Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

બોકસ બનાવવાના મશીનમાં બંને હાથ ફસાતાં ઘવાયેલા સુધીરભાઇ ત્રિવેદીનું મોત

જલજીત સોસાયટીના બ્રાહ્મણ પ્રોૈઢ ૧૯ દિવસથી સારવારમાં હતાં

રાજકોટ તા. ૨૨: ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર-૨માં આવેલા ઋતુ પેકેજીંગ નામના કારખાનામાં તા. ૩ના કર્મચારી સુધીરભાઇ પ્રાણલાલ ત્રિવેદી (ઉ.૫૪-રહે. જલજીત સોસાયટી-૫) નામના બ્રાહ્મણ પ્રોૈઢ મશીન પર કામ કરી રહ્યા હતાં ત્યારે બંને હાથ અકસ્માતે મશીનમાં આવી જતાં ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

બનાવ અંગે દોશી હોસ્પિટલ મારફત જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢક અને કલ્પેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. સુધીરભાઇ કારખાનામાં પુઠાના બોકસ બનાવવાના મશીનમાં કામ કરી રહ્યા હતાં ત્યારે બંને હાથ મશીનમાં આવી જતાં ઇજા થઇ હતી. પ્રથમ જી.ટી. શેઠ હોસ્પિટલ, બાદ વોકહાર્ટ અને છેલ્લે દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાત્રે તેમનું મોત નિપજ્યું હતું.

મૃતકને સંતાનમાં એક પુત્ર છે. જે એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:48 pm IST)