Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજકોટમાં આજથી જાદુની દુનિયા... વિશ્વ ફલક પર નામના મેળવનાર જાદુગર આંચલના મેજીક શોનો પ્રારંભ

જાદુની દુનિયામાં પુરૂષોનું વર્ચસ્વ વધુ હોય પણ હવે મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહી છેઃ મેયર : દરરોજ ૧ શો અને બુધ, શનિ, રવિ બે શો

રાજકોટઃ જાદુગરની દુનિયામાં આગવું સ્થાન અને નામ ધરાવતી મહિલા જાદુગર આંચલનાં મેજિક શોનો લાલબહાદુર શાસ્ત્રી મેદાનમાં આવેલા લેડીઝ કલબ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મેયર શ્રીમતી બિનાબેન આચાર્યએ જાદુગર આંચલના મેજિક શો નું ઉદ્દઘાટન કર્યું હતું, અતિથી વિશેષ તરીકે ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ભાજપ કાર્યાલય મંત્રી હરીશભાઈ જોષી, કોર્પોરેશન ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર તથા ચારૂ પબ્લીસીટીનાં હરીશભાઈ પારેખ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેયર શ્રી બિનાબેન આચાર્યનું સ્વાગત મનીષ એડનાં નિલેષભાઈ ત્રિવેદી તથા ભાજપ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણીનું સ્વાગત ચારૂ પબ્લીસીટીનાં મૌલિકભાઈ પારેખે કર્યું હતું. આ પ્રસંગે બિનાબેને કહ્યું હતું કે જાદુની દુનિયા નોખી અનોખી છે. જયારે મનોરંજનના સાધન ઉપલબ્ધ નહોતાં ત્યારે જાદુની દુનિયાની બોલબાલા હતી. આજે હવે મનોરંજનના સાધનો ટીવી ચેનલો સાથે ઘરના દિવાનખંડ સુધી પહોંચી ગયા છે. ત્યારે પણ જાદુની દુનિયાનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટની પ્રજા રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત જાદુગર આંચલના મેજિક શોનો લ્હાવો અવશ્ય લેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, સામાન્ય રીતે જાદુની દુનિયામાં પુરૂષોનું વર્ચસ્વ વધુ હોય છે. પણ હવે મહિલાઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જાદુગર આંચલે આ દિશામાં વિશ્વ ફલક પર નામના મેળવી છે તેમ જણાવી તેઓએ જાદુગર આંચલને શુભકામનાઓ પાઠવી હતી. જાદુગર આંચલનાં શો રોજ રાત્રે ૯:૩૦ કલાકે તથા બુધ, શનિ, રવિ ૬:૩૦ કલાકે તથા ૯:૩૦ કલાકે રહેશે. એડવાન્સ બુકીંગનો સમય સવારે ૯ થી ૧૨ સુધીનો રહેશે. વધુ માહિતી માટે ગિરધારીભાઈ કુમાવત મો.૭૯૮૫૩ ૨૮૩૯૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)