Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ઇ-મેમોના મસમોટા ડામથી દાઝતાં વાહનચાલકોઃ ખબર પણ નથી એવા રસ્તા વન-વે જાહેર કરી દેવામાં આવતાં હાલાકી

જલારામ પંપમાં પેટ્રોલ પુરાવી લીંબુડી વાડી તરફ જવા વાહન ચાલકો વર્ષોથી કે. કે. હોટેલ સામેથી ટર્ન લેતા આવ્યા છે, હવે અહિ પણ વન-વેના નામે ૧૫૦૦ થી ૩૦૦૦ના મેમોઃ ટ્રાફિક જામ હોય ત્યારે ખુદ પોલીસ જ અહિથી વાહનો વાળવા દે છેઃ મહેશભાઇ સિંધવની રોષભેર રજૂઆતઃ દંડની રકમ ઘટાડો, લોકોને દેખાય એ રીતે મોટા બોર્ડમાં સુચનાઓ મુકો

તસ્વીરમાં ઈ-મેમો સાથે વાહન ચાલક નજરે પડે છે

રાજકોટ તા. ૨૨: શહેરમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એ માટે આકરા નિયમો લાદવામાં આવ્યા છે. નવા કાયદા મુજબ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને જે તે પોઇન્ટ પર કેસમેમો આપીને કે પછી મોબાઇલથી ફોટા પાડીને દંડ ફટકારાય છે. અત્યાર સુધી દંડની રકમ ૧૦૦, ૨૦૦ કે ૫૦૦ સુધી મર્યાદિત હતી. પરંતુ હવે ૧૫૦૦ થી ૩૦૦૦ જેવો દંડ ફટકારાય છે. સોૈથી વધુ દંડ ઇ-મેમોથી વસુલવામાં આવી રહ્યો છે. એ પણ એવા રસ્તાઓ પર કે જે વન-વે થઇ ગયાની વાહન ચાલકોને ખબર પણ નથી. ઇ-મેમોના મસમોટા ડામથી દાઝી રહેલા વાહન ચાલકોમાં આ કારણે ભારે રોષ વ્યાપી રહ્યો છે. આ અંગે આજે લીંબુડીવાડી રોડ પર રહેતાં મહેશભાઇ સિંધવ નામના નાગરિકે રોષભેર રજૂઆત કરી છે. કોટેચા ચોકમાં વન વેનો ઇ-મેમો તેમને મળ્યો છે. તેના કહેવા મુજબ વર્ષોથી અમે આ રસ્તેથી વાહનો હંકારતા હતાં. હવે અહિ વન-વે થઇ જતાં રોજબરોજ અનેક વાહનચાલકો દંડાય છે.

મહેશભાઇ સિંધવે જણાવ્યું હતું કે  રાજકોટના ગૌરવપથ કાલાવડ રોડ ઉપર ટ્રાફીક નિયમનના નામે વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેણે કહ્યું હતું કે અમે લીંબુડી વાડી રોડ પર રહીએ છીએ. અગાઉ આ રસ્તા પરથી સામેની સાઇડમાં જવાનો ગેપ હતો. તે બંધ થઇ ગયો છે. અમે મહિલા કોલેજ અન્ડર બ્રીજ થઇ ટર્ન લઇ કારમાં કે ટુવ્હીલરમાં સામેની સાઇડમાં આવેલા જલારામ પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી ફરીથી લીંબુડી વાડીવાળા રોડ પર જવા કોટેચા ચોક પહોંચીએ છીએ. અહિ કે. કે. હોટેલની સામેથી જ અમે અત્યાર સુધી ટર્ન લેતા હતાં. પરંતુ હવે અચાનક આ રસ્તાને વન-વે જાહેર કરી દઇ ઇ-મેમો મોકલાય છે. મને આવો ૩૦૦૦નો ઇ-મેમો મળ્યો છે. આગળ પ્લેનવાળા સર્કલને ટર્ન લેવા અમે જતાં જ નહિ. કારણ કે એ તરફ વધુ ટ્રાફિક હોય છે. એ પહેલા હોટેલ સામેથી જ અમે વર્ષોથી ટર્ન લેતાં હતાં. ખુદ ટ્રાફિક પોલીસ કે વોર્ડન પણ જ્યારે આગળ વધુ ટ્રાફિક હોય ત્યારે અહિથી જ વાહન ચાલકોને જવા દે છે, એ જવા દે એટલે વન-વે નહિ અને આપણે જાતે ટર્ન લઇઓ તો વન-વે?...આવી નીતિને કારણે અનેક વાહન ચાલકોને મસમોટા ડામ મળી રહ્યા છે.  ૨૩ વર્ષથી હું આ રસ્તા ઉપરથી પસાર થાઉ છું પરંતુ સીસીટીવી કેમેરા લાગ્યા બાદ કોટેચા ચોકથી મહિલા કોલેજ અન્ડર બ્રિજ તરફ જવા માટે વળનારા કાર અને બાઈક ચાલકોને દંડ ફટકારવામાં આવે છે.

કાલાવડ રોડ ઉપર રહેતા લતાવાસીઓને વારંવાર ઈ-મેમો ફટકારવામાં આવી રહ્યા છે. આ રોડ ઉપર કેમેરા મુકવામાં આવ્યા છે પરંતુ વાહન ચાલકોને સાવચેત કરવા માટે કોઈ બોર્ડ મુકવામાં આવ્યુ નથી જેના કારણે વાહન ચાલકોને ટ્રાફીક નિયમન અંગે દંડ ભરવો પડે છે. તાજેતરમાં મનિષભાઈ વડગામા નામના વાહન ચાલકને પણ રૂ. ૩૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરમાં આવા અનેક પોઇન્ટ છે જ્યાંથી વાહન ચાલકો વર્ષોથી વાહન હંકારે છે. આવા અનેક પોઇન્ટ હવે વન-વે થઇ ગયા છે તેનાથી ઘણા વાહન ચાલકો અજાણ હોવાથી દંડ ભરવો પડે છે. દંડની રકમમાં ઘટાડો કરવો જરૂરી છે તેમજ જે આવા વન-વે જાહેર થયા છે ત્યાં વન વેની સુચના આપતા મોટા બોર્ડ મુકવા જરૂરી છે.

 પોલીસ તંત્ર લતાવાસીઓના હિતમાં તાત્કાલીક કોઈ યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ વાહન ચાલક મહેશભાઈ સિંધવે કરી છે.

(3:30 pm IST)