Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

આખરે દીપડો પ્રદ્યુમન પાર્ક 'ઝુ' માં પાંજરે પુરાયો

૬ દિવસથી ઘુસેલ ખુંખાર જંગલી પ્રાણીને કેદ કરવા માટે પાંજરામાં મારણ મૂકી છટકુ ગોઠવાયેલઃ તંત્રને રાહતનો શ્વાસ

પ્રદ્યુમન પાર્ક ઝુમાંથી ૬ દિવસ બાદ દીપડો આખરે પકડાય જતા મ્યુ.કોર્પોરેશન અને વન વિભાગનાં કર્મચારીઓએ હાશકારો અનુભાવ્યો હતો.તસ્વીરમાં  પાંજરામાં પુરાયેલો દીપડો  અને બીજી તસ્વીરમાં ઝુ સુપ્રિટેન્ડન્ટ ડો. હિરપરા સહિતનાં કર્મચારીઓ નજરે પડે છે.(તસ્વીર- અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૨:  શહેરની ભાગોળે લાલપરી તળાવ કિનારે આવેલ મ્યુ. કોર્પોરેશન સંચાલીત પ્રદ્યુમન પાર્ક 'ઝૂ' માં બહારથી ૬ દિવસથી ઘુસેલો જંગલી દીપડો ગત રાત્રીનાં  પાંજરામાં પુરાય જતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગત રવિવારે રાત્રે ૯ વાગ્યા આસપાસ રાતના સ્ટાફે દિપડાને નજરે જોયો હતો. દીપડાએ હોગ ડીઅર જાતિનું માદા હરણનુ મારણ કર્યું છે. જો કે  જંગલ ખાતાની ટીમને જાણ કરી બોલાવી લેવાઇ હતી. સલામતી માટે ઝૂ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયું હતુ. ઝૂની અંદર અન્ય પ્રાણીઓને પણ પાંજરામાં પૂરી દેવામાં આવ્યા હતા.

છ પાંજરા મૂકાયા

દીપડાને કારણે આસપાસની ઝુપડપટ્ટીમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો હતોે. દીપડાને પકડવા માટે રાજકોટ વન વિભાગે, ઝૂ અને આસપાસના વિસ્તારોમાં ૬ પાંજરા મુકી મારણ કરવા આવે તો પકડવા માટે  ટ્રેપ ગોઠવી તથા વોચ રાખવા સુચનાઓ આપી હતી. સતત પાંચ દિવસથી દીપડા માટે વનવિભાગ અને પ્રદ્યુમન પાર્ક ઝૂ દ્વારા રાત્રી દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ, ત્યારે આજે વહેલી સવારે મ્યુ.કોર્પોરેશન ઉદિત અગ્રવાલ દ્વારા સતાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે, ઝુમાં ઘુસેલા દીપડાને પકડી પાડવામાં આવ્યો છે.

અંતે ૬ દિ'બાદ

આખરે ૬ દિવસ બાદ બહારથી ઘુસેલો દીપડો પકડાય જતા મ્યુ.કોર્પોરેશન અને વન વિભાગે રાહતનો શ્વાસ લિધા હતા.

દીપડાની ઉંમર ૫ થી ૬ વર્ષ

રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આર.કે. હિરપરાએ જણાવ્યું હતું કે, પ્રદ્યુમન પાર્ક ઝુમાંથી દીપડો પકડાઇ ગયો છે તે  દીપડાની ઉંમર પ થી ૬ વર્ષની છે.

બે દિ' બંધ-ખુલ્લુ

 સલામતી માટે ઝૂ મુલાકાતીઓ માટે સોમવારે અને મંગળવારે બંંધ રાખવામાં આવ્યુ હતુ. જયારે છેલ્લા બે દિવસથી ઝૂ લોકો માટે ખુલ્લુ મુકયુ હતુ. લોકોના જીવ જોખમામાં હતા, મોટી જાનહાની ટળી હતી.

પ્રદ્યુમન પાર્કમાં હાલ ૫૫ પ્રજાતિના ૪૩૦ પ્રાણી-પક્ષીઓ આવેલા છે. દરેક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. પ્રદ્યુમન પાર્કમાં સિંહ, રીંછ, સફેદ વાઘ, હરણ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓ આવેલા છે. અત્રે નોંધનીય છે કે,ઝૂમાં ૬ જાતિના ૧૨૨ હરણો તથા ૨ દીપડા છે.

(3:30 pm IST)