Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રેવન્યુ કામગીરી પંચાયત તલાટી કમ મંત્રીઓ નહીં સંભાળે : મંડળની કારોબારી બેઠકમાં નિરધાર

રાજકોટ તા. ૨૨ : ગુજરાત રાજય તલાટી મહામંડળની કારોબારી મીટીંગ તાજેતરમાં મળી હતી. જેમાં મહેસુલ વિભાગ દ્વારા બળજબરીથી સોંપાતી એગ્રીકલ્ચર સેસન્સ અને પાણી (વાવેતર) પત્રકની કામગીરી નહીં સંભાળવા ઠારાવ થયો હોય પંચાયત તલાટી કમ મંત્રી હવે આવી રેવન્યુ કામગીરી નહીં સંભાળે તેમ ગુજરાત રાજય તલાટી મહામંડળના પ્રમુખ ભરતભાઇ ડી. આહીર અને રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ એચ. બી. ડાંગરની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ યાદીમાં ઉમેરેલ છે કે મહેસુલ વિભાગ દ્વારા સને ૨૦૦૪/૦૫ ના વર્ષથી ઇ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી ખાતેથી જમીન દફતર કોમ્પ્યુટરાઇઝડ કરી અદ્યતન નિભાવવામાં આવે છે. જે મુજબ જમીન અંગેની કામગીરી કરવા મહેસુલી તલાટીની નિમણુંક કરેલ છે. સેજાની ફાળવણી પણ કરવામાં આવેલ છે. તેમ છતા જમીનને સંલગ્ન એગ્રીકલ્ચર સેસન્સ અને પ્હાણી પત્રકની કામગીરી પંચાયત તલાટી કમ મંત્રી પાસે કરાવવાનો દુરાગ્રહ રાખવામાં આવે છે.

રેવન્યુ તલાટીઓને પગાર પેટે દર મહિને ૮ કરોડ ચુકવાય છે. તો રેવન્યુ કેડર મુજબ તેમની પાસેથી કામ લેવાને બદલે પંચાયત તલાટી પાસે કામ કરાવવાનો દુરાગ્રહ શા માટે?

દરેક ગામનું દફતર ગામે તલાટી કમ મંત્રી હસ્તક ન હોવાથી એગ્રીકલ્ચર સેસન્સ કે પ્હાણી પત્રક અંગેની કામગીરી નહી કરવા રાજય તલાટી કમ મંત્રી મંડળે નિરધાર કરેલ છે. જેથી પંચાયત તલાટી કમ મંત્રી આવી કામગીરી નહીં સંભાળે.

મહેસુલ અધિકારીઓ દ્વારા થતા દાબ દબાણ સામે ત્વરીત ધોરણે ઘટતી કાર્યવાહી કરવા તેમજ રેવન્યુ અને પંચાયત મંત્રીના જોબચાર્ટ બનાવી એ મુજબ કામગીરી સોંપવામાં આવે તેવી માંગણી પંચાયત તલાટી કમ મંત્રીઓની હોવાનું ભરતભાઇ આહીર (મો.૯૯૨૫૫૧ ૪૨૭૪૭) અને હરસદાભાઇ ડાંગર (મો.૯૪૨૬૯ ૦૦૮૩૨) ની યાદીમાં જણાવાયુ છે.

(3:55 pm IST)