Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

એક સૈનિક, નેતા અને ક્રાંતિવીર નેતાજી સુભાષચંદ્ર બોઝની કાલે ૧ર૩ મી જન્મ જયંતિ

રાજકોટ : નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ર૩મી જાન્યુઆરી ૧૮૯૭ માં ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. બાળપણમાં જ અંગ્રેજ અફસરોના ભારતવાસીઓ પ્રત્યેના તિરસ્કારયુકત વર્તનના કારણે બાળ સુભાષચંદ્રને અંગ્રેજો પ્રત્યે નફરત હતી જ. તેઓ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત થઇ તેમના શિષ્ય બન્યા હતાં.

દેશમાં ગ્રેજયુએશન સુધીનું શિક્ષણ પુર્ણ કરી વિદેશમાં ભણીને આઇ. સી. એસ. (ઇન્ડીયન સીવીલ સર્વિસ) ની પરીક્ષામાં ચોથા ક્રમે ઉતિર્ણ થયા. પરંતુ અંગ્રેજ શાસનમાં ભારતની ગુલામીની દશા જોઇ તેમનું લોહી ઉકળી ઉઠયું અને સરકારી નોકરીને ઠોકર મારી, દેશની આઝાદીની લડતને વધુ મહત્વપૂર્ણ માની સ્વાતંત્ર સેનાનીઓના રસ્તે ચાલી નિકળ્યા.

ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી અંગ્રેજો સામેના અસહયોગ આંદોલનમાં જોડાયા. ૧૯૩૮ અને ૧૯૩૯ માં બે વખત રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. તેઓને લાગ્યુ કે માત્ર અહિંસક લડતથી આઝાદી મળશે નહીં. અંગ્રેજોને હાંકી કાઢવા, સશસ્ત્ર, રાજનીતિ તથા કુટનીતિ પણ લડાઇ લડવી પડશે. તેથી તેઓએ ક્રાંતિકારીઓનો રસ્તો પસંદ કર્યો. આ દરમિયાન વિશ્વમાં બીજુ વિશ્વયુધ્ધ ફાટી નિકળ્યું. તેઓએ લાગ જોઇ અંગ્રેજોના દુશ્મન દેશોનો સાથ લેવાનું નકકી કર્યું. આ સમયે કલકતા ખાતે અંગ્રેજોએ તેઓને નજર કેદ રાખેલ હતાં. ત્યાંથી અંગ્રેજ સિપાઇઓના સખ્ત પહેરા  હેઠળથી પણ તેઓ વેશપલ્ટો કરીને છટકી ગયા. જર્મન રેડીયો ઉપરથી જયારે તેઓએ દેશને સંબોધન કર્યુ ત્યારે બધાને ખબર પડી કે નતાજી તો જર્મની પહોંચી ગયા છે અને અંગ્રેજ શાસકોને આશ્ચર્ય સાથે આંચકો લાગ્યો. જર્મનીથી તેઓ જાપાન ગયા. જાપાની રેડીયો પરથી ભારત દેશવાસીઓને સંબોધનમાં તેઓએ પ્રથમ વખત ગાંધીજીને 'રાષ્ટ્રપિતા' તરીકે સંબોધ્યા.

તેઓ જાપાનથી સીંગાપુર પહોંચ્યા, જયાં તેઓએ કેપ્ટન મોહનસિંહ દ્વારા સ્થાપવામાં આવેલ 'આઝાદ હિન્દ ફોજ' માં ભારતીય સેનાના યુધ્ધકેદીઓનો સમાવેશ કરી પુનરચન કરી તેની કમાન પોતાના હાથમાં લીધી. પ્રસિધ્ધ નારો 'તુમ મુઝે ખૂન દો, મૈ તૂમ્હે આઝાદી દુંગા' આપ્યો તથા 'જયહિન્દ'નું રાષ્ટ્રીય સૂત્રપણ આપ્યું. ત્યાંથી તેઓએ ફોજના કેપ્ટન તરીકે 'ચલો દિલ્હી'ની હાકલ કરી.

આમ નેતાજી સુભાષચંદ્ર બોઝ એક એવું નામ છે જે સાંભળીને જ મનમાં દેશભકિતની ભાવનાના મોજા ઉછળવા માંડે, નિરાશા દૂર થઇ જાય અને રાષ્ટ્રહિતમાં કંઇક કરી છૂટવાની તમન્નાઓ મનમાં ઉભરાવા લાગે. 'નેતાજી' ઉપનામ જ તેમના જીવન વિશે ઘણુ બધુ કહી દે છે. તેઓએ કદીપણ પોતાના સિધ્ધાંતો સાથે બાંધછોડ કરી નથી. દેશની આઝાદી માટે પોતાનું બધુ ન્યોછાવર કરી દીધું. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાનું જીવન રાષ્ટ્રસેવામાં લગાડી દીધું. તેઓની નસે નસમાં રાષ્ટ્રભકિત ઠસોઠસ ભરેલી હતી. મા ભોમ કાજે બલીદાન દેનાર એક સાચા સૈનિક, કેપ્ટન, નેતા, રાજનીતિજ્ઞ, ફુટનીતિજ્ઞ, ક્રાંતિવીર અને મા ભારતના દિવ્ય સપૂત એવા નેતાજી સુભાષચંદ્ર બોઝને જન્મ જયંતિ નિમિતે કોટી...કોટી...કોટી... વંદન..

(11:34 am IST)