Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

પીએમ કિસાન યોજનાઃ વડાપ્રધાન-ગોરખપુરથી રાજકોટના ખેડૂતોને સંબોધશે

ગોરખપુરથી આ યોજનાનું લોન્ચીંગઃ કલેકટર તંત્રે ૧ હજાર ખેડૂતોને રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે બોલાવ્યા... : રાજકોટમાં રૂ. ૨ હજારનો પ્રથમ હપ્તો ચૂકવવા ૧ાા લાખ એન્ટ્રી થઈઃ દેશમાં કુલ ૨ કરોડ ૬૮ લાખની ખેડૂત ખાતેદારો : રાજકોટમાં સીએ, વકીલ, ધારાસભ્યો, સાંસદો, ડોકટર ખાતેદારોને લીસ્ટમાંથી કાઢી નખાયાઃ ગુજરાત દેશમાં ચોથા ક્રમે...

રાજકોટ, તા. ૨૨ :. આ રવિવારે પીએમ કિસાન સહાય યોજનાનું ધમાકેદાર લોન્ચીંગ થશે. આ સંદર્ભે રાજકોટમાં પણ કલેકટર તંત્રે રવિવારે સવારે ૧૧ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ ગોઠવ્યો છે.

બજેટમાં પીએમ કિસાન સહાય યોજના જાહેર થઈ હતી. જેમાં ખેડૂત ખાતેદારને વર્ષમાં ૬ હજાર રૂપિયાની સહાયની જાહેરાત બાદ તેનો પ્રથમ ૨ હજારનો હપ્તો ચૂકવવા સંદર્ભે ખેડૂત ખાતેદારોની ડેટા એન્ટ્રી અંગે રાજકોટ કલેકટર તંત્ર ધંધે લાગી ગયુ હતું. હાલ કુલ ૨ લાખમાંથી ૧ાા લાખની એન્ટ્રી થઈ છે, કુલ ૩ લાખ લાભાર્થી છે.

આ પીએમ કિસાન સહાય યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગોરખપુરથી લોન્ચીંગ કરશે. રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન ગોરખપુરથી રાજકોટના ૧ હજાર ખેડૂતો-લોકોને સંબોધશે.

આ પ્રસંગે મંત્રીશ્રીઓ આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહેશે. પ્રારંભમાં વડાપ્રધાન સવારે ૧૧ થી ૧૧.૩૦ સુધી મન કી બાતમાં વાતો રજુ કરશે, ત્યાર બાદ ૧૧.૩૦ થી ૧૨.૩૦ સુધી તેમનુ ગોરખપુરથી સીધુ સંબોધન થશે.કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે ખેડૂતોની ડેટા એન્ટ્રી સમયે તંત્ર દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ, ધારાસભ્યો, સાંસદો, ડોકટરોને અને સરકારી કર્મચારીઓને કાઢી નખાયા છે.

અત્રે એ નોંધનીય છે કે, દેશમાં કુલ ૨ કરોડ ૬૮ લાખથી વધુ ખેડૂતો ખાતેદારો છે. તેમા ગુજરાત ચોથા ક્રમે ૭૩ લાખથી વધુ ખેડૂત ખાતેદારો ધરાવે છે.

(4:33 pm IST)