Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં યુવતિએ અજૂગતું થયાની ખોટી સ્ટોરી ઘડીઃ પોલીસ અને પૂર્વ કોર્પોરેટર કલાકો ધંધે લાગ્યા

જામનગર રોડ પર રડતી મળેલી યુવતિને પૂર્વ મહિલા કોર્પોરેટર લીલાબા જાડેજાએ પૃછા કરતાં કોઇ પોતાને ઝૂપડામાં લઇ ગયાની સ્ટોરી જણાવીઃ અંતે પોલીસ પુછતાછમાં સાચી વિગતો ખુલીઃ વાલીને બોલાવાયા :મુળ કેશોદની યુવતિ સાડા ત્રણેક વર્ષથી રાજકોટ રહી કુવાડવા હાઇવે પરના એક દવાખાનામાં નોકરી કરે છેઃ ત્યાંથી સાંજે નીકળી ગઇ'તી

રાજકોટ તા. ૨૨: શહેરના જામનગર રોડ પર સવારે એક યુવતિ રડતી જોવા મળતાં ભોમેશ્વર વિસ્તારના જાગૃત પૂર્વ મહિલા કોર્પોરેટર દોડી ગયા હતાં. યુવતિને શું કામ રડે છે? તે બાબતે પુછતાછ કરતાં તેણીએ પોતે રવિવારે સાંજે ધર્મેન્દ્ર રોડ પર ગયા બાદ બેભાન થઇ ગયાની અને રાત્રે પોતાને કોઇ ઝૂપડામાં લઇ જવાયાની અને દુઃખાવો થઇ રહ્યાની વાતો કરતાં તે કંઇક છુપાવતી હોવાનું તેમજ તેની સાથે કંઇક અજુગતું બન્યાનું જણાતાં પોલીસને બોલાવાઇ હતી. પૂર્વ મહિલા કોર્પોરેટર અને મહિલા પોલીસ તથા અન્ય પોલીસ સ્ટાફે આ યુવતિની ખુબ જ શાંતિ પૂર્વક પુછતાછ કરી જે બન્યું હોય તે જણાવવા સમજાવી હતી. પણ તેણે ગોળ ગોળ વાતો કરી હતી. પોલીસે તેના માતા-પિતાને કેશોદથી રાજકોટ બોલાવ્યા હતાં. જો કે અંતે આ યુવતિને પોતાને બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં ખોટી સ્ટોરી ઘડ્યાનું કહેતાં સોૈએ રાહત અનુભવી હતી. યુવતિને  પોલીસે આવુ ન કરવા સમજણ આપી હતી.

વધુ માહિતી મુજબ સવારે જામનગર  રોડ પર આશરે ૧૮ વર્ષની એક યુવતિ રડતી હોઇ જાગૃત યુવાનની નજર પડતાં યુવતિ કંઇક સંકટમાં હોવાનું જણાતાં તેણે પૂર્વ મહિલા કોર્પોરેટર લીલાબા જાડેજાને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતાં અને યુવતિને પુછતાછ કરતાં પોતાનું નામ જણાવી મુળ કેશોદની હોવાનું અને સાડા ત્રણેક વર્ષથી રાજકોટ આવી હોવાનું તેમજ હાલ કુવાડવા હાઇવે પરના એક દવાખાનામાં કામ કરી ત્યાં જ રહેતી હોવાની વાત જણાવી હતી. રડે છે? શા માટે? હોસ્પિટલથી અહિ કેવી રીતે આવી? તે બાબતે પુછતાછ થતાં તેણીએ કહ્યું હતું કે સાંજે પોતે હોસ્પિટલથી નીકળી ગઇ હતી અને ધર્મેન્દ્ર રોડ પર ટેડી બીઅર લેવા ગઇ હતી. ત્યાં ચક્કર આવતાં બેભાન થઇ ગઇ હતી. બાદમાં થોડી ભાનમાં આવી ત્યારે કોઇ પોતાને ઝૂપડા જેવા મકાનમાં લઇ ગયાની અને દુઃખાવો થતો હોવાની વાતો કરી હતી.

આથી લીલાબા જાડેજાને શંકા ઉપજતાં તેણે ૧૦૦ નંબરમાં જાણ કરતાં મોબાઇલ આવી હતી. લીલાબા આ યુવતિને લઇને ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યા હતાં.  અહિ પોલીસ પુછતાછમાં તેણે પોતે કુવાડવા હાઇવે પર દવાખાનામાં કામ કરતી હોવાની અને ત્યાં જ રહેતી હોવાની વાત કરતાં  પોલીસે એ દવાખાનાના ડોકટરને પણ બોલાવ્યા હતાં. ડોકટરે આ યુવતિ સાંજે નીકળી ગયાનું અને પોતે પણ તેને શોધી રહ્યાનું કહ્યું હતું.

યુવતિના બંને હાથમાં દાઝેલા જેવા નિશાન હોઇ તે બાબતે પુછતાછ થતાં તેણીએ દવાખાનામાં એસિડથી સફાઇ વખતે અકસ્માતે દાઝયાનું કહ્યું હતું. બીજી તરફ આ યુવતિની એક બહેનપણીને બોલાવાઇ હતી. તે પણ ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. તેણીએ યુવતિ રાતભર પોતાની સાથે હોવાની વાતો કરી હતી. જો કે રડતી મળેલી યુવતિ અને તેની બહેનપણી કંઇક છુપાવતા હોવાની શંકા ઉપજતાં પોલીસે તપાસ યથાવત રાખી હતી. બાદમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. એન. બી. ડાંગરે તેણીને વિશ્વાસમાં લઇ સાચું હોય તે જણાવી દેવા કહેતાં તેણીએ પોતાને બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં અને તે મુકીને જતો રહેતાં પોતે રડતી હોવાની અને મહિલા કાર્યકર આવતાં તેની સામે ખોટી સ્ટોરી ઉભી કર્યાનું કબુલ્યું હતું. પોલીસે આમ છતાં તેણીના વાલીને બોલાવીને તેને સોંપવા માટેની તજવીજ કરી હતી.

એકલી રહેતી આ યુવતિએ ખોટી સ્ટોરી ઉભી કરતાં પોલીસ અને મહિલા કોર્પોરેટર લીલાબા જાડેજા કલાકો હેરાન થયા હતાં. લીલાબાનો હેતુ એવો હતો કે જો આ યુવતિ કોઇની બળજબરીનો શિકાર બની હોય તો તેને ન્યાય મળ. પરંતુ સ્વચ્છંદી યુવતિએ ખોટુ તૂત ઉભુ કરી બધાને ધંધે લગાડ્યાનું ખુલ્યું હતું.

(4:18 pm IST)