Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ઋતુરાજ વસંત અને યોગ- પ્રાણાયમ

વસંત પંચમીના ત્યોહારથી પર્યાવરણમાં ઋતુઓના રાજાવસંતનુ આગમન થાય છે. દરેક ઋતુ અનુસાર વાતાવરણમાં થોડી ઠંડી તો થોડી ગરમીનો અનુભવ થાય છે. દરેક ઋતુ અનુસાર આહાર વિહારમાં પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે ત્યાં કુલ છ ઋતુઓ છે. આ છ ઋતુઓમાં ત્રણ- ત્રણ ઋતુઓના બે ભાગ પાડવામાં આવ્યા છે. એક ભાગને ઉતરાયન અથવા આદાનકાલ અને બીજા ભાગને દક્ષિણાયાન અથવા વિસર્ગકાલ કહેવાય છે. શિશિર, વસંત અને ગ્રીષ્મ આ ત્રણ ઋતુઓને આદાનકાલ અને વર્ષા, શરદ, હેમંત ઋતુઓને વિર્ષગકાલ કહે છે.

પોષ- મહા, ફાગણ- ચૈત્ર, વૈશાખ-જેઠ,એ અનુક્રમે શિશિર, વસંત અને ગ્રિસ્મ ઋતુ છે. આ ઋતુમાં તાપ સખત પડે છે. આ તાપને લીધે મનુષ્યની કાર્યક્ષમતામાં ઘટાડો આવે છે. આમ ઉતરાયનમાં મનુષ્યનુ બળ  ઓછુ થાય છે.

અષાઠ-શ્રાવણ, ભાદરવો- આસો, કારતક- માગસર, અનુક્રમે વર્ષા-શરદ અને વસંત ઋતુ છે. ઋતુ વિસર્ગકાલ ઋતુઓ છે. આ ઋતુમાં ગરમીનું પ્રમાણ ઓછુ થાય અને ચંદ્રમાની શીતળતા વધેલી હોય છે. જેથી આ ઋતુઓને મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો જોવા મળે છે. આ ઋતુ મનુષ્યને બળ પ્રદાન કરે છે.

અત્યારે આપણે ત્યા ં ધીમે ધીમે વસંતઋતુનુ આગમન થઈ રહયુ છે. આ ઋતુમાં ઠંડીમાં જમા થયેલો કફ વસંતની ઉષ્ણતાને લીધે કુષિત થઈને અનેક જાતના કફજન્ય રોગો ઉત્પન્ન કરે છે.

 જેથી આ ઋતુમાં કફ ઉત્પન્ન કરે તેવો ગળ્યો ખાટો, ખારો, અને ભારે ચીકણો આહાર ત્યજવો જોઈએ.

 તુરો, કડવો, તીખો, તથા પચવામાં હળવો આહાર લેવો જોઈએ.

 સવારે ઠંડીથી બપોરે તાપથી બચવું.

દિવસે ઉંઘવુ નહી તથા વધુ આરામ ન કરવો.

 શ્રમ વધુ કરવો તથા વોકીંગ કે જોગીંગ કરવું.

 ઘી તથા તેલનો ઉપયોગ ઓછો કરવો.

કોઈપણ નવી ઋતુ શરૂ થતી હોય અને ચાલુ ઋતુ પુરી થતી હોય તે છેલ્લા અને પહેલા પંદર દિવસ એટલે કે કુલ ૩૦ દિવસ આહારમાં ખાસ ધ્યાન રાખવુ જોઈએ. આ કાળને ઋતુસંધિ કહે છે. પંદર દિવસમાં જનારી ઋતુના આહાર વિહાર ધીમે ધીમે છોડતા જવુ અને આવનારી ઋતુને અનુસાર આહાર- વિહારને સ્વીકારતા જવું.

જે રીતે ઋતુ અનુસાર આહાર- વિહારમાં ધ્યાન રાખીને એજ રીતે આપણે દૈનિક ક્રિયામાં કસરત અને યોગ- પ્રાણાયામનો પણ જો સમાવેશ કરીએ તો આપણને તેના લાભ વધારે મળે છે અને આપણુ સ્વાસ્થય પણ સુધરે છે.

વસંતઋતુમાં યોગ-પ્રાણાયમ

આ ઋતુમાં કફજન્ય રોગો, જેમકે શરદી,  ખાંસી, ગળામાં ખરાસ, તાવ, જેવા રોગ થવાની સૌથી વધુ શકયતાઓ હોય છે. માટે આસન- પ્રાણાયામ પણ તેમાં લાભ આપે તેવા હોવા જોઈએ.

પ્રાણાયામ : કપાલભાતી, ભસ્ત્રીકા, ઉજજયી તથા અનુલોમ- વિલોમ પ્રાણાયામ આ ઋતુ માટે શ્રેષ્ઠ છે. કેમકે તે આપણી RESPIRATORY SYSTEM  (શ્વસન તંત્ર)ને મજબુત કરે છે. આ પ્રાણાયમ દ્વારા કફજન્ય રોગ થતા અટકે છે.

આસનઃ ભુજંગાસન, સર્વાંગાસન, વ્યાધ્રાસન, મત્સ્યાસન, સલભાસન તથા સુર્યનમસ્કાર ઉપરોકત પ્રાણાયમ- આસન રેગ્યુલર કરવાથી આ ઋતુમાં ફાયદા થાય છે.

થોડુ આહાર- વિહારમાં ધ્યાન રાખીને અને યોગને જીવનમાં અપનાવીએ તો આપણી જીંદગી પણ વસંતઋતુ માફક ખીલી ઉઠે છે. તો ચાલો આપણે પણ વસંતઋતુ માણી લઈએ.

અલ્પા વિકાસ શેઠ (એડવોકટ, યોગ નિષ્ણાંત) મો.૯૪૨૮૪ ૬૩૫૦૫

(3:39 pm IST)