Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

સંઘના નામે કુલપતિ સત્તા મંડળને બ્લેકમેઇલ કરવાનું શૈક્ષણિક સંઘ બંધ કરે : શિક્ષણ કાર્ય ચાલુ કરવા ધરણા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનના વિવાદમાં : સંઘના મૂળભૂત સંસ્કારોથી વિપરીત દિશામાં ચાલતો શૈક્ષણિક મહાસંઘના કાર્ય શિક્ષણ માટે દુઃખદ : નિદત્ત બારોટ

રાજકોટ તા. ૨૨ : અંગ્રેજી ભવનના વિવાદમાં ગઇકાલે સંઘના શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી શિક્ષણ બહિષ્કારનું એલાન આપ્યું છે. તેની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. નિદત્ત બારોટે આકરી પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ કાર્ય ચાલુ કરાવવા ધરણાની ચિમકી ઉચ્ચારી છે.

નિદત્ત બારોટે એક યાદીમાં જણાવ્યું છે કે, હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં છેલ્લા ૬-૮ મહિનાથી જે કામગીરી ચાલી રહી છે તે પ્રકરણ અત્યંત દુઃખદ છે. અધ્યાપકોએ કરેલા એકબીજા સામેના આક્ષેપોને કારણે માત્ર અંગ્રેજીભવનના જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકશાન થયું છે. ખોટા પ્રવેશની કાર્યવાહી યુનિવર્સિટીના અધ્યાપકો કરે અને બીજા અઘ્યાપકો તેને ખુલ્લી પાડે આ વાત કોઈપણ શિક્ષણ પ્રેમી માટે દુઃખ પહોંચાડનારી છે.

નિદત્ત બારોટે વધુમાં જણાવેલ કે, રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે ચીમનકાકાથી શરૂ કરી પ્રવિણકાકા, હાલના મુખ્યમંત્રી વિજયભાઈ, અરવિંદભાઈ મણીયાર, પોતાના ક્ષેત્રમાં આજીવન સેવા આપનાર હસુભાઈ દવે, શ્રી નરેન્દ્રભાઈ દવે જેવા લોકોના નામને વગોવવાનું કામ આ જ સંઘ સાથે જોડાયેલી સંસ્થા શૈક્ષણિક મહાસંઘ કરી રહી છે. સંઘના લોકો હંમેશા એવું કહેતા હોય છે કે રાષ્ટ્રભકિત, રાષ્ટ્રને આગળ લાવવું, લોકોનું હિત કરવું, સમાજને સમાજ સાથે જોડવો આ સિદ્ઘાંતો સંઘના સિદ્ઘાંતો રહયા છે ત્યારે શૈક્ષિક મહાસંઘને નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લેટફોર્મને પોતાના અંગત સ્વાર્થ માટેની રાજનીતિનો અખાડો બનાવી ખોટી રીતે મંડળી રચી શિક્ષણને બાનમાં લેવાનું કાર્ય થઈ રહયું છે તે માત્ર સંઘના લોકોને જ નહિ પરંતુ શિક્ષણનું હિત ઈચ્છતા તમામ લોકો માટે દુઃખદ છે. સંઘના નામે કુલપતિ અથવા યુનિવર્સિટીના સતામંડળને બ્લેકમેઈલ કરવાનું કામ થઈ રહયું છે તે બાબત પણ નિંદનીય છે.

આગામી દિવસોમાં તાત્કાલિક અસરથી અંગ્રેજી ભવનનું શિક્ષણકાર્ય શરૂ નહિ થાય અને ફરીથી રાબેતા મુજબ ભવન ચાલુ નહિ થાય તો ન છુટકે શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોએ ડોલરકાકાના સ્ટેચ્યુ પાસે છાવણી કરીને ધરણા કરવાનો વારો આવશે. ૨૭ જાન્યુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી રાજકોટમાં સમગ્ર ગુજરાતનો પ્રજાસતાક પર્વ ઉજવી રહયા હોય ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણનું કાર્ય રાબેતા મુજબ શરૂ થાય અને વિદ્યાર્થીઓનું ભણતર ફરી પાછું યોગ્ય રીતે ચાલુ થાય તેવો કુલપતિ તાત્કાલિક પ્રયત્ન કરે નહિતર પછી પ્રજાસતાક પર્વના ઉત્સાહના કાર્યક્રમને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષિક મહાસંઘના કૃત્યને કારણે ભોગવવાનો વારો આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને અપીલ છે કે તાત્કાલિક ધોરણે ભણવાનું શરૂ કરો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂને વધુ નુકશાન ન પહોંચાડો તેમ એક યાદીમાં ડો. નિદત્ત બારોટે જણાવ્યું છે.

(4:00 pm IST)