Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વેસ્ટમાંથી બેસ્ટ : ૧૩ વર્ષના લકકીરાજસિંહની કમાલ : ઘરે જ બનાવ્યા વેકયુમ કલિનર - ફેન

રાજકોટ તા. ૨૨ : ભંગારમાં ફેંકી દેવાયેલ વસ્તુઓને જોડીને કમાલનું સર્જન કરવાનું ગજબનું કૌશલ્ય અહીંના નંદનવન સોસાયટીમાં રહેતા લક્કિરાજસિંહ પરમારે  વિકસાવ્યુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા લક્કિરાજસિંહે જણાવેલ કે મને પહેલેથી જ કઇક નવુ નવુ કરવાનો શોખ છે અને મારા આ શોખની પૂર્તી કરવા પિતા પૃથ્વીરાજસિંહ અને માતા મીનાબા તરફથી છુટો દોર મળતો હોય મેં વેકયુમ કિલનર, ફેન તેમજ છરી ચાકાની ધાર કાઢવાનું મશીન સહીતની વસ્તુઓ ઘરે જ બનાવી છે.

તે કહે છે કે વેકયુમ કિલનર ઘરે જ બનાવી શકાય છે. આ માટે પાણીની ફેંકી દેવાતી બોટલ, એક નાનકડી ઇલેકટ્રીક મોટર, જાળી અને નાનકડો પંખો હોય એટલે મીની વેકયુમ કિલનર બની જાય છે.

વેસ્ટ કહી શકાય તેવી જ આ વસ્તુઓ હોય છે. પરંતુ ભંગારમાંથી પણ ભવ્ય લાગે તેવુ સર્જન લક્કિરાજસિંહ કરી બતાવે છે. એજ રીતે જુના રમકડાના પાંખીયા, ઇલેકટ્રીકમાં કેસીંગ કેપીંગમાં વપરાતી પીવીસીની પટ્ટી, લાકડી અને નાનકડી મોટરનો ઉપયોગ કરીને તેણે સરસ મજાનો હવા ફેંકતો મીની પંખો બનાવ્યો છે.

છરી, સુડી, ચાકા જેવી વસ્તુઓની ધાર કાઢવા માટે મીની ગ્રાઈન્ડીંગ મશીન પણ તેણે આ રીતે જાતે જ ઘરે બનાવ્યુ છે.

ઘરની બાજુમાં જ ભંગરાનો ડેલો આવેલ હોય લક્કિરાજસિંહ ત્યાં પહોંચી જાય છે. પોતાને જોઇતી વસ્તુઓ ઘરે લાવી આવા પ્રયોગો કરતો રહે છે.

ગુરૂભકિત સ્કુલમાં ધો.૯ માં ભણતા લક્કિરાજસિંહને શાળાના શિક્ષકો તરફથી પણ પ્રોત્સાહન મળતુ રહ્યુ છે.

તેની આ કલાને પ્રોત્સાહન મળે તો હજુ કઇક વધુ સારૂ પરફોર્મન્સ કરી બતાવવાની તાકાત તેમનામાં હોય તેવું તેને મળવાથી ચોકકસ લાગી આવે.

ડ્રાઇવીંગના વ્યવસાય સાથે સંકળાયેલા તેમના પિતાશ્રી પૃથ્વીરાજસિંહે (મો.૯૯૨૫૨ ૫૮૪૯૮) જણાવેલ કે લકિકરાજસિંહને નાનપણથી જ આવો શોખ છે અને અમે તેને કયારેય ટોકતા નથી. ઉલ્ટાની તેને જે જરૂરીયાત હોય તે પુરી કરીએ છીએ. એમ તો ભણવામાં પણ તે પુરતુ ધ્યાન આપે છે અને બાકીના સમયે આવી પ્રવૃત્તિઓમાં રસ લ્યે છે.

'અકિલા' ખાતે આ વિગતો વર્ણવી ત્યારે ગાંધી દર્શન ટી.વી. સીરીયલવાળા હસમુખભાઇ પરમાર અને પુજાબેન પરમાર સાથે રહ્યા હતા. તસ્વીરમાં મીની ફેન સાથે લક્કિરાજસિંહ પરમાર નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:38 pm IST)