Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મવડીની સરકારી જમીનના બોગસ દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરવાના ગુનામાં તમામનો છૂટકારો

રાજકોટ તા. રર :.. રાજકોટ શહેરમાં નગર સેવક તરીકે તેમજ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે ફરજ બજાવી ચુકેલ   નરેન્દ્રભાઇ બાપુ તથા હસમુખભાઇ ભટ્ટને રાજકોટના એડી. ચીફ જયુડી. મેજી. એ કેસ ચાલી જતાં છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો સને ૧૯૯ર ના અરસામાં આ બન્ને  વિરૂધ્ધ ફરીયાદી કિશોરભાઇ રણછોડભાઇએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે સને ૧૯૮૯ થી ૧૯૯૧ દરમ્યાન મવડી સર્વે નં. ૧૦૪ ની જમીન પૈકીની જમીન જે ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલ સરકારશ્રીના હસ્તકની જમીનમાં સબ પ્લોટીંગ કરી અલગ અલગ માપના પ્લોટો કરી ફરીયાદી તથા સાહેદોને બતાવી આ પ્લોટોના આરોપીઓ માલીક છે તેવું કહી વેચાણ કરી પૈસા લઇ તેના બનાવટી દસ્તાવેજો, સાટાખત લખી આપી પૈસા સ્વીકારી, મદદગારી કરી ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી ખોટુ રેકર્ડ તૈયાર કરી ગુન્હો આચરેલ છે.  તપાસનાં અંતે પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતું.

આ કેસ ચાલી જતા સરકાર તરફે ૧ર સાહેદોને તપાસી તેના મારફત ૩૬ દસ્તાવેજી પુરાવો રજૂ કરી પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ હોવાથી મહત્તમ સજા કરવા કરેલ રજૂઆત સામે આરોપીના એડવોકેટ સુરેશ ફળદુએ એવી રજૂઆત કરેલ કે ફરીયાદ પક્ષ જે જમીનની તકરાર લઇને આવેલ છે તે જમીન સરકારશ્રી હસ્તકની હોવાનું રેકર્ડ પર પુરવાર થતું નથી, કબ્જે કરેલ દસ્તાવજોમાં આરોપીઓની બનાવટી સહીઓ હોવાનું કે રકમ સ્વીકારેલ હોવાનું પુરવાર થતુ નથી.

સાહેદોની જુબાનીઓમાં મહદઅંશે વિરોધાભાસ જોવા મળે છે. ફરીયાદ પક્ષના કેસમાં આરોપી શંકા ઉપસ્થિત કરવામાં સફળ રહેલ છે  આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રજૂઆત કરવામાં આવેલ હતી.

કોર્ટે બંને પક્ષેની રજૂઆતો રેકર્ડ પરનો પુરાવો લક્ષે લેતાં આરોપીઓએ સને ૧૯૮૯ થી ૧૯૯૧ દરમ્યાન મવડી સર્વે નં. ૧૦૪ ની જમીન પૈકીની જમીન જે ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી સરકારના હસ્તકની જમીનમાં સબ પ્લોટીંગ કરી જુદા જુદા માપના પ્લોટો કરી ફરીયદી તથા સાહેદોને બતાવી આ પ્લોટોના પોતે માલીક છે તેવું કહી વેચાણ કરી પૈસા લઇ અને તેના બનાવટી દસ્તાવેજો, સાટાખતો લખી આપી તેના ઉપર આરોપી નં. ર નાએ સહીઓ કરી નં. ૧ નાએ પૈસા સ્વીકારી એકબીજાની મદદગારી કરી ફરીયાદી તથા સાહેદો છેતરપીંડી કરી ખોટુ રેકર્ડ તૈયાર કરી પ્લોટોનું વેચાણ કરેલ હોવાનું ફલીત થતુ ન હોય ત્યારે સદર આરોપીઓએ ગુન્હો કરેલ હોય તેવો લેશ માત્ર પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય તેઓને તકસીરવાન ઠરાવી શકાય નહી એ રીતે આરોપીઓ સામે ફરમાવેલ તહોમત ફરીયાદ પક્ષ શંકાથી પર પુરવાર કરી શકેલ ન હોય જેથી બંને સામેનો કેસ પુરવાર થતો ન હોવાનું માની છોડી મુકતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં   હસમુખભાઇ વિગેરે વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતાં.

(3:42 pm IST)