Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

રાજકોટ બેડી યાર્ડમાં ૫ાંચમા દિવસે હડતાળ યથાવત જારી

હડતાળને પગલે રોજનું દસ કરોડથી વધુનું નુકસાન : પોલીસે કરેલ ખોટા કેસને પાછા ખેંચવા માટેની ઉગ્ર માંગ ઉપર વેપારીઓ અડગ : મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે

અમદાવાદ, તા.૨૨ : રાજકોટના મોરબી રોડ પર મચ્છરોના ત્રાસના કારણે રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ-ખેડૂતોની હડતાળ સતત પાંચમા દિવસે આજે પણ યથાવત રહી હતી. વેપારીઓની સજ્જડ હડતાળના કારણે યાર્ડમાં રોજનું દસ કરોડ રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. બીજીબાજુ, પોલીસે કરેલા ખોટા કેસો પાછા ખેંચવાની માંગ પર વેપારીઓ મક્કમ રહ્યા હતા અને આગામી દિવસોમાં આ સમગ્ર મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની વાત રજૂ કરી હતી. રાજકીય સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે આજે થયેલી બેઠકમાં પણ રાજકારણ જોવા મળ્યું હતું. હડતાળને પગલે યાર્ડના સત્તાધીશો, વેપારીઓ અને મજૂર અગ્રણીઓની બેઠકમાં સામસામે આક્ષેપો થયા હતા.

        એક તબક્કે સામસામે બોલાચાલી થતાં હોબાળો મચી ગયો હતો. એક તરફ જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ થઇ છે અને ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ વેપારીઓ પોતાના પર થયેલા કેસો પાછા ખેંચવાની માંગ ઉપર અડગ છે. દરમ્યાન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, વેપારીઓ પર થયેલા કેસો પાછા ખેંચવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.  વેપારી એસોસીએશન પોલીસ કેસો પાછા ખેંચવાની પોતાની માંગ પર અડગ છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, કેસો પાછા નહી ખેંચાય ત્યાં સુધી માર્કેટયાર્ડમાં હડતાળ ચાલુ રહેશે. યાર્ડના સત્તાધીશો મુખ્યમંત્રીને મળવા જશે માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહએ જણાવ્યું હતું કે, માર્કેટયાર્ડમાં ઘર ફૂટે ઘર જાય તેવી સ્થિતિ છે. ભાજપનું જ એક જૂથ પાછલા બારણેથી હડતાળ કરાવી રહ્યું છે. રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસથી આજે ૫ાંચમા દિવસે હડતાળ યથાવત છે.

        રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા આજી-૨ ડેમમાંથી જળકુંભી દૂર થશે. મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડ બંધ રહ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. વેલ દૂર કરવાની કામગીરીથી યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ કામગીરીની શરૂઆત બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે સવાલ છે. બીજી તરફ વેપારીઓની એવી માંગ છે કે પોલીસ દ્વારા જેની અટકાયત કરવામાં આવી હતી તે તમામના કેસ પાછા ખેંચવામાં આવે. જોકે હડતાળને લીધે રોજનું ૧૦ કરોડનું ટર્ન ઓવર ઠપ થયું હોઇ ગંભીર નુકસાન થઇ રહ્યું છે. વેપારીઓની હડતાળનો અંત લાવવા સ્થાનિક આગેવાનો પણ સક્રિય બન્યા છે.

(8:53 pm IST)