Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

હોળી - ધૂળેટી તહેવાર : એસટીમાં ચિક્કાર એડવાન્સ બુકીંગ : ૧૨૫ એકસ્ટ્રા બસો દોડાવવી પડશે

મહાશિવરાત્રીના મેળામાં રાજકોટથી ૩૫ એકસ્ટ્રા બસો દોડાવાઇ : ૫ લાખની આવક

રાજકોટ તા. ૨૨ : સૌરાષ્ટ્રભરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મજૂરો વતનમાં હોળાષ્ટક માટે જશે આ ટ્રાફિકને પહોંચી વળવા રાજકોટ એસટી વિભાગ દ્વારા તા. ૧ થી ૯ માર્ચ સુધી એકસ્ટ્રા ૧૨૫ બસ દોડાવાશે. જે માટેનું ઓનલાઇન બુકીંગ શરૂ થઇ ચૂકયું છે.

 

રાજકોટ એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલના જણાવ્યા મુજબ ડિવીઝન દ્વારા તા. ૧ થી ૯ માર્ચ સુધી ૧૨૫ બસ દોડાવાશે. દરરોજની ૧૨ એકસ્ટ્રા બસ મૂકાશે. પંચમહાલ ઉપરાંત ગોધરા, દાહોદ, ગુલબાર, ગાંગરડી, મંડોર, ઝાલોદ, સંતરામપુર, લીમખેડા, લુણાવાડા અને ગરબાડા સુધી એકસ્ટ્રા બસ દોડશે. પંચમહાલ જતી એકસ્ટ્રા બસમાં જવા માંગતા મુસાફરોનું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ચૂકયું છે. ગત વર્ષે હોળાષ્ટકને અનુલક્ષી પંચમહાલ ૧૦૧ ટ્રીપ દોડાવાઇ હતી. જ્યારે આ વર્ષે ૧૨૫ એકસ્ટ્રા બસ દોડાવાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બિલ્ડીંગ સાઇટસ, કારખાના કે ચાંદી કામમાં જોડાયેલો મજૂર વર્ગ દર વર્ષે હોળીમાં અઠવાડિયું પોતાના વતન જાય છે.

દરમિયાન મહાશિવરાત્રીના મેળામાં રાજકોટ એસટી દ્વારા ૩૫ એકસ્ટ્રા બસો મૂકાઇ હતી અને ૩૫ બીજી જૂનાગઢને ફાળવાઇ હતી. તંત્રને વધારાની ત્રણ દિ'માં ૫ લાખની આવક થઇ છે.

(3:43 pm IST)