Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

પછાતવર્ગના યુવક- યુવતિઓના ઉચ્ચ શિક્ષણ માટે રૂ.૩૮૩ લાખની લોન મંજુરઃ નરેન્દ્રભાઈ સોલંકી

નાના ધંધાર્થીઓ માટે ૧૭ લાખ લોનની ફાળવણીઃ પછાત વર્ગ નિગમની બેઠક

રાજકોટ, તા.૨૨: ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડલેશ્વર નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ)ની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અધિક સચિવ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના અધિકારી કે.જી.વણજારા, નાણા સલાહકાર એસ.વી.પડધરીયા, મેનેજીંગ ડિરેકટર જશવંત ગાંધી સહીતનાની ઉપસ્થિતમાં ગુજરાતભરના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. આ તકે નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ) એ જણાવ્યું હતું કે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે ભાજપના નેતૃત્વવાળી પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ત્યારે ભાજપાની પંચનિષ્ઠા એટલે સામાજીક સમરસતાનું સ્થાપન કરવા માટે બક્ષીપંચ સમાજમાં આવતી આશરે ૧૪૪ થી વધુ જ્ઞાતિઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ધંધા- રોજગાર માટેની લોન ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ અગ્રેસર રહ્યુ છે.

બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ તેમજ ધંધા- રોજગાર માટેની લોન આપવામાં આવી રહી છે અને તે પણ કોઈપણ પ્રકારના વચેટીયા વિના અને સીધાજ લાભાર્થીના ખાતામાં આ રકમ જમા કરવામાં આવી રહી છે ત્યારે લાભાર્થી પસંદગી સમિતિની બેઠકમાં આવેલ દરેક અરજીઓને આવરી લેવામાં આવેલ હતી. જેમાં શૈક્ષણિક દિકરા- દિકરીઓની હાયર એજ્યુકેશન માટેની ૬૦ અરજી આવેલ હતી. જે દરેક અરજી મંજુર કરવામાં આવેલ છે, જેમાં આશરે રૂ.૩૮૩ લાખની લોન મંજુર કરવામાં આવેલ છે. તેમજ બક્ષી પંચના યુવાનો રોજગારી પ્રાપ્ત કરે તેવા ઉમદા હેતુથી નાના ધંધાર્થીઓ માટેની કુલ ૧૮ અરજીઓ આવેલ હતી, તેમાંથી ૧૫ અરજીઓ મંજુર કરવામાં આવેલ. તેમા બાકી રહેતી અરજીઓ નિયમ મુજબ કાગળોની પૂર્તતા કર્યા બાદ મંજુર કરવામાં આવશે. જેમાં કુલ રૂપિયા ૧૭ લાખ મંજુર કરવામાં આવેલ છે.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડલેશ્વર નરેન્દ્રભાઈ સોલંકી (નરેન્દ્રબાપુ) જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લાભાર્થીઓને આવતા વર્ષના હપ્તા પેટે રૂ.૨૦ કરોડ અને એક લાખ ચુકવવાનું આયોજન કરવામાં આવેલ છે.

(12:51 pm IST)