી પૂજા, દુર્ગા સપ્તશતી પારાયણ, શ્રી લલીતા સહસ્ત્રનામ, પૂર્ણાહુતિ, આરતિ, ભોજન-પ્રસાદ તથા ૨૪ માર્ચ સવારે ૯ થી ૧૨ શ્રી નવચંડી હોમ, શ્રી દુર્ગાસપ્તશતી પારાયણ, પૂર્ણાહુતિ, આરતી ભોજન પ્રસાદ થશે. ૨૪ માર્ચ સાંજે ૬ સાંજે શ્રી લલીતા સહસ્ત્રનામ તથા ૨૫ માર્ચ સવારે ૧૦ થી ૧૨-૩૦ શ્રી રામ તારક હોમ, રામધૂન, સત્સંગ, મહાપૂર્ણાહુતિ, આરતિ, ભોજન-પ્રસાદનું આયોજન છે.

ચૈત્ર નવરાત્રી નિમિતે વિશેષ કાર્યક્રમ તા.૨૨-૩-૨૦૧૮ને ગુરૂવારના રોજ લાઇફ બિલ્ડીંગ ખાતે રાત્રે ૯ થી ૧૦-૩૦ બેંગલોર આશ્રમથી પધારેલ સ્વામી શરણમજીનો સ્તસંગ રાખેલ છે જેનો લાભ લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.૯૮૭૯૧ ૨૪૭૭૪ સંપર્ક થઇ શકે છે. પ્રેસ મુલાકાત સમયે તુષારભાઇ વાંકાણી, નિલેષભાઇ ચંદારાણા , અચ્યુતભાઇ જાની, વિનોદભાઇ મજીઠીયા નરેન્દ્રભાઇ નથવાણી, કેતનભાઇ તંતી, શીલાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પૂ.સર્નુજીઃ કલાસાધનાથી આધ્યાત્મિક સાધના...

સ્વામીજી ફાઇન આટ્ર્સમાં MA થયા છે

રાજકોટ તા.રરઃ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ચૈત્ર નવરાત્રી હવનનું આયોજન થયું છે, જે માટે બેંગ્લોરથી સ્વામી સર્નુજી પધાર્યા છે.

તેઓ કર્ણાટક કલાજગત્તની નામી હસ્તી હતા. સર્નુજીએ ફાઇન આટ્ર્સમાં MA કર્યું છે. કલાસાધના દરમિયાન શ્રી શ્રી રવી શંકરજીનો સંપર્ક થતા અધ્યાત્મનો રંગ ચઢ્ઓ ૧૯૯૯ ની સાલમાં દીક્ષા લીધી અને દિવ્ય સાધનામાં વ્યસ્ત થયા. તેઓ કહે છે કે,  પૂ. ગુરૂજી શ્રી શ્રી રવી શંકરજી સૂર્યસમાન તેજવાળા છે. તેમના સાનિધ્યમાં જાય એ ઝળહળે એ સ્વાભાવિક છે.

પૂ. સર્નુજીના સાનિધ્યમાં નવચંડી હવનનો લાભ રાજકોટને પ્રાપ્ત થશે. તેઓ કહે છે. કે, સૌરાષ્ટ્રમાં દિવ્ય ઉર્જાનો અહેસાસ થાય છે. તેઓ ગિરનારના દર્શન કરવા પણ જવાના છે.

(3:57 pm IST)