Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઘરેલુ હિંસાની ફરીયાદમાં પતિએ છુટાછેડાનો બોગસ દસ્તાવેજ રજુ કરતા પત્નિની ફરિયાદ

રાજકોટ તા. રર : રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ સ્વાતીપાર્ક વિસ્તારના રહેવાસી હરેશભાઇ મધુભાઇ વાઘમસી તથા અન્ય વિરૂદ્ધ ઉનાના કોદીયા ગામના રહેવાસી તેમના પત્ની રાજેશ્રીબેન વાઘમસીએ આઇ.પી.સી.ની કલમ ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧૧૪, ૧ર૦ (બી) મુજબની કોર્ટમાં ફરીયાદ કરતા એડી.ચીફ જયુડી.મેજી.શ્રી ક્રિષ્ટીએ ફરીયાદ રજીસ્ટરે લઇ આગળની કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટુંક હકીકત એવી છે કે રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ સ્વાતીપાર્કના રહેવાસી હરેશભાઇ મધુભાઇ વાઘમસી વિરૂદ્ધ તેમના પત્ની રાજેશ્રીબેન હરશેભાઇ વાઘમસી કે જે ઉનાના કોદીયા ગામના રહેવાસી છે તેઓએ તેમના પતીએ રાજેશ્રીબેનને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકેલ હોય રાજેશ્રીબેનએ ઉના કોર્ટમાં તેમના પતી હરેશભાઇ મધુભાઇ વાઘમસી તથા અન્યો વિરૂદ્ધ ભરણપોષણ મેળવવા ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ ફરીયાદ કરેલ છે જે ફરીયાદની કોર્ટ કાર્યવાહી દરમ્યાન રાજેશ્રીબેનના પતીએ જવાબ વાંધા રજુ કરેલ જેમાં દસ્તાવેજી પુરાવા સ્વરૂપે હરેશભાઇ વાઘમસીએ તેમના પત્ની રાજેશ્રીબેન વાઘમસી પાસેથી રાજીખુશીથી છુટાછેડા મેળવી લીધેલ હોવા અંગેનો છુટાછેડાનો દસ્તાવેજ રજુ કરેલ છે જે દસ્તાવેજની નકલ રાજેશ્રીબેનને કોર્ટમાંથી પ્રાપ્ત થતા તેઓ આશ્ચર્ય ચકિત થઇ ગયેલ કારણ કે આ દસ્તાવેજમાં રરાજેશ્રીબેન વાઘમસી તથા સાક્ષી તરીકે તેમના માતુશ્રી જયોતષ્નાબેનની બોગસ સહી કરી છુટાછેડા અંગેનો બોગસ દસ્તાવેજ ઉભો કરેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે જણાઇ આવેલ આ ઉપરાંત આરોપી હરેશભાઇ વાઘમસીએ રાજકોટ શહેરની યુકો બેન્કમાં રાજેશ્રીબેન તથા હરેશભાઇ વાઘમસીનું જોઇન્ટ એકાઉન્ટ ચાલુ હતું જે એકાઉન્ટ બંધ કરવાની અરજીની નકલ પુરાવા રૂપે રજુ કરેલ જે અરજીમાં પણ રાજેશ્રીબેન વાઘમસીની બોગસ સહી કરી બેન્કમાં ખાતુ બંધ કરવામાં આવેલ હતું આમ રાજેશ્રીબેન વાઘમસીની બોગસ સહીઓ કરી ખોટા દસ્તાવેજો રજુ કરી તેમના પતી હરેશભાઇ વાઘમસી કોર્ટ કાર્યવાહીમાં બોગસ દસ્તાવેજો રજુ કરેલ.

આ અંગે રાજેશ્રીબેન વાઘમસીએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં તેમના પતી હરેશભાઇ મધુભાઇ વાઘમસી તથા તેમના કૌટુંબીક દેર રાકેશભાઇ વાઘમસી વિરૂદ્ધ છુટાછેડાનો બોગસ દસ્તાવેજ ઉભો કરી આ દસ્તાવેજને સાચા તરીકે ઉપયોગ કરવા બદલ આઇ.પી.સી.ની કલમ ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧૧૪, ૧ર૦ (બી) મુજબની ફરીયાદ કરેલ પરંતુ પોલીસ દ્વારા કોઇજ કાર્યવાહી કરવામાં  ન આવતા રાજેશ્રીબેન વાઘમસીએ તેમના વકીલ સંજય એચ.પંડિત મારફત આ અંગે કોર્ટમાં ફરીયાદ કરેલ હતી જે ફરીયાદ અનુસંધાને એડી.ચીફ જયુડી.મેજી.શ્રી ક્રિષ્ટીએ સદરહુ ફરીયાદ રજીસ્ટરે લઇ આગળની કાર્યવાહી કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડિત રોકાયેલ છે.

(4:07 pm IST)