Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મોરબી રોડ પર ટ્રકે બાઇકને ઠોકર મારતા મોરબીના વિપુલ હળવદીયાનું મોત

સાગરનગરમાં રહેતા મોટાભાઇને મળવા આવતો હતોઃ યુવાન પુત્રના મોતથી પરીવારમાં અરેરાટી

રાજકોટ, તા., ૨૨: મોરબી રોડ ઉપર આવેલ આઇઓસી પ્લાન્ટ સામે ટ્રકે બાઇકને ઠોકર મારતા મોરબીના દેવીપુજક યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ રહેતો વિપુલ ભુદરભાઇ હળવદીયા (ઉ.વ.ર૦) ગઇકાલે પોતાનું જીજે ૩ એએમ-ર૭૦૯ નંબરનું મોટર સાયકલ લઇને રાજકોટ માર્કેટ યાર્ડ પાછળ સાગરનગરમાં રહેતો તેનો મોટોભાઇ સંજય ભુદરભાઇ હળવદીયા (ઉ.વ.રર)ને મળવા માટે આવતો હતો ત્યારે મોરબી રોડ ઉપર આઇઓસી પ્લાન્ટની સામે પહોંચતા જીજે ૧૦ ટીયુ-૮૮૪૯ નંબરના ટ્રકના ચાલકે બાઇકને ઠોકર મારતા વિપુલ ફંગોળાઇ ગયો હતો. તેને માથા તથા હાથે પગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ આર.એલ. ખટાણા સહીતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક વિપુલ પરણીત હતો. તે બે ભાઇમાં નાનો હતો તે મોરબીમાં મજુરી કામ કરતો હતો અને રાજકોટમાં રહેતો મોટોભાઇ સંજય કેટરર્સનું કામ કરે છે. ગઇકાલે વિપુલ તેના મોટાભાઇને મળવા આવતો હતો. આ અંગે કુવાડવા રોડ પોલીસે સંજય ભુદરભાઇ હળવદીયાની ફરીયાદ પરથી જીજે ૧૦ ટીયુ ૮૮૪૯ નંબરના ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઇ ખટાણાએ તપાસ આદરી છે.

(4:01 pm IST)