Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

રૂખડીયાપરાના રાજૂ મરાઠીને મધરાતે મોહસીન સહિત ત્રણ જણે થાંભલે બાંધી બેફામ ફટકાર્યો

'મારે રાજેશ રજપૂત સાથે વાંધો ચાલે છે, તું કેમ એની સાથે રખડતો રહે છે? કહી ડખ્ખો : લાકડી-પટ્ટાથી ફટકારી બાદમાં છોડી મુકતાં એકાદ કલાક કણસતી હાલતમાં પડ્યો રહ્યોઃ કોઇએ તેના સાસુ-પત્નિને જાણ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૨૨: રૂખડીયાપરામાં પાણીના ટાંકા સામે ખાડામાં રહેતાં અને લાઇટ ડેકોરેશનનું કામ કરતાં રાજૂ પ્રતાપભાઇ શર્મા (ઉ.૩૫) નામના મરાઠી યુવાનને રાત્રીના ત્રણેક વાગ્યે રૂખડીયાપરાના મેલડી માતાજીના મંદિર પાસે દૂધની ડેરી પાસે રહેતાં મોહસીન ઓસમાણભાઇ કઇડા, હનીફ અને સાથેના એક શખ્સે મળી લાકડી તથા પટ્ટાથી બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

રાજુને હોસ્પિટલે ખસેડનારા તેના મિત્ર રાજેશ રમેશભાઇ ચોૈહાણ (ઉ.૧૮) નામના રજપૂત યુવાને જણાવ્યું હતું કે અગાઉ તેને મોહસીન કઇડા સાથે વાહન બાબતે માથાકુટ થઇ હતી. પોતાની પાસે ટુવ્હીલર માંગતા ન આપતાં પોતાના પર મોહસીને હુમલો કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે મનદુઃખ ચાલે છે.  હાલમાં પોતે અને રાજૂ શર્મા બંને મિત્રો સાથે લાઇટ ડેકોરેશનનું કામ કરતાં હોઇ જેથી રાજુ શર્મા પોતાની સાથે અવાર-નવાર ફરતો હોઇ તે મોહસીનને પસંદ નહોતું.

રાત્રીના મોહસીન હેડકવાર્ટરમાં લાઇટ ફિટીંગનું કામ પુરૂ કરી ત્રણેક વાગ્યે ઘરે આવતો હતો ત્યારે મેલડી માતાજીના મંદિર પાસે તેને મોહસીન સહિતનાએ અટકાવ્યો હતો અને મોહસીને તેને-મારે જેની સાથે વાંધો ચાલે છે એ રાજેશ રજપૂત સાથે તું શું કામ રખડતો રહે છે? તેમ કહી ઝઘડો કરી પટ્ટા અને લાકડીથી માર માર્યો હતો. રાજેશ ચોૈહાણે એવું પણ જણાવ્યું હતું કે રાજૂ શર્માને થાંભલે બાંધીને બાદમાં ફટકારાયો હતો અને પછી છોડી મુકી ત્રણેય ભાગી ગયા હતાં. એક-દોઢ કલાક સુધી રાજૂ કણસતી હાલતમાં પડ્યો રહ્યો હતો. બાદમાં કોઇએ તેના સાસુ કમુબેન અને પત્નિ રૂપાબેનને જાણ કરતાં બધાએ પહોંચી તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. એએસઆઇ હરેશભાઇ રત્નોતરે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. બાંધીને માર મરાયાનું ફરિયાદમાં જણાવાયું નથી. (૧૪.૬)

 

(3:10 pm IST)