Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

માધાપર ચોકડી પાસે કારની ઠોકરે બાઇક ચડી જતા દંપતિનું મોતઃ પોૈત્રીને ગંભીર ઇજા

રામાપીર ચોકડીના ઘરેથી નવા ઘરે જતી વખતે રસ્તામાં બનાવઃ અકસ્માત બાદ કાર મુકી ચાલક છનનન : રેલનગરમાં રહેતાં ધોબી દિલીપભાઇ વાળા (ઉ.વ.૫૫), પત્નિ હંસાબેન (ઉ.વ.૫૩)ના મોતઃ પોૈત્રી માહી (ઉ.વ.૫) સારવારમાં : દિલીપભાઇ કાલાવડ રોડ પર જૈન દેરાસર પાસે બાલવી લોન્ડ્રી ધરાવતા હતા

તસ્વીરમાં દિલીપભાઇ વાળા અને હંસાબેન વાળાના નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને અકસ્માત સર્જનાર કાર તથા પોૈત્રી માહીનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. માહીન સારવાર હેઠળ છે.

રાજકોટ તા. ૨૨: માધાપર ચોકડી પાસે રાત્રીના સાડા નવેક વાગ્યે કારની ઠોકરે બાઇક ચડી જતાં રેલનગર ચદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતાં અને કાલાવડ રોડ જૈન દેરાસર પાસે બાલવી લોન્ડ્રી ધરાવતાં ધોબી દિલીપભાઇ પોપટભાઇ વાળા (ઉ.વ.૫૫), તેમના પત્નિ હંસાબેન (ઉ.વ.૫૩) તથા પોૈત્રી માહી પ્રશાંતભાઇ વાળા (ઉ.વ.૦૫) ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેમાં સારવાર દરમિયાન પતિ-પત્નિના મોત નિપજ્યા હતાં. જ્યારે બાળકીને ગંભીર ઇજા હોઇ સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ દિલીપભાઇ વાળા રાત્રે સાડા નવેક વાગ્યે રામાપીર ચોકડી પાસે આવેલા પોતાના જુના મકાનેથી પત્નિ અને પોૈત્રીને બાઇકમાં બેસાડી રેલનગરના નવા મકાને જવા નીકળ્યા ત્યારે માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતાં પુલ પાસે અલ્ટો કાર જીજે૧૧બીએચ-૭૬૫૯ની ઠોકરે ચડી જતાં ત્રણેયને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ હંસાબેને દમ તોડી દીધો હતો અને બાદમાં દિલીપભાઇનું પણ મૃત્યુ થયું હતું.

પોૈત્રી માહીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. દિલીપભાઇ ચાર બહેનના એકના એક ભાઇ અને પરિવારના આધારસ્તંભ હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પોતે પુત્રો સાથે કાલાવડ રોડ પર લોન્ડ્રી ચલાવતાં હતાં. ધંધાના કામે સવારે ત્યાં જવાનું હોઇ જેથી સવારે રામાપીર ચોકડીના જુના મકાને બધા આવી જતાં અને રાતે સુવા માટે નવા મકાને જતાં હતાં. ગત રાતે જુના મકાનેથી નવા મકાને જતી વખતે જીવલેણ અકસ્માત નડ્યો હતો.

પોલીસે દિલીપભાઇના પુત્ર પ્રશાંતભાઇ વાળાની ફરિયાદ પરથી કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ એ. વી. પીપરોતરે ગુનો નોંધવા તજવીજ કરી હતી. પીએસઆઇ આર. એસ. પટેલ વધુ તપાસ કરે છે.

(11:37 am IST)