Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ચાલો આદર્શ વિદ્યાર્થી બનીએઃ નિધિ સ્કૂલ દ્વારા સોમવારે વાર્ષિકોત્સવ

વિદ્યાર્થીઓ કૃતિઓ થકી વિવિધતામાં એકતાનો સંદેશો પ્રસરાવશેઃ યોગ ભગાડે રોગ વિષે યોગ ડાન્સ, જીવનનું સાચું સુખ માતા- પિતાની સેવામાં નાટક

રાજકોટ,તા.૨૨: શહેરનાં વોર્ડ નં.૧માં આવેલ નિધિ સ્કૂલ દ્વારા ''ચાલો આદર્શ વિદ્યાર્થી બનીએ'' વાર્ષિકોત્સવનું આયોજન હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે તા.૨૪ સોમવારના રોજ કરવામાં આવેલ છે. જેમા ધોરણ કે.જી. વિભાગથી ધોરણ-૧૨ના ૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેમાં ૨૮ જુદી જુદી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવશે.

જેમાં બંગાળી, પંજાબી, કાઠિયાવાડી, મહારાષ્ટ્રીયન, મારવાડી વગેરે પ્રદેશોના પોષાક પહેરી પોતાની કૃતિ વિદ્યાર્થીઓ રજુ કરી વિવિધતામાં એકતાનો સંદેશો પણ વિદ્યાર્થીઓ કૃતિમાં રજુ કરશે. આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થી તેમજ વાલીનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યોગ ભગાડે રોગ પર યોગ ડાન્સ, માતા- પિતાની સેવામાં જ જીવનનું સાચું સુખ રહેલ છે. તેના પર ડ્રામા રજુ કરશે.

આ વાર્ષિકોત્સવના આયોજનને સફળ બનાવવા સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાની માર્ગદર્શન હેઠળ હર્ષદબા ચુડાસમા તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ બીનાબેન ગોહેલ, અર્ચનાબા જાડેજા, જયોતિબેન સોનછાબડા, હર્ષદ રાઠોડ, કર્મદીપસિંહ જાડેજા તેમજ નિધિ સ્કૂલ પરિવાર કાર્યરત છે.

તસ્વીરમાં નિધી સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા તેમજ હર્ષદભાઈ રાઠોડ, શિક્ષક વંદનાબેન દેવળીયા તથા વિદ્યાર્થીઓ રાઠોડ કશીશ, ટાકોદરા દેવાંશી અને અગેશાણીયા ઉર્વશી નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:33 pm IST)