Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

૭૧મા પ્રજાસત્તાક પર્વમાં પધારવા કલેકટરનું લોકોને આમંત્રણ

સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની પ્રજાને પ્રજાસત્તાક પર્વમાં એડવાન્સ શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્રભાઇઃ મુખ્યમંત્રી વિજયભાઇ : ર૪મીએ કાયમી લાઇટીંગ પ્રોજેકટનું લોકાર્પણ તથા વિદ્યાર્થી કાર્નીવલઃ મશાલ પીટી અને શસ્ત્ર પ્રદર્શનઃ જૂના ગીતોનો કાર્યક્રમ : રપમીએ સૌરાષ્ટ્ર પુસ્તક મેળો અને સાહિત્ય ઉત્સવઃ કોર્પોરેશન અને રૂડાના લોકાર્પણ-ખાતમુહુર્ત તથા યુવા સંમેલન-મહિલા સંમેલન : રપમીએ નવનિર્મિત આઇક્રોનિક બસ પોર્ટનું દબદબાભેર લોકાર્પણ : હસ્તકલા પર્વ-ર૦ર૦ ૧રપ થી વધુ સ્ટોલ : રપમીએ સાંસ્કૃતિક કાર્યક્રમ રાજકોટ ઉપર ''મેગા ઇવેન્ટ''ર૬મીએ સવારે ૮ વાગ્યે રેસકોર્ષ ખાતે ધ્વજવંદન

રાજકોટ તા. રરઃ રાજકોટ પ્રજાસત્તાક પર્વના રંગે રંગાઇ ગયું છે, ચારેબાજુ ડેકોરેશન-ઝાકમઝોળ અને અનેક પ્રકારના કાર્યક્રમોની વણઝારથી દેશભકિતનો રંગ પ્રજાને લાગી ગયો છે.

રાજય સરકારે આ વખતે ૭૧માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે રાજકોટને પસંદ કરી ચાર ચાંદ લગાવી દીધા છે.

આ ૭૧મા પ્રજાસત્તાક પર્વમાં પધારવા કલેકટર શ્રી રેમ્યા મોહને રાજકોટની પ્રજાને પધારવા આજે ખાસ આમંત્રણ પાઠવ્યું છે, તેમણે ર૪-રપ-ર૬ ના તમામ કાર્યક્રમો માણવા નિમંત્રણ પાઠવ્યું છે.

કલેકટરશ્રીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટમાં ૭૧મું પ્રજાસત્તાક પર્વ આવ્યું છે. લોકો રપ-ર૬ બે દિવસ ઘરે-ઘરે રોશની-દીપદાન-રંગોળી કરે અને આ ભવ્ય પર્વને માણે.

રાજકોટમાં રંગેચંગે ઉજવાઇ રહેલા આ પર્વને સંદર્ભે ભારતના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ લોકોને ખાસ એડવાન્સ શુભેચ્છા પાઠવી છે.

તા. ર૪ થી ર૬ ના કાર્યક્રમ અંગે કલેકટરશ્રી રેમ્યા મોહન તથા એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, ર૪મીએ સાંજે ૬-૧પ વાગ્યે રેસકોર્ષ રીંગ રોડ ખાતે કાયમી લાઇટીંગ પ્રોજેકટનું લોકાર્પણ તથા વિદ્યાર્થી કાર્નીવલ યોજાશે.

ર૪મીએ સાંજે ૬-૩૦ વાગ્યે ચૌધરી હાઇસ્કુલ ખાતે મશાલ પી.ટી. અને શસ્ત્ર પ્રદર્શન થશે.

ર૪મીએ રાત્રે ૮ વાગ્યે વિરાણી હાઇસ્કુલ મેદાન ખાતે જુના ગીતોનો સુમધુર કાર્યક્રમ યોજાશે.

કલેકટરશ્રીએ જણાવેલ કે તા. રપમીએ શનિવારે સવારે ૮-૩૦ વાગ્યે ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર પુસ્તક મેળો અને સાહિત્ય ઉત્સવ થશે, તે જ   દિવસે    સવારે ૯-૩૦ વાગ્યે ઇસ્કોન મંદિરની બાજુના મેદાન કાલાવાડ રોડ ખાતે રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને રૂડાના લોકાર્પણ-ખાતમુહુર્ત થશે.

તા. રપમીએ સવારે ૧૦-૩૦ વાગ્યે આત્મીય યુનિવર્સિટી કાલાવડ રોડ ખાતે યુવા સંમેલન થશે, સરકારની વિવિધ યુવાલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ થશે.

રપમીએ બપોરે ૧ર વાગ્યે ગોંડલ-બીએપીએસ મંદિર ખાતે મહિલા સંમેલન યોજાશે તથા તે જ દિવસે બપોરે ર-૩૦ વાગ્યે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ-ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે નવનિર્મિત આઇક્રોનિક બસપોર્ટનું લોકાર્પણ થશે.

તેમજ બપોરે ૩-૧પ વાગ્યે શાસ્ત્રી મેદાન ખાતે રાષ્ટ્રીય કક્ષાનું હસ્તકલા પર્વ-ર૦ર૦નો પ્રારંભ થશે.

કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે રપમીએ શનિવારે સાંજે ૮ વાગ્યે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ રેસકોર્ષ-રાજકોટ ખાતે રાજકોટ થીમ ઉપર કલેકટર તંત્રની સાંસ્કૃતિક કાર્યક્રમ મેગા ઇવેન્ટ યોજાશે, જેમાં રર૦૦ કલાકારો ભાગ લેશે.

ર૬મીએ રવિવારે સવારે ૮ વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે શાનદાર ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.

ઉપરોકત તમામ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમો અંગે કલેકટરશ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન અને સુચના હેઠળ એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા તથા અધીકારીઓ-સ્ટાફની ટીમો કાર્યરત બની છે.       

(4:18 pm IST)