Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ગિરનાર કુંભ મેળો અલૌકીક અવસરઃ પૂ.ભારતીબાપુ

પ૧ લાખ રૂદ્રાક્ષનું પ૧ ફુટ ઉંચુ શિવલીંગ નિર્માણ થશે : તા.ર૭ થી ગિરનારની ગોદમાં ર૦ લાખ ભાવીકો ઉમટશેઃ યોગી આદિત્યનાથજી, સાધ્વી ઋતંુભરાજી સહિતની વિભુતીઓ પધારશેઃ ગિરનાર એટલે હિમાલયનો દાદોઃ પૂ. ભારતીબાપુ

ગિરનાર તળેટીના મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ આજે 'અકિલા' કાર્યાલયે પધાર્યા  હતા. 'અકિલા'ના મોભીશ્રી બાપુનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. તસ્વીરોમાં પૂ. ભારતીબાપુ, શ્રી કિરીટભાઇ ગણાત્રા, 'અકિલા' પરિવારના મોટા બહેન-જુનાગઢના મહિલા અગ્રણી ''મહિલા ક્રાંતિ''ના તંત્રી શ્રીમતી મીનાબેન એચ. ચગ, 'અકિલા' પરિવારના શ્રી દીપકભાઇ નાગ્રેેચા (મુંબઇ), શ્રી સુનીલભાઇ રાયચુરા (નાસિક) તથા અગ્રણીઓ સુનીલભાઇ શાહ અને જીજ્ઞાબેન તથા ચંદ્રેશભાઇ નંદાણી તથા પ્રદીપભાઇ ખીમાણી, શૈલેષભાઇ દવે અને 'અકિલા' પરિવાર જુનાગઢના વિનુભાઇ જોશી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૯.૪)

રાજકોટ, તા., ૨૨: આગામી તા.ર૭ થી સૌરાષ્ટ્રની ધરા પર આદ્યાત્મીકતા અનરાધાર વરસશે. જુનાગઢ ગિરનારની ગોદમાં શિવરાત્રીના પ્રથમ કુંભનું અતિ ભવ્ય દિવ્ય આયોજન થયું છે.

ભારતી આશ્રમ ભવનાથના પૂ.ભારતીબાપુ આજે 'અકિલા'ના' આંગણે પધાર્યા હતા. પૂજય શ્રીએ જણાવ્યું હતું કે ગિરનારની ગોદમાં અલૌકીક અવસર આવ્યો છે. દેશભરના સંતો-મહંતોના સાનિધ્યમાં કુંભમેળો માણવાની તક ભાગ્યશાળીને પ્રાપ્ત થાય છે.

પૂ.બાપુએ કુંભમેળાની કથાની ઝલક પીરસીને કહયું હતું કે સમુદ્ર મંથન બાદ દેવો અને દાનવો વચ્ચે અમૃતકુંભ વહેચણીના વિવાદમાં અમૃત-છલકાયું એ સ્થાનો પર કુંભમેળા થાય છે. ગિરનાર હિમાલયથી પણ પ્રાચીન છે. હિમાલયનો દાદો ગિરનાર છે. ગિરમાં ૮૪ સિધ્ધો, નવનાથ, દતાત્રેયજી અને સાક્ષાત દેવી જગદંબા બિરાજે છે.

પૂ. ભારતીબાપુ કહે છે કે ગિરનારની ગોદમાં કુંભમેળો થાય એ માટે ભાજપ પ્રમુખ અમીતભાઇ શાહ અને મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ખુબ રસ લીધો હતો. પૂ.બાપુ કહે છે કે આ માટે હું ઉપવાસ આંદોલન કરનાર હતો. પરંતુ શ્રી શાહ અને વિજયભાઇએ મને ગાંધીનગર બોલાવીને કુંભમેળાને મંજુરી આપવા સહિત ૪ પ્રશ્નો ઉકેલ્યા હતા.

પૂ. ભારતીબાપુ કહે છે કે કુંભમેળાનું અતિ ભવ્ય દિવ્ય આયોજન થયું છે. મુખ્યમંત્રી ડાયરેકટ મોનીટરીંગ કરે છે. પ્રધાનો અને સંતગણ પણ કુંભને દિવ્ય બનાવવા સતત જહેમત ઉઠાવે છે.

ગિરનાર કુંભમેળામાં યુપીના મુખ્યમંત્રી પૂ. યોગીજી તથા સાધ્વી ઋતુંભરાજી પૂ. મોરારીબાપુ, પૂ. દંડી સ્વામી સહિત અનેક નામી-અનામી સંતો-મહંતો પધારવાના છે. સભાઓના આયોજન થયા છે.  આ ઉપરાંત ભારતી આશ્રમ પાસે પ૧ લાખ રૂદ્રાક્ષના પ૧ ફુટ ઉંચા અલૌકીક શિવલીંગનું નિર્માણ થનાર છે. હરીદ્વારથી ટ્રકો ભરાઇને રૂદ્રાક્ષ આવી ગયા છે. આ શિવલીંગના દર્શન કરવાનો લાભ કુંભમાં મળનાર છે. કુંભમેળા પુર્વે તા.ર૬ના સંતોનો નગર પ્રવેશ થનાર છે. તા.ર૭ના ધ્વજારોહણ થશે. નાસીકથી ૧૦૦૦ ભાવીકો ડમરૂ યાત્રા લઇને આવવાના છે.

આ વખતની શિવરાત્રી ગિરનારમાં અનોખો-અપુર્વ માહોલ સર્જશે. શિવરાત્રી કુંભમેળામાં ર૦ લાખ ભાવીકો ઉમટી પડે તેવી ધારણા છે.

પૂ.ભારતીબાપુ કહે છે કે, કુંભમેળા અંગે સંતોએ દરખાસ્ત કરી અને સરકારે સ્વીકાર કર્યો. સંતો અને સરકાર ધારે તો  અમૃતવર્ષા જેવો આનંદ સર્જી શકે છે.

કરોડો વર્ષ પુરાણો ગિરનાર સુતેલા શિવજીની પ્રતિકૃતી સમાન છે. તેનો આકાર બદલાવાનો નથી. ગિરનાર બ્રહ્મ ખાઇ ઉપર બિરાજે છે. જેમાં નવનાથ, ૮૪ સિધ્ધો, દતાત્રેયજી અને અંબાજીના બેસણા છે. આ દિવ્ય ધરા પર કુંભમેળો માણવા અચુક પધારો તેવું આમંત્રણ પૂ. ભારતીબાપુએ આપ્યું છે. (૪.૯)

અદ્ભૂત લેસર-શો

જુનાગઢમાં કોઇપણ સ્થળેથી માણી શકાશે

રાજકોટ, તા. રર : ગિરનાર શિવરાત્રી કુંભમેળા દરમિયાન ગિરનાર પર્વત પર અતિ ભવ્ય-વિરાટ લેસર-શોનું આયોજન કરાયું છે. આ લેસર-શો જુનાગઢમાં કોઇપણ સ્થળેથી માણી શકાશે. ભાવિકોએ અચુક લાભ લેવા જેવો છે. (૯.૩)

લાતો કે ભૂત બાતો સે નહિ માનતે

પાકિસ્તાન સાથે હવે મંત્રણા ન હોય : પૂ. ભારતીબાપુ

રાજકોટ, તા. રર : ભવનાથ તળેટી ભારતી આશ્રમના મહામંડલેશ્વર પૂ. વિશ્વંભર ભારતી બાપુ આજે 'અકિલા'ના આંગણે પધાર્યા હતા. વર્તમાન સરહદી તનાવ, જવાનોની શહીદો, દેશભરમાં ઉઠેલી આક્રોશ અંગેના સવાલમાં પૂ. ભારતીબાપુએ જણાવ્યું હતું કે, ''લાતો કે ભૂત બાતો સે નહિ માનતે'' જેવા સાથે તેવાનો વ્યવહાર થવો જોઇએ.

જુનાગઢ ગિરનાર ખાતે શિવરાત્રી કુંભ મેળાનું ભવ્ય આયોજન થયું છે. જેનું આમંત્રણ આપવા પૂ. બાપુ 'અકિલા' કાર્યાલયે પધાર્યા હતા. (૯.૩)

દામોદર કુંડમાં કાયમી સ્વચ્છ જલ

કુંભમેળા પૂર્વે આનંદની સરવાણીઃ આસ્થા દૃઢ બની કાયમી ચોખ્ખુ પાણી વહેતુ રહે તેવું આયોજન

રાજકોટ, તા. રર :  દામોદર કુંડ આસ્થાનુ઼ કેન્દ્ર છે. આ કુંડમાં રહેલી ગંદકી ભાવિકોની લાગણી દુભાવતી હતી.

કુંભ મેળા પૂર્વે જ ગિરનારીએ કૃપા કરી અને દામોદર કુંડમાં કાયમી સ્વચ્છ જલ વહે તેવું આયોજન થઇ ગયું છે.

પૂ. ભારતીબાપુએ જણાવ્યું હતું કે સરકારના સહયોગથી આ શકય બન્યુ છે. દામોદર કુંડ પાસે બોરમાં માત્ર ૧પ ફૂટે અમૃત જેવું પાણી નીકળ્યું છે. અહીં ઉચ્ચ કક્ષાનો ફિલ્ટર પ્લાન પણ સક્રિય થયો છે. દામોદર કુંડમાં કાયમ નિર્મલ જલ વહેતા રહેશે. (૯.૩)

(3:04 pm IST)