Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

નરેન્‍દ્રભાઇ રેસકોર્ષમાં લોકોની વચ્‍ચેથી સભા સ્‍થળે જશે

રાજકોટથી સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના સેંકડો કામોના કુલ ૩૫ થી ૪૦ હજાર કરોડના લોકાર્પણ થવાની શક્‍યતા : રાજકોટ સહિત ૫ એઇમ્‍સ - અન્‍ય હોસ્‍પિટલોના ૧૧ હજાર કરોડના લોકાર્પણની કલેકટર દ્વારા જાહેરાત : એઇમ્‍સ ખાતે ત્રણ હેલીપેડ બનાવાયા : જાહેરસભામાં ૨ાા વાગ્‍યા પહેલા એન્‍ટ્રી લેવા અપીલ : એઇમ્‍સ - બંને એરપોર્ટ - રેસકોર્ષ એમ ૪ સ્‍થળે ગ્રીન રૂમ : દરેક સ્‍થળે ચા-કોફી-નાસ્‍તાની વ્‍યવસ્‍થા : નરેન્‍દ્રભાઇ વિદાય લેશે ત્‍યારે ફલાઇટમાં કાઠીયાવાડી ભોજનનો સ્‍વાદ લેશે : કલેકટર તંત્રની યજમાની

રાજકોટ તા. ૨૨ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે સત્તાવાર વિગતો આપતા જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી દ્વારકાથી એઇમ્‍સ ખાતે બપોરે ૩.૨૦ કલાકે હેલીકોપ્‍ટર મારફત રાજકોટ એઇમ્‍સ ખાતે આવી પહોંચશે, એઇમ્‍સ ખાતે ત્રણ નવા હેલીપેડ બનાવાયા છે, ત્‍યાં લોકાર્પણ - સાંસ્‍કૃતિક કાર્યક્રમો નિહાળ્‍યા બાદ તેઓ જૂના એરપોર્ટ ખાતે પહોંચી ત્‍યાંથી રેસકોર્ષ સભા સ્‍થળ સુધી રોડ-શો યોજશે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, આ વખતે પ્રજા વચ્‍ચેથી લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન સભાના મુખ્‍ય ડોમ સુધી પહોંચશે, આ માટે એસપીજી કમાન્‍ડોએ મંજુરી આપી દિધી છે.

કલેકટરે જણાવેલ કે, વડાપ્રધાનની સાથે મુખ્‍યમંત્રી પણ આવી રહ્યા છે, આ ઉપરાંત કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, રાજ્‍યના આરોગ્‍ય મંત્રી રૂષિકેશભાઇ પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, બ્રીજેશ શર્મા, મુકેશભાઇ પટેલ, આરોગ્‍ય સચિવ ધનંજય દ્વિવેદી, કેન્‍દ્રના સંયુકત સચિવશ્રી, વિવિધ એકમોના એમ.ડી., હેલ્‍થ મીશનના ડાયરેકટર શ્રી રેમ્‍યા મોહન તથા અન્‍ય અગ્રણીઓ - હાઇલેવલ અધિકારીઓ આવી રહ્યા છે, આ તમામ માટે સરકીટ હાઉસ, અન્‍ય હોટલોમાં રહેવા - જમવા સહિતની સુવિધાઓ ગોઠવાઇ છે.

કલેકટરે જણાવ્‍યું હતું કે, કેન્‍દ્રના આરોગ્‍ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા શનિવારે આવી જશે, અને સાંજે એઇમ્‍સ ખાતે રિવ્‍યુ બેઠક લેશે.

કલેકટરે જણાવેલ કે, સુરત - નવસારીમાં આજે જે રીતે હજારો કરોડના લોકાપર્ણો થઇ રહ્યા છે, તેવી જ રીતે સૌરાષ્‍ટ્રમાં પણ ટક્કર મારે તેવા સંખ્‍યાબંધ લોકાપર્ણો થશે. આ અંગેનું ફાઇનલ લીસ્‍ટ સાંજ સુધીમાં જશે. દરમિયાન અન્‍ય અધિકારી સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્‍ટ્રમાં રાજકોટમાં કુલ ૩૫ થી ૪૦ હજાર કરોડના લોકાપર્ણો વડાપ્રધાન કરે તેવી સંપૂર્ણ શક્‍યતા છે.

દરમિયાન કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજકોટ એઇમ્‍સ ઉપરાંત અન્‍ય ૪ એઇમ્‍સ જેમાં કલ્‍યાણી, મંગલગીરી, રાયબરેલી તથા ભટીંડા એમ કુલ ૬૩૧૫ કરોડના ખર્ચે પાંચ એઇમ્‍સ ઉપરાંત અન્‍ય હોસ્‍પિટલ - મેડીકલ ક્ષેત્ર થઇને કુલ ૧૧ હજારથી વધુ કરોડના લોકાપર્ણો રાજકોટથી થઇ રહ્યા છે.

કલેકટરે જણાવેલ કે, કુલ ૪ થી ૫ સ્‍થળે વડાપ્રધાનશ્રી માટે ગ્રીનરૂમ ઉભા કરાયા છે, જેમાં સંદેશા વ્‍યવહારની તમામ સુવિધા ઉપરાંત ચા - કોફી - નાસ્‍તાની વ્‍યવસ્‍થા પણ કરાઇ છે. આ ઉપરાંત વડાપ્રધાનનું સાંજનું ભોજન ઓનબોર્ડ રહેશે, તેઓ ફલાઇટમાં જ ભોજન લેશે, કાઠીયાવાડી ભોજન અપાશે અને કલેકટર તંત્ર યજમાની કરી રહ્યું છે. કલેકટરે ઉમેર્યુ હતું કે, લોકોને જાહેરસભામાં ૨ાા વાગ્‍યા આસપાસ એન્‍ટ્રી લેવા અપીલ છે.(૨૧.૨૨)

રાજકોટથી વડાપ્રધાન રાજકોટ-પોરબંદરનાં કુલ ૩ર૯૭ કરોડના લોકાપર્ણ-ખાતમુર્હૂત કરશે

રાજકોટ તા.રર : આગામી રપમીએ ભારતના વડાપ્રધાન હજારો કરોડના લોકાપર્ણ માટે રાજકોટ આવી રહયા છે. કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતુ કે રાજકોટ-પોરબંદરના કુલ ૮ કામોમાં ૩ર૯૭ કરોડના લોકાર્પણ ખાતમુર્હૂત વડાપ્રધાન કરશે.

*   જેમાં એનર્ર્જી - પેટ્રોકેમીકલ ડીપાર્ટમેન્‍ટ, રાજકોટ-પોરબંદરના ૬૬ કેવી સબ સ્‍ટેશનોમાં ૪૦ કરોડના લોકાપર્ણ

*    આરોગ્‍ય રાજકોટ એઇમ્‍સ - ૧૧૯પ કરોડનું લોકાપર્ણ

*   રોડ એન્‍ડ બીલ્‍ડીંગ પોરબંદર પંથકમાં હાઇવેનું ૪ર કરોડનું લોકાર્પણ

*   રાજકોટ મહાનગરપાલિકાનું કુલ પ કામોનું ૧૦૯ કરોડનું લોકાર્પણ

*   રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ - રૂડાનું ર૪ ગામોમાં પાણી સપ્‍લાય સ્‍કીમનું ૯પ કરોડનું લોકાર્પણ

*   રાજકોટ મહાનગરપાલિકાનું રર વર્કનું ખાતમુર્હૂત કુલ ર૯૭ કરોડનું જાહેર

*   રાજકોટ રેલવે - રાજકોટ-સુરેન્‍દ્રનગર ૧૧૬ કિ.મી.ની ડબલ ટ્રેક લાઇન - ૧૩૯૯ કરોડનું લોકાપર્ણ

કુલ ૮ કામોમાં ૩ર૯૧ કરોડના લોકાર્પણ - ખાતમુર્હુત થશે.

(3:57 pm IST)