Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

આર.ટી.ઓ.ના નામે દંડ વસુલી ઠગાઇ કરવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૨૨: અલગ અલગ જીલ્લાઓમાંથી ભેગા થઇ બનાવેલ ચીટર ગેંગ પોતાની જ આર.ટી.ઓ. કચેરી ઉભી કરી વાહન ચાલકોના દંડ બારોબાર વસુલી તેમના વાહનો ખોટી પાવતીના આધારે પોલીસમાંથી છોડાવી આયોજન પૂર્વકનું કૌભાડ આચરી રાજકોટ આર.ટી.ઓ. કચેરી, સામાન્ય જનતા તથા સરકારી તીજોરી સાથે ગંભીર પ્રકારની છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ રાજકોટ એસ.ઓ.જી.ના પોલીસ અધિકારીએ નોંધાવતા ધરપકડ થયેલ આરોપીઓ પૈકી આર.ટી.ઓ. એજન્ટ જયરાજ જયલેશ કડીયાના જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, રાજકોટ એસ.ઓ.જી.પોલીસ શાખામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એમ.બી.ગોસ્વામીએ સરકાર તરફે પોતાની ફરીયાદમાં જણાવેલ હતુ કે, આ કામના આરોપીઓ (૧)મનીષ ઉર્ફે સાગર ઘનશ્યામભાઇ મહેતા રહે. આજીડેમ ચોકડી, રાજકોટ (૨)હાર્દિક ભાવસીંગભાઇ જાદવ રહે. રામપાર્ક, કોઠારીયા રોડ, રાજકોટ (૩)યશરાજભાઇ શિવરાજભાઇ માંજરીયા રહે. હસનવાડી, રાજકોટ (૪)જય કમલેશ સિંધવા રહે.દ્વારકાપુરી સોસાયટી, જુનાગઢ (૫)જયરાજ જયલેશભાઇ ગેડીયા રહે. ગાયત્રીનગર, રાજકોટ (૬)ભાવેશ ઘેલાભાઇ ભરવાડ રહે. આર.ટી.ઓ પાસે, રાજકોટએ આર.ટી.ઓ.ના કર્મચારી કે એજન્ટ કે આર.ટી.ઓ. તરફથી દંડ વસુલવા માટે કોઇ કોન્ટ્રાકટ નહી આપેલ હોવા છતાં આર્થિક લાભ મેળવવા સારૃં પુર્વાયોજીત કાવતરૃં રચી સરકારશ્રીની આર.ટી.ઓ. કચેરી સાથે છેતરપીંડી કરી હતી.

આ કામે અટક થયેલ આરોપીઓ પૈકી જયરાજ જયલેશભાઇ ગેડીયાએ જામીન પર મુકત થવા માટે રાજકોટની સેશન્સ અદાલતમાં તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત જામીન અરજી દાખલ કરેલ હતી.

કોેર્ટે બન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલતે બચાવપક્ષ દ્વારા થયેલ તમામ દલીલો માન્ય રાખી આરોપીના જામીન મંજુર કરતા હુકમમાં એવુ અવલોકન કરેલ કે આરોપી પાસેથી પોલીસે કબ્જે લીધેલ ચાર બોગસ મેમો પૈકીના કોઇપણ ગાડી માલીક પોતાના નિવેદનમાં હાલના આરોપીને ઓળખી બતાવેલ નથી તેમજ પોલીસે માત્ર સહતહોમતદારના નિવેદનના આધારે જયરાજને આરોપી તરીકે દર્શાવેલ છે અને હાલના તબકકે તે પુરાવા સિવાય અન્ય કોઇ સચોટ પુરાવાઓ જેવા કે તમામ વાહન ચાલકોના નિવેદનો કે અન્ય દસ્તાવેજો પોલીસ દ્વારા ચાર્જશીટમાં રજૂ કરવામાં આવેલ નથી ત્યારે આરોપીને વિશેષ સમય કસ્ટડીમાં રાખવાનુ ન્યાયોચીત ન માની આરોપીને ગુજરાત રાજયની હદ છોડવા અને પાસપોર્ટ જમા કરાવવા સહીતની શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી જયરાજ જયલેશ ગેડીયા વતી રાજકોટના એડવોકેટશ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ગૌરાંગ ગોકાણી, હાર્દિક શેઠ, અંશ ભારદ્વાજ, હર્ષ ભીમાણી રોકાયેલ હતા.

(4:06 pm IST)