Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

જીતુ ચુનીલાલ નથવાણી - ભત્રીજા ઋષિ અરવિંદ નથવાણી વિરૂદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો કેસ હોવાનું માનતી હાઈકોર્ટ

પાર્થ ઠકરાર આત્મહત્યા પ્રકરણમાં આરોપી જીતુ નથવાણી- ઋષિ નથવાણીએ ફરીયાદ રદ્દ કરવા કરેલ પીટીશન પાછી ખેંચી

રાજકોટ, તા. ૨૨ : અહિંના પ્રફુલભાઈ ગીરધરભાઈ ઠકરાર (નારાયણનગર, શેરી નં.૧, ન્યુ આશ્રમ રોડ, રાજકોટવાળા)એ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુન્હા રજી. નં.૭૬૪/૨૦૧૭થી ઋષિ અરવિંદભાઈ નથવાણી તથા જીતુભાઈ ચુનીલાલ નથવાણી (બંને રહે : લીંબુડીવાડી, યોગીદર્શન-૧, સવાણી કન્યા છાત્રાલય પાસે, રાજકોટ) સામે એવા પ્રકારની ફરીયાદ નોંધાવેલ કે ફરીયાદીના પુત્ર પાર્થને આ આરોપીઓ સાથે સંબંધ હોય તેથી સંબંધના દાવે પાર્થે બનાવના એક વર્ષ પહેલા મકાન ઉપર લોન લઈ રૂ.૧૬ લાખ ઉછીના આપેલા અને આ પૈસા આરોપીએ બે મહિનામાં પરત આપી દેશે તેવુ વચન અને વિશ્વાસ આપેલ. તેમજ આ આરોપીઓએ ફરીયાદીની માસીની બહેન જીજ્ઞાબેન રમેશભાઈ માણેક પાસેથી રૂ.૧૨ લાખ તથા માસીના દિકરા દિનેશભાઈ નથવાણી પાસેથી રૂ.૩૦ લાખ પણ ઉછીના લીધેલા. દિનેશભાઈને આ રકમ પરત આપવા પેટે ચેક પણ આપેલા. આમ આ ઉછીની આપેલી રકમોની ફરીયાદીનો પુત્ર પાર્થ ઠકરારે આરોપીઓ પાસેથી માંગણી કરતો હોય તથા ફરીયાદીએ પણ રૂરૂ જઈ પૈસા પરત કરવા માંગણી કરેલ. પરંતુ આ આરોપીઓએ પૈસા પરત નહિં કરતા તેમજ જો પૈસા પરત લેવા કોઈ કાર્યવાહી કરશો તો આરોપીઓએ એવી ધમકી આપેલ કે આરોપીઓને રાજકીય માણસો સાથે ઘણા સારા સંબંધ છે અને વધુ કંઈ હોશિયારીઓ કરશે તો ગુન્ડાઓ મારફત મરાવી નાખવાની તથા ખોટી ફરીયાદમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપેલ અને પાર્થને મરી જવા માટે આ આરોપીઓએ મજબૂર કરતા આ પાર્થએ આજી ડેમમાં આપઘાત કરી જીવનનો અંત આણેલ. આવી ફરીયાદ આપતા આ આરોપીઓ વિરૂદ્ધ આઈપીસી કલમ - ૩૦૬, ૩૮૭, ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨) અને ૧૧૪ મુજબનો ગુનો પોલીસે નોંધેલ.

આ ફરીયાદ રદ્દ કરવા માટે આ આરોપીઓ ઋષિ અરવિંદભાઈ નથવાણીએ ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરેલી. જે પીટીશનમાં દલીલો થતાં ગુજરાત હાઈકોર્ટે આ અરજીના આરોપીઓ વિરૂદ્ધ પ્રાઈમાફેસી કેસ છે, તેથી અરજી રદ્દ થવા પાત્ર છે. તેવા મંતવ્ય પર આવતા આરોપીના વકીલે આ ફરીયાદ રદ્દ કરવાની પીટીશન પરત ખેચવા નામ કોટ સમક્ષ અરજ કરતા, પીટીશન ફેસલ કરવામાં આવેલી અને તેથી આ આરોપીઓની ધરપકડ કરવાનો માર્ગ મોકળો થતાં, પોલીસે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલા હોવાનું જાણવા મળે છે.

મરનાર પાર્થ ઠકરાર વતી હાઈકોર્ટમાં ધારાશાસ્ત્રી શ્રી ધ્રુવિન ભુપતાણી અને શ્રી જય ઠક્કર રોકાયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ આ આરોપીઓ મુળ કાલાવડ પંથકના રહીશો છે અને કાલાવડ તથા જામનગરમાં સહકારી ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત હોદ્દા ઉપર છે અને કરોડો રૂપિયાની સંપતિના માલિક છે. તેમજ રાજકોટના પોશ વિસ્તારમાં રહે છે. ગેરકાયદેસરના સટ્ટા રમવાનો શોખ હોવાનું પણ ચર્ચાય છે. ઘણા બધા માણસો પાસેથી ઉછીના નાણા લઈ આવા ઉછીના લીધેલા નાણા પરત નહિં કરવાની માનસીતાની વાતો પણ ચર્ચામાં છે. તેમજ આ બંને આરોપીઓ વિરૂદ્ધ અન્ય ગુન્હાઓ પણ નોંધાયેલા છે. આરોપી જીતુભાઈ નથવાણી સહકારી મંડળી મારફતે સરકાર પાસેથી ટેકાના ભાવે તુવેર ખરીદ કરી આવી ખરીદીમાં તેણે મોટી રકમોના કૌભાંડ આચરેલા હોવાના આક્ષેપો પણ થયેલા હોવાનું બહાર આવ્યું છે. (૩૭.૭)

 

(3:02 pm IST)