Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ગુજરાત હસ્‍તકલા પર્વ- ૨૧મી સદીનો કલા સંવાદ

હસ્‍ત કલા પર્વમાં રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા ૧૦, રાજય એવોર્ડ વિજેતા ૧૫ અને લુપ્‍ત થતી જતી કલાના ૧૫થી વધુ કલાકારો કલાને જીવંત કરશે : 30 હસ્તકલા કારીગરીનું જીવંત નિદર્શન થશે -૧૬૦ થી વધુ વિવિધ હસ્તકલાના પ્રદર્શન કમ સ્‍ટોલ : ભારત સરકારના હેન્ડીક્રાફટ વિભાગ દ્વારા કારીગર પહેચાન પત્ર (ઓળખકાર્ડ) પણ એનાયત કરાશે : શાસ્‍ત્રી મેદાનમાં તા. ૨૫ થી ૩૧ સુધી યોજાનાર હસ્તકલા પર્વનો લાભ લેવા કલેકટરશ્રી રેમ્યા મોહનનો અનુરોધ : હસ્તકલા પર્વમાં શ્રેષ્‍ઠ કલાકારો સાથે ટોક શો, ફેશન શો, સેલ્ફી ઝોન, ફુડ ઝોન તથા થીમેટીક પેવેલીયનનું અનેરું પંચરંગી આયોજન

રાજકોટ : સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ જિલ્લામાં થઈ રહી છે, જેના ભાગરૂપે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં તારીખ ૨૫ થી ૩૧ સુધી હસ્તકલા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬૦ થી વધુ વિવિધ હસ્તકલાના પ્રદર્શન યોજાશે. તથા 30 હસ્તકલા કારીગરીનું જીવંત નિદર્શન તેમજ હસ્તકલાનો ફેશન શો થશે. જેમાં મોડલની સાથે કારીગર પણ રેમ્પ વોક કરશે. આ પર્વ નિમિત્તે કારીગરોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પ્રાપ્ત થશે. સમગ્ર ગુજરાતની સમૃધ્ધ હસ્તકલાની વિરાસતનું પ્રતિનધિત્વ ગુજરાતમાં ખુણે ખુણેથી આવેલા ૨૫૦ જેટલા કારીગરો કરશે. આ હસ્‍તકલા પર્વમાં રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા ૧૦ થી વધુ કારીગરો, રાજય એવોર્ડ વિજેતા ૧૫ થી વધુ કારીગરો અને લુપ્‍ત થતી જતી કલાના ૧૫થી વધુ કલાકારો ઉપસ્‍થિતિ રહેશે.

જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન દ્વારા આ હસ્તકલા પર્વ યાદગાર બની રહે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અને આ હસ્તકલા પર્વમાં સેલ્ફી ઝોન, ફુડ ઝોન તથા થીમેટીક પેવેલીયન રાખવામાં આવ્યું છે. આમ રાજકોટનું આ હસ્તકલા પર્વ ગુજરાત રાજ્યના હસ્તકલા પર્વના વિકાસ માટે એક મહત્વનું માધ્યમ બની રહેશે.

આ હસ્તકલા પર્વમાં સ્થાનિક કારીગર, બાળકોથી લઈ વૃધ્ધોને હસ્તકલાના વિવિધ પ્રકારો, માર્કેટિંગ સહિતના વિવિધ પાસાંઓની જાણકારી મળી રહે તે માટે પ્રતિષ્ઠિત આર્ટીસ્ટ સાથેનો રૂબરૂ સંવાદ ( ટૉક શો ) નું પણ આયોજન કર્યું હોવાનું ડેપ્યુટી કલેક્ટર સિધ્ધાર્થસિંહ ગઢવીએ જણાવ્યું છે. હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ વિષયો પર વર્કશોપ તથા હેન્ડસઓન જેવા કાર્યક્રમો પણ યોજાશે.

        આ પર્વમાં હસ્તકલાનું કામ કરતાં કારીગરોને ભારત સરકારના હેન્ડીક્રાફટ વિભાગ દ્વારા કારીગર પહેચાન પત્ર (ઓળખકાર્ડ) એનાયત કરવા માટે એક સ્ટોલ ઉભો કરાયો છે. જેમાં ઘરે બેસીને અથવા કોઈ પણ માધ્યમથી કામ કરનારા તમામ કારીગરોને ઓળખપત્ર અપાશે તેમ ભારત સરકારના હેન્ડીક્રાફટ વિભાગના સહાયક નિયામકશ્રી રવિવીર ચૌધરીએ જણાવ્યું છે. ભારત સરકાર દ્વારા કલાકારોને અપાતી આર્થિક સહાય, એવોર્ડ, પેન્‍શન સ્‍કીમ વગેરેની માહિતી પણ આ પર્વમાં અપાશે તેમ વધુમાં તેમણે ઉમેર્યુ હતું.

        કારીગરોને એક્સપર્ટ અને વ્યવસાયલક્ષી જાણકારી પણ આપવામાં આવશે. જેથી આ ક્ષેત્રમાં રસ ધરાવનાર લોકોને કારકિર્દી બનાવવા માટેની સુંદર તક પ્રાપ્ત થશે. કારીગરોને વેપાર તથા વાણિજ્યનું મંચ તો પુરૂ પડાશે જ, તે ઉપરાંત સામાન્ય જન સમુદાયમાં હસ્તકલા પ્રત્યે આત્મીયતાની પણ અનુભૂતિ વધશે.

        આ હસ્તકલા પર્વમાં દેશના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ કારીગરોને રાજ્ય સરકાર દ્વારા વિના મુલ્યે ૭ દિવસ સુધી સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. તેમજ તેઓની રહેવા જમવા સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. આમ હસ્તકલાના કારીગરો માટે સરકાર દ્વારા ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

  ગુજરાત પોતાની સમૃધ્ધ હસ્તકલા માટે જાણીતું છે જેવી કે પટોળા,બાંધણી, બાટીક, વણાટકામ, ચર્મકળા, વાંસકામ, કાષ્ઠકળા, રોગનકળા,તાંગલિયા, ખાદી, માટીકામ, બામ્બુવર્ક,મેટલવર્ક, હેન્ડ એમ્બ્રોઈડરી, કઠપુતળી વગેરે માટે સમગ્ર દેશ તથા વિશ્વમાં જાણીતું છે. આ હસ્તકલાઓ વિવિધ સમુદાયની સંસ્કૃતિની વિશેષ ઓળખ કરાવે છે.

        ઇન્‍ડેકસ્ટ-સીના મેનેજરશ્રી આર.આર. જાદવ કહે છે કે ગુજરાતની હસ્‍તકલાનો વિકાસ તથા પ્રોત્‍સાહન માટે એક પ્રેરણાદાયી મંચ હસ્‍તકલા પર્વમાં પૂરું પડાશે. જે બીટુબી(બિઝનેશ ટુ બિઝનેશ) તથા બીટુસી (બિઝનેશ ટુ કન્‍ઝયુમર) પ્રકારના સંવાદ તથા નેટવર્કિંગ માટે પ્રેરણાદાયી વાતાવરણ પૂરું પાડી શકે તેમ છે. આ મેળા દ્વારા કઇ-કઇ કલાની માંગ વધુ છે તે પણ જાણી શકાય છે.  

        આ હસ્તકલા પર્વમાં રાજ્ય તથા કેન્‍દ્ર સરકારની વિવિધ કચેરીઓ તથા સંસ્‍થાઓ જેવી કે ઇન્‍ડેકસ્ટ-સી, ડીસી હેન્‍ડીક્રાફટ, ગરવી ગુર્જરી, ડીસી હેન્‍ડલુમ, ગુજરાત ખાદી ગ્રામોધોગ બોર્ડ, જિલ્‍લા ઉદ્યોગ કેન્‍દ્ર, મિશન મંગલમ તથા હસ્‍તકલા ક્ષેત્રે સંકળાયેલી બિન સરકારી સંસ્‍થાઓ જેવી કે ખમીર, કસબ, સૃજન, કલારક્ષા વગેરે પણ ભાગ લેશે.   

રાજકોટના હસ્‍તકલા પર્વમાં મળો કચ્છીકલાના કસબી પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીને 

પદ્મશ્રી મેળવેલ અબ્દુલ ગફુર ખત્રી હસ્‍તકલાના કારીગર છે. રાજકોટના હસ્‍ત કલાના પર્વમાં તેઓ પણ ઉપસ્‍થિત રહેશે. જેમણે મૃતઃપ્રાય અવસ્થામાં પડેલી રોગાન કલાને વિશ્વફલક પર પ્રખ્યાત કરી છે.  નાનકડા નિરોણા ગામના આ કસબીએ પેઢીઓની આ પરંપરાને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડી છે. તમને યાદ હોય તો ૨૦૧૪માં વડાપ્રધાન મોદીએ અમેરિકાના તત્કાલિન પ્રમુખ બરાક ઓબામાને ખાસ શાલ ભેટ આપી હતી. આ શાલ ખુદ અબ્દુલભાઈએ સતત 12 દિવસની મહેનત પછી બનાવી હતી. અબ્દુલભાઈ રોગાન આર્ટ વિસરાઈ ન જાય તે માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. વર્ષો સુધી તેમના પરિવારે આ કલાનું જતન કર્યું અને તેમનાથી પ્રેરાઈને હવે અન્ય પરિવારો પણ આ આર્ટ તરફ વળ્યા છે. તેમણે કચ્છની ૨૦૦ છોકરીઓને આ કળા વિનામૂલ્યે શીખવી છે. આજે પણ તેમના ઘરે રોજના સરેરાશ ૧૫૦ લોકો તેમને રોગાન આર્ટ કરતા જોવા માટે આવે છે. અબ્દુલભાઈને પદ્મશ્રી સહિત અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સન્માનો મળી ચુક્યા છે. કચ્છના આ કમાલના કલાકારને મળવાનો અને તેમને રોગાન આર્ટ કરતા લાઈવ જોવાનો રાજકોટની પ્રજા પાસે ખાસ મોકો છે.

રોગાન આર્ટઃ જે છે ડાયરેક્ટ ફ્રોમ હાર્ટ

રોગાન એ કચ્છની વિશ્વ વિખ્યાત હસ્તકલાઓમાંથી એક છે. રોગાન કોઈ એમ્બ્રોઈડરી નથી. રોગાન એક પ્રકારનું પેઈન્ટિંગ છે. જેમાં તૈલીય રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. રોગાનની ખૂબી એ છે કે કલાને કાપડ પર ઉતારતી વખતે કાપડ પર કોઈ ભાત નથી પાડવામાં આવતી સીધું જ રંગોથી કામ કરવામાં આવે છે અને એટલે જ તેને “ડાયરેક્ટ ફ્રોમ હાર્ટ આર્ટ” કહેવાય છે. કાપડ પર જે ડિઝાઈન ઉપસી આવે છે તે કલાકારની કલાસૂઝ અને કલ્પનાશક્તિનું પરિણામ છે. જેથી રોગાન ધીરજ અને ખંત માંગી લે છે. રોગાન કળાનો પહેલા ઉપયોગ વધૂ માટે લગ્નના પોષાક બનાવવામાં થતો હતો પરંતુ હવે તેનો વ્યાપ વધ્યો છે. રોગાન પેઈન્ટિંગમાં તમને ભૌમિતિક આકૃતિઓ અને  કુદરતી આકૃતિઓનો સમન્વય જોવા મળશે. કચ્છની ઓળખ અને ધરોહર સમાન આ આર્ટને નજીકથી જાણવાનો અને ખરીદવાનો મોકો રાજકોટવાસીઓને હસ્‍તકલા પર્વમાં મળશે

પારૂલ આડેસરા, પ્રિયંકા પરમાર, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ

(9:58 pm IST)