Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પોલીસ કમિશ્નર કચેરીમાં આપઘાતની ફરજ પાડવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૨૨ :. તાજેતરમાં રાજકોટમાં ચકચાર જગાવનાર પોલીસ કમિશ્નર કચેરીમાં દવા પી જનાર ગુજરનાર હેમચંદ્ર જગદીશભાઈને મરવા માટે મજબુર કરવાના ગુન્હામાં આરોપી દિવ્યેશ દિલીપભાઈ લુહારને રાજકોટના એડી. સેશન્સ જજે જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો રાજકોટ શહેરમાં મીલપરામાં રહેતા ગુજરનાર હેમચંદ્રના પિતા જગદીશભાઈએ રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧) દિનેશ ઉર્ફે મામા ડાંગર (૨) દિવ્યેશ કવા, (૩) ચિરાગ દિનેશભાઈ ડાંગર સામે એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, આરોપીઓ પાસેથી રૂ. ૧૧,૫૦,૦૦૦ની લોન લીધેલ, જે રકમ આરોપીઓને નાગરીક બેન્કના ત્રણ ચેકો આપી રકમ ચુકવી દીધેલ છતા તા. ૮-૧-૨૦૧૮ના સાંજના સમયે ફરીયાદીના ઘરે જઈ વ્યાજના રૂ. ૨,૮૦,૦૦૦ બાબતે પઠાણી ઉઘરાણી કરવા ગાળો આપી જબરજસ્તીથી વ્યાજ પેટે રૂ. ૫,૦૦૦ લઈ લીધેલ અને ઘરેથી જતા જતા ફરીયાદી તથા તેના દિકરા હેમચંદ્રને ફોનમાં બે ત્રણ દિવસમાં વ્યાજની પુરી રકમ નહીં ચુકવે તો બન્નેને જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપતા ફરીયાદીના દિકરા ગુજરનાર હેમચંદ્ર આરોપીની ઓફિસે વ્યાજ ઓછું કરવા માટે જતા ત્રણેય આરોપીઓએ ફરીયાદીના દિકરાને ગાળો આપી, ઢીકા પાટુનો માર મારતા ફરીયાદીનો દિકરો હેમચંદ્ર કંટાળી જઈ પોલીસ કમિશ્નર ઓફિસે ફરીયાદ કરવા જતા ત્યાં ઝેરી દવા પી લેતા ગુજરી જતા મરવા માટે મજબુર કરવા સંબંધેનો ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી દિવ્યેશ દિલીપભાઈ લુહારે જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ અદાલતમાં એડવોકેટ સુરેશ ફળદુ મારફત જામીન અરજી દાખલ કરી હતી.

ઉપરોકત રજૂઆતો, દસ્તાવેજી પુરાવો, મૂળ ફરીયાદીના વાંધા, ત.ક. અધિકારીનું સોગંદનામુ ધ્યાને લીધા તેમજ ગુન્હાના કામેની સંભવિત સજાની જોગવાઈ, ગુન્હાનો પ્રકાર આરોપીનો ગુન્હાના કામેનો રોલ જોતા અન્ય લોકોને વચ્ચે રહી લોન અપાવવાનો ફરીયાદમાં બતાવવામાં આવેલ હોય, અરજદાર પોલીસ કસ્ટડીમાંથી પસાર થઈ ગયેલ હોય, જે તમામ ફેકટ, સંજોગો ધ્યાને લેતા અરજદારની તરફેણમાં વિવેકબુદ્ધિ સત્તાનો ઉપયોગ કરવાનું મુનાસીબ માની અરજદારને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી દિવ્યેશ લુહાર વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.

(4:00 pm IST)