Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

માતાને અગાશી ઉપરથી નીચે ફેંકી હત્યા કરવાના ગુન્હામાં પકડાયેલ પુત્રની જામીન અરજી નામંજુર

આરોપીની બનાવ સમયે હાજરી હતીઃ જામીન આપી શકાય નહિઃ અદાલત

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર પોતાની સગી માતાને રહેણાંકના એપાર્ટમેન્ટની અગાશી ઉપરથી નીચે ફેંકી દઈ મૃત્યુ નિપજાવવાના ગુન્હામાં સંડોવાયેલા પુત્ર સંદિપ વિનોદભાઈ નથવાણીની જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, તા. ૨૭-૯-૨૦૧૭ના રોજ રાજકોટના દર્શન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧, રામેશ્વર પાર્ક-૨, નાણાવટી ચોક અંદર, રાજકોટ ખાતે રહેતા જયશ્રીબેન વિનોદભાઈ નથવાણીનું એપાર્ટમેન્ટની અગાશી ઉપરથી નીચે પડી જવાના કારણે મોત થયેલ હતુ. જે અંગેની પોલીસ ફરીયાદ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા જેમાં ગુજરનારના દિકરા સંદિપ વિનોદભાઈ નથવાણી દ્વારા પોતાની માતાની હત્યા કરેલ હોવાનો પુરાવો મળતા પોલીસ દ્વારા આરોપી પુત્ર સંદિપ વિનોદભાઈ નથવાણીની ધરપકડ કરવામાં આવેલ હતી અને કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરેલ હોય તેના દ્વારા જામીન ઉપર છૂટવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી.

આ કામે સરકાર તરફે એડી. પી.પી. કમલેશ ડોડીયા દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવેલ હતી કે કોર્ટ દ્વારા અરજદારને જામીન ઉપર છોડવામાં આવશે તો આવા ગુન્હાઓને પ્રોત્સાહન મળશે, ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવેલ છે તેવા સંજોગોમાં પુત્ર દ્વારા પોતાની માતા સાથે કરવામાં આવેલ કૃત્યને જોતા આરોપીને સહેલાઈથી જામીન ઉપર છોડી શકાય નહી તેમજ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ સી.સી.ટી.વી. ફુટેજ તેમજ પોલીસ પેપર્સ જોતા ગુજરનાર પોતે કોઈની મદદ વગર ચાલી શકતા ન હોય તેમ ગુજરનારની બન્ને પુત્રીઓ ઘરે હાજર ન હોય તેઓની ગેરહાજરીમાં જ ગુજરનારને એપાર્ટમેન્ટની અગાશી ઉપર લઈ જવા તેમજ ગુજરનારના પુત્રીઓ, પાડોશીઓ, બિલ્ડીંગના ચોકીદાર વગેરેના નિવેદનો જોતા બનાવ સમયે આરોપીની હાજરી તેમજ સંડોવણી સ્પષ્ટ થાય છે.

સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો ગ્રાહ્ય રાખી રાજકોટના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.પી. પુરોહીત દ્વારા આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવેલ છે. આ જામીન અરજીમાં સરકાર તરફે એડી. પી.પી. કમલેશ ડોડીયાએ દલીલો કરેલ હતી.

(4:01 pm IST)