Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ખૂન કા બદલા ખૂન

પોપટપરાના મનોજ કોળીને પિત્રાઇ વિપુલની નજર સામે જ સિંધી પિતા-પુત્રએ રહેંસી નાખ્યો

વિપુલ કોળી અને પિત્રાઇ મનોજ કોળી એકટીવામાં બેસી જેલમાં રહેલા ભાઇઓને ટિફિન આપવા જતા'તા ત્યારે સિંધી પિતા-પુત્ર સહિત ચાર જણા મનોજ પર છરીથી તૂટી પડ્યાઃ ૧૭ સપ્ટેમ્બર-૨૦૧૮ના પોપટપરાના વિશાલ વડેચા (કોળી) અને રેલનગર ક્રિષ્ના પાર્કના વિશાલ ટેકવાણી (સિંધી)ના બાઇક અથડાતાં વિશાલે વિપુલને કટરના ઘા ઝીંકી દેતાં વિપુલના ભાઇઓ સુનિલ અને જીતેન્દ્ર ઉર્ફ જીતુએ વિશાલનું અપહરણ કરી બેફામ મારી હડમતીયા ફાટકે ફેંકી દેતાં સારવારમાં વિશાલનું મોત નિપજ્યું હતું: હવે વિશાલ ટેકવાણીના ભાઇ રાહુલ સહિતનાએ મનોજ વડેચા (ઉ.૨૭)ની હત્યા કરી બદલો લીધો

પોપટપરાના મનોજ પ્રેમજીભાઇ વડેચા (ઉ.૨૭) અને તેના પિત્રાઇ વિપુલ વનરાજભાઇ વડેચાના એકટીવાને જ્યાં આંતરવામાં આવ્યું તે જેલ સામે આવેલુ સંતોષી માતાનું મંદિર, પોલીસ સ્ટાફ તથા મનોજ બાદમાં એકટીવા ભગાવી જેલના ગેઇટમાં જતો રહ્યો તે ગેઇટ, તેનું એકટીવા ઉપરની તસ્વીરોમાં તથા નીચેની તસ્વીરમાં મનોજનો નિષ્પ્રાણ દેહ અને તેના શોકમય પિતા પ્રેમજીભાઇ વડેચા તથા પિત્રાઇ વિપુલ વડેચા અને જેલમાં રહેલા મનોજના ભાઇ સુનિલ, જીતુ તથા તેના મિત્રોને આપવાના ટિફીનના બોકસ તથા મનોજનું ચપ્પલ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૧૨)

રાજકોટ તા. ૨૨: શહેરના પોપટપરા સેન્ટ્રલ જેલ નજીક સંતોષી માતાના મંદિર પાસે સવારે 'ખૂન કા બદલા ખૂન'ની ઘટનામાં પોપટપરામાં રહેતાં ૨૭ વર્ષના કોળી યુવાન મનોજ પ્રેમજીભાઇ વડેચા અને તેના પિત્રાઇ વિપુલ વનરાજભાઇ વડેચા (ઉ.૨૪)ના એકટીવાને જેલના મુખ્ય ગેઇટ સામે જ રેલનગર શિવમ્ પાર્કના સિંધી રાજેશ ગેદીમલભાઇ ટેકવાણી, તેના પુત્ર રાહુલ ટેકવાણી અને બે અજાણ્યાએ આંતરી  મનોજને છરીના ઘા ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ  છે. ગત સપ્ટેમ્બર મહિનામાં રેલનગરમાં વિપુલ વડેચા અને રાજેશ ટેકવાણીના પુત્ર વિશાલ  ટેકવાણીના બાઇક સામ-સામે અથડાતાં વિશાલે વિપુલ કોળીને કટરના ઘા ઝીંકી દીધા હતાં. એ પછી વિપુલના સગા ભાઇ જીતેન્દ્ર ઉર્ફ જીતુ વડેચા તથા પિત્રાઇ સુનિલ પ્રેમજીભાઇ વડેચા સહિત છ જણાએ મળી વિશાલનું અપહરણ કરી બેફામ માર મારી હડમતીયા ફાટક પાસે ફેંકી દીધો હતો અને સારવારમાં વિશાલે દમ તોડી દીધો હતો. હવે વિશાલના પિતા-ભાઇ સહિત ચાર જણાએ વળતો ઘા કરી મનોજ કોળીની હત્યા નિપજાવી છે. જો કે ખરેખર કેટલા આરોપી હતાં તે અંગે તપાસ થઇ રહી છે.

ઘટનાની વિસ્તૃત વિગતો જોઇએ તો પોપટપરા શેરી નં. ૯/૧૫ના ખુણે રહેતો મનોજ પ્રેમજીભાઇ વડેચા (ઉ.૨૭) આજે સવારે સાડા નવેક વાગ્યે પોતાના એકટીવા નં. જીજે૩કેડી-૮૨૮૭માં પિત્રાઇ ભાઇ પોપટપરા-૬માં રહેતાં વિપુલ વનરાજભાઇ વડેચા (ઉ.૨૪)ને બેસાડી પોપટપરા જેલમાં રહેલા પોતાના ભાઇ સુનિલ પ્રેમજીભાઇ વડેચા અને જીતેન્દ્ર ઉર્ફ જીતુ વનરાજભાઇ વડેચા તથા આ બંનેના મિત્રોને ટિફીન આપવા જવા નીકળ્યા હતાં. દરમિયાન બંને જેલના ગેઇટ અંદર કમ્પાઉન્ડમાં પહોંચ્યા ત્યારે  સંતોષી માતાના મંદિર પાસે ચાર શખ્સોએ આંતરી લીધા હતાં અને સીધા જ એકટીવા ચાલક મનોજને છરીના ઘા ઝીંકી દીધા હતાં. અચાનક હુમલો થતાં મનોજે લોહીલુહાણ હાલતમાં જ જેલનો ગેઇટ ખુલ્લો હોઇ તે તરફ એકટીવા હંકારી દીધુ હતું અને જેલના અંદરના દ્વાર સામે પહોંચી ઢળી પડ્યો હતો.

વિપુલની નજર સામે જ તેના ભાઇ મનોજ પર ઘા થઇ જતાં તે પણ હેબતાઇ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં મનોજને સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ મનોજે દમ તોડી દીધો હતો. વિપુલના કહેવા મુજબ હુમલો રેલનગરના રાજેશ ટેકવાણી અને તેના પુત્ર રાહુલ સહિતના ચાર જણાએ હુમલો કર્યો છે. આ હત્યા પાછળ એવું કારણ બહાર આવ્યું છે કે ગત તા. ૧૭-૯-૨૦૧૮ના સાંજે પોતે (વિપુલ)તેનું બાઇક હંકારીને વાંકાનેરથી સુરાપુરાના દર્શન કરી પત્નિ ભારતીને ઘરે મુકી બાઇકમાં પેટ્રોલ પુરાવવા રેલનગરના પંપ તરફ જતો હતો ત્યારે તેની સાથે પડોશી કિશોર રમેશભાઇ ઉકેળીયા (ઉ.૧૩) પણ હતો. બંને જણા સાધુ વાસવાણી કુંજથી આગળ પરસાણા પરિવારના સૂરાપુરા દાદાના મંદિર પાસે પહોંચ્યા ત્યારે સામેથી એક બાઇક આવતાં તેની સાથે સામાન્ય અકસ્માત થતાં તેની સાથે બોલાચાલી થઇ હતી.

તે સાથે જ સામેના બાઇકના ચાલકે ખિસ્સામાંથી કટર કાઢી હુમલો કરતાં વિપુલને માથા, હાથ, મોઢા અને છાતી પર ઇજા થઇ હતી. દેકારો થતાં એ શખ્સ ભાગી ગયો હતો. બાદમાં વિપુલ તેની સાથેના કિશોર ઉકેળીયાને લઇને જાતે જ બાઇક હંકારી સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. એ પછી  તેના પર હુમલો થયાની જાણ થતાં તેના માતા-પિતા, ભાઇઓ સહિતના પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતાં. વિપુલ સારવારમાં હતો ત્યારે મારા મોટા ભાઇ જીતેન્દ્ર ઉર્ફ જીતુ વનરાજભાઇ વડેચા, પિત્રાઇ ભાઇ સુનિલ પ્રેમજીભાઇ વડેચા અને તેના મિત્રો પોતાના પર હુમલો કરનારા શખ્સને શોધવા નીકળી ગયા હતાં.

એ દરમિયાન રેલનગર ક્રિષ્નાપાર્ક-૧માં રહેતાં અને ફ્રુટનો ધંધો કરતાં રાજેશભાઇ ગેદીમલ ટેકવાણી (ઉ.૪૬) નામના સિંધી આધેડ એ દિવસે એટલે કે ૧૭-૯-૧૮ની સાંજે નાગરિક બેંક પાસે આવેલી પોતાની દૂકાન વધાવીને ઘરે પહોંચ્યા ત્યારે તેને મોટા પુત્ર રાહુલે વાત કરી હતી કે નાના ભાઇ વિશાલને પોપટપરાના શખ્સ સાથે માથાકુટ થતાં વિશાલે તેને કટરના ઘા મારી દીધા છે. તે વખતે ઝઘડો ઉગ્ર ન બને એ હેતુથી રાજેશભાઇ પુત્ર રાહુલ સાથે મળી નાના પુત્ર વિશાલને અમદાવાદ મુકવા જવા માટે નીકળ્યા હતાં. પણ ત્રણેય સાધુ વાસવાણી કુંજ રોડ પર પહોંચ્યા ત્યાં જ વિશાલે જેના પર હુમલો કર્યો હતો એ વિપુલના ભાઇઓ, મિત્રો આવી ગયા હતા અને રાજેશભાઇ તથા તેના પુત્રોને રોકયા હતાં. જેમાં એક શખ્સે 'તે જે કટરથી વિપુલને ઇજા કરી છે એ કટર બતાવ' તેમ કહી વિશાલને બળજબરીથી બાઇકમાં બેસાડી બાઇક ભગાવ્યું હતું.

રાજેશભાઇ અને રાહુલની નજર સામે જ વિશાલને ઉઠાવી લેવાતા અને બાઇક વધુ ઝડપથી હંકારી મુકાતાં આ પિતા-પુત્ર પાછળ રહી ગયા હતાં. મદદ માટે પોલીસને ફોન જોડ્યો હતો અને વિશાલને પણ ફોન કરવાનું ચાલુ રાખ્યું હતું. એ દરમિયાન વિશાલે ફોન રિસીવ કરી પોતાને આંખે પાટા બાંધીને પાઇપના ઘા ફટકારાયાનું અને છેલ્લે હડમતીયા ફાટક પાસે ફેંકી દેવાયાનું કહેતાં રાજેશભાઇ, રાહુલ તથા પોલીસની ગાડી આવી પહોંચી હોઇ બધા એ તરફ પહોંચતા વિશાલ લોહીલુહાણ મળતાં તેને મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે તે વખતે પ્ર.નગર પોલીસે વિપુલની ફરિયાદ પરથી વિશાલ સિંધી સામે અને વિશાલનું અપહરણ કરી તેને ધોલધપાટ કરવા સબબ વિપુલના ભાઇઓ જીતેન્દ્ર ઉર્ફ જીતુ વનરાજભાઇ વડેચા, સુનિલ પ્રેમજીભાઇ વડેચા, આ બંનેના મિત્રો પારસ સંગ્રામભાઇ મુલાળીયા, વિમલ હરેશભાઇ ઉકેળીયા, ચિરાગ રમેશભાઇ ધોળકીયા અને સિરાજ હનીફભાઇ જૂણેજા સામે આઇપીસી ૩૬૫, ૩૨૫, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

બીજી તરફ અપહરણ કરી ભારે ધોલધપાટ થવાથી વિશાલ સિંધી કોમામાં જતો રહ્યો હતો અને તેણે ૨૨/૯/૧૮ના શનિવારે રાત્રે દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. આ ગુનામાં પોલીસે કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો. આરોપીઓ સુનિલ વડેચા, જીતુ વડેચા અને તેના મિત્રો  પારસ, વિમલ, ચિરાગ અને સિરાજ જેલહવાલે થયા હતાં. જે પૈકી સિરાજ જામીન પર મુકત થઇ ગયો છે. બાકીના પાંચેય હજુ આજે પણ જેલમાં છે. આ પાંચેયને ટિફીન આપવા માટે જ મનોજ પ્રેમજીભાઇ વડેચા અને પિત્રાઇ વિપુલ વનરાજભાઇ વડેચા એકટીવા લઇને જેલ ખાતે જવા નીકળ્યા હતાં. ત્યાં જેલના પ્રવેશ દ્વાર સામે જ આજે અગાઉ જેની હત્યા થઇ તે વિશાલ સિંધીના પિતા રાજેશ ટેકવાણી અને ભાઇ રાહુલ ટેકવાણી સહિતનાએ બંનેને આંતરી હુમલો કરી દીધો હતો. જેમાં મનોજનો ભોગ લેવાઇ જતાં ઘટના 'ખૂન કા બદલા ખૂન'માં પરિણમી છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની સીધી દેખરેખ હેઠળ પી.આઇ. બી.એમ. કાતરીયા, સંજયભાઇ દવે, કલ્પેશસિંહ ગોહિલ તથા ડી. સ્ટાફની ટીમે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે. (૧૪.૧૧)

જો મનોજે એકટીવા ભગાવ્યું ન હોત તો કદાચ પિત્રાઇ વિપુલ ઉપર પણ ઘા થઇ ગયા હોત

. જેલના બહારના મુખ્ય ગેઇટ સામે સંતોષી માતાના મંદિર પાસે મનોજ વડેચા અને પિત્રાઇ વિપુલ વડેચાના એકટીવાને આંતરી મનોજને છરીના ઘા ઝીંકી દેવાતાં તે ગભરાઇ ગયો હતો અને વધુ ઘાથી બચવા એકટીવા જેલના ઝાપા તરફ ભગાવી મુકયું હતું. જો આમ ન થયું હોત તો કદાચ વિપુલ ઉપર પણ હુમલો થયો હોત. તેવું ચર્ચાઇ રહ્યું છે. (૧૪.૧૧)

મનોજ અગાઉના ડખ્ખામાં કયાંય  સામેલ નહોતો, નિર્દોષ હણાઇ ગયો

. જેની હત્યા થઇ તે મનોજ અગાઉ વિશાલ સિંધીનું અપહરણ-હત્યા વાળા ડખ્ખામાં એકેય રીતે જોડાયેલો નહોતો. તેનો સગો ભાઇ સુનિલ અને પિત્રાઇ જીતેન્દ્ર ઉર્ફ જીતુ આ ગુનામાં જેલમાં છે. તે માત્ર તેને ટિફીન આપવા પિત્રાઇ વિપુલને સાથે લઇને જેલે જઇ રહ્યો હતો અને તેનો ભોગ લેવાયો હતો.  (૧૪.૧૧)

ખરેખર કેટલા આરોપી? તે અંગે અવઢવ

. ઘટના નજરે જોનાર વિપુલ વડેચાએ હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં હુમલામાં રાહુલ સિંધી, તેના પિતા રાજેશ સિંધી સહિત ચાર જણાએ હુમલો કર્યાનું જણાવતાં તે મુજબની એન્ટ્રી પ્ર.નગર પોલીસમાં નોંધાવાઇ હતી. જો કે ખરેખર કેટલા આરોપી હતાં? તે અંગે મોડી બપોર સુધી સ્પષ્ટ થયું નહોતું. પાક્કી માહિતી બાદ પોલીસ કુટ કેટલા આરોપી હતા? તેની વિગતો જાહેર કરશે. (૧૪.૧૧)

હત્યાનો ભોગ બનનાર મનોજ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતોઃ તેની પત્નિનું અગાઉ મૃત્યુ થયું છેઃ બે વર્ષની પુત્રીએ હવે પિતાની છત્રછાંયા પણ ગુમાવી

. હત્યાનો ભોગ બનનાર મનોજ વડેચા ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતો અને ઇમિટેશનનું કામ કરતો હતો. તેના બીજા ભાઇઓના નામ સુનિલ પ્રેમજીભાઇ, અનિલ પ્રેમજીભાઇ અને બહેનાના નામ કિરણબેન, અરૂણાબેન તથા મીરાબેન અને  પિતાનું નામ પ્રેમજીભાઇ પોલાજીભાઇ વડેચા તથા માતાનું નામ સમજુબેન છે. મનોજના પત્નિ દિવ્યાબેનનું બે વર્ષ અગાઉ ડિલીવરી વખતે મૃત્યુ થયું હતું. ત્યારે માતા ગુમાવનારી બે વર્ષની અંજલીએ હવે પિતાની છત્રછાંયા પણ ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. (૧૪.૧૧)

એક જ ઘા  બસ થઇ ગયો

. તપાસમાં ખુલ્યું છે કે મનોજને છાતીમાં ડાબી તરફ એક જ ઘા ઝીંકાયો હતો. જે હૃદય સોંસરવો નીકળી જતાં તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

પોલીસે ત્રણની પુછતાછ આદરી

. હત્યા કરી ભાગી ગયેલા રેલનગર ક્રિષ્ના પાર્ક-૧ના  રાહુલ રાજેશ ટેકવાણી તથા અન્ય બે મળી ત્રણને પોલીસે સકંજામાં લઇ પુછતાછ આદરી છે. (૧૪.૧૧)

વિશાલનું તેના પિતા રાજેશભાઇ અને ભાઇ રાહુલની નજર સામે જ અપહરણ થયું હતું

. ૧૭ સપ્ટેમ્બર-૨૦૧૮ની સાંજે વિપુલ વનરાજભાઇ વડેચા (કોળી)ના બાઇક સાથે વિશાલ રાજેશભાઇ ટેકવાણી (સિંધી)નું બાઇક અથડતાં વિશાલે ગુસ્સે થઇ કટર કાઢી વિપુલને આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. એ પછી વધુ ડખ્ખો ન થાય તે હેતુથી વિશાલને અમદાવાદ મુકવા જવા તેના પિતા રાજેશભાઇ અને ભાઇ રાહુલ ઘરેથી નીકળ્યા હતાં. પણ કમનસિબે આ ત્રણેયને વિપુલ વડેચાના ભાઇઓ જીતુ, સુનિલ અને આ બંનેના મિત્રો મળી જતાં રાજેશભાઇ અને રાહુલની નજર સામે જ વિશાલને બાઇકમાં ઉઠાવી જઇ આંખે પાટા બાંધી પાઇપથી બેફામ ફટકારી છેલ્લે હડમતીયા બેડીના ફાટક પાસે ફેંકી દેવાયો હતો. જેણે બાદમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. (૧૪.૧૧)

 

(2:34 pm IST)