Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ અગાઉ બુકફેર ડ્રાઈવનું ઠેર-ઠેર આયોજન

રાજકોટ, તા. ૨૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સંયુકત ઉપક્રમે આગામી તા.૨૫થી ૨૮ જાન્યુ. દરમિયાન ધર્મેન્દ્રસિંહજી કોલેજનાં ગ્રાઉન્ડમાં દિવ્ય-ભવ્ય સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ યોજાનાર છે ત્યારે આ સાહિત્યક પ્રસંગનાં શ્રી ગણેશ બૂકફેર ડ્રાઈવ દ્વારા થઈ ચૂકયા છે. સૌરાષ્ટ્ર બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલ વિધિવત રીતે ૨૫ જાન્યુ.નાં શરૂ થનાર છે પરંતુ આ અગાઉ સૌરાષ્ટ્ર બ્રૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલની પ્રિ-લોન્ચિંગ સેરેનમી સમી બૂકફેર ડ્રાઈવ ઠેર-ઠેર શરૂ થઈ ચૂકી છે જે અંતગર્ત વિવિધ ક્ષેત્રનાં શ્રેષ્ઠીઓ, મહાનુભાવો, કલાકારો સાથે મળીને ગુજરાતી ભાષા-સાહિત્ય જતન-સવર્ધનનાં મહાયજ્ઞમાં જોડાઈ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે આપણા ભાષા-સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલની આગોતરી ઉજવણીનાં ભાગરૂપે ગઈકાલે રાજકોટના આત્મીય કોલેજ કેમ્પસ ખાતે ખ્યાતનામ હાસ્ય કલાકાર જય છનિયારાનું વકતવ્ય યોજવામાં આવ્યું. શારીરિક અંતરાયો સામે બાથ ભીડીને જીવનરૂપી કેડી પર સફળતાના શિખર સર કરી રહેલાં આ યુવા કોમેડીયને શ્રોતાઓને પોતાના આગવા અંદાજમાં ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું જય છનિયારાની પ્રેરણાદાયી અને માહિતીસભર વાતો સાંભળી પ્રેક્ષકોને પેટ પકડીને હસ્યા હતા. બૂક ફેર ડ્રાઈવ નામના આ સેશનમાં તેમની હાજરી આજની નવી પેઢી માટે અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થઈ હતી. આ ઉપરાંત રાજકોટનાં મેયરશ્રીનાં આંગણે પણ સમાજનાં શ્રેષ્ઠીઓએ એકઠા થઈને ગુજરાતી ભાષા-સાહિત્યનાં જતન-સવર્ધન અંગે ચિંતન-મનન કર્યુ.

આ કાર્યક્રમો દરમિયાન પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનાં કોર્ડીનેટર તેમજ સૌ.યુનિ.નાં સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી, ઈવેન્ટ કોર્ડીનેટર નિલેશભાઈ સોની, સૌ.યુનિ.નાં કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજય દેશાણી, રાજકોટ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, રાજકોટ મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મૌલિયાએ ભાષા-સાહિત્ય પ્રચાર-પ્રસારમાં બૌદ્ઘિક વર્ગની ભૂમિકા, નાગરિકોનાં કર્તવ્ય, વાંચન યાત્રા જેવા કાર્યક્રમોનું મહત્વ તેમજ પુસ્તકો વિશેની ચર્ચા મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજકોટની સાહિત્યપ્રેમી જનતા સમક્ષ કરી હતી.

(3:56 pm IST)