Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કુવાડવામાં રસ્તો ઓળંગી રહેલા ધોરણ ૧૨ના વિદ્યાર્થી હિરાસરના વિશાલનું ટ્રકની ઠોકરે મોત

આલ્ફા સ્કૂલનો છાત્ર છૂટીને ઘરે જતો'તો ત્યારે ટ્રક કાળ બન્યોઃ કોળી પરિવારમાં શોક

વિદ્યાર્થીનો નિષ્પ્રાણ દેહ અને ઘટના સ્થળે ટ્રક અને લોકોના ટોળા જોઈ શકાય છે (તસ્વીરઃ ભીમજીભાઈ સોઢા-કુવાડવા)

રાજકોટ, તા. ૨૨ :. શહેરના કુવાડવામાં શાળાએથી છૂટી ઘરે જઈ રહેલો ધોરણ-૧૨નો છાત્ર શકિત હોટલ પાસે રોડ ઓળંગતો હતો ત્યારે ટ્રકે કચડી નાખતા છાત્રનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગત મુજબ હીરાસર ગામમાં રહેતો અને કુવાડવામાં આવેલી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતો વિશાલ ભીખુભાઈ સોલંકી (ઉ.વ. ૧૭) બપોરે કુવાડવામાં સ્કૂલેથી છૂટી પગપાળા પોતાના ઘરે જતો હતો ત્યારે શકિત હોટલ પાસે રોડ ક્રોસ કરવા જતા અમદાવાદ તરફથી જીજે-૩એટી-૧૦૩૩ નંબરના ટ્રકે કોળી છાત્રને કચડી નાખતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. બનાવ બનતા ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી ભાગી ગયો હતો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બનાવના પગલે થોડીવાર ટ્રાફીક જામ થઇ ગયો હતો. બાદ કોઇએ જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર.પી. મેઘવાડ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતાં અને ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. મૃતક વિશાલ બે ભાઇ એક બહેનમાં વચેટ હતો તે ધોરણ ૧રમાં અભ્યાસ કરતો હતો. પિતા ડ્રાઇવીંગ કરે છે. પુત્રના મૃત્યુથી કોળી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

(4:23 pm IST)