Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ભાયાણી પરિવારની ત્રીજી પેઢી સંયમ માર્ગે

 રાજકોટઃ આધ્યાત્મિક જગતમાં  માતા - પુત્રી,ભાઈ - બહેન કે સમગ્ર પરીવારે પણ સંયમ અંગીકાર કરી શાસનને શોભાવતા હોય તેવા ઉદાહરણો છે..પરંતુ ત્રણ - ત્રણ પેઢી જિન શાસનમાં સંયમના માર્ગે હોય તેવા ઉદાહરણો જવલ્લે જ જોવા મળે છે.

 તા.૪/૨ ના રોજ એક એવું દ્રશ્ય નિહાળવા મળશે કે જયારે ભાયાણી પરીવારની લાડકવાયી ચિં.વીરાંશીબેન માત્ર ૧૯ વર્ષની ભર યુવાન વયે સંયમ ધર્મનો સ્વીકાર કરશે ત્યારે ભાયાણી પરીવારની આ ત્રીજી પેઢી સંયમ માર્ગે આવશે. ડોલી ફૈબાએ બારમા દિવસે નામ આપ્યું વીરાંશી... '' વીરાંશી એટલે વીરનો અંશ બની  જિન શાસનનો વંશ વધારવા મુમુક્ષુ  વીરાંશીબેન તત્પર બન્યાં''. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે આ પૂર્વે તા.૧૦/૨/૯૧ ના રોજ માત્ર ૨૦ વર્ષની વયે મુમુક્ષુ મહાવીર કનૈયાલાલ ભાયાણી એટલે કે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે ધર્મ નગરી રાજકોટમાં વિરાણી પૌષધ શાળા,મોટા સંઘમાં દીક્ષા અંગીકાર કરેલ, ત્યારબાદ તા.૩/૪/૯૭ ના શુભ દિવસે તેઓના રત્નકુક્ષિણી માતુશ્રી પુષ્પાબેને  સંયમ ધર્મનો સ્વીકાર કરી વસઈ,માણેકપુર સંદ્યના આંગણે પૂ. પ્રબોધિકાબાઈ મ.સ.બન્યાં.  હવે,  ત્રીજી પેઢી તા.૪/૨ ના દિવસ  પૂણ્યશાળી દિલેશભાઈ કનૈયાલાલ ભાયાણીની પુત્રી ચિં.વીરાંશીબેન પણ મહાવીરનો ત્યાગ માર્ગ સ્વીકારી જિન શાસનની આન,બાન, શાન વધારશે. પરમધામ ,પડઘા ખાતે એવું અલૌકિક અને અદભૂત દ્રશ્ય સર્જાશે કે ૭૩ વર્ષના પૂ.પ્રબોધિકાબાઈ, ૪૭ વર્ષના પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.તથા માત્ર ૧૯ વર્ષના નૂતન દિક્ષીત પરમ પૂણ્યશાળી આત્મા એમ ત્રણેયના દર્શન થશે.ધર્મ પ્રેમીઓ તા.૪/૨ ના રોજ  પરમધામની પાવનભૂમિ ઉપર પરમ પૂણ્યશાળી આત્માઓના દર્શન કરવા આમંત્રણ  પાઠવાયું  છે.

(4:02 pm IST)