Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કિસાનપરા ચોકમાં કાર ભડકે બળીઃ રાજુભાઇ વૈદ અને ત્રણ પરિવારજનોનો ચમત્કારીક બચાવ

રાજકોટઃ શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર રવિવારે રાત્રે મોટી સંખ્યામાં લોકો ફરવા ઉમટી પડ્યા હતાં ત્યારે અચાનક જીજે૩સીઆર-૧૯૨૨ નંબરને એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. સળગતી કારનો વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થઇ જતાં પહેલા તો કોઇએ કાર સળગાવી હોવાની વાતો વહેતી થઇ હતી. પણ બાદમાં શોર્ટ સરકિટથી આગ લાગ્યાનું ખુલ્યું હતું. ફાયર બ્રિગેડને જાણ થતાં તાકીદે પહોંચી આગ બુઝાવી હતી. કાર માલિક રેસકોર્ષ રીંગ રોડ પર રહેતાં અને ચોકલેટ કોર્નર નામે વેપરા કરતાં રાજુભાઇ ધીરજલાલ વૈદે જણાવ્યું હતું કે રવિવારે રજા હોઇ પોતે, પત્નિ કલ્પનાબેન, પુત્ર દર્શિલ અને પુત્રી ભૂમિ કારમાં ફરવા નીકળ્યા હતાં. પોણા દસેક વાગ્યે કિસાનપરા ચોકમાં પહોંચ્યા ત્યારે પગ પાસે કંઇક સળગતું હોવાનું જણાતાં અને નાનો ભડકો દેખાતાં જ પોતે ગભરાઇ ગયા હતાં અને તાબડતોબ સેન્ટ્રલ લોક ખોલી ચારેય ઉતરી ગયા હતાં. બીજી જ પળે મોટો ભડકો થયો હતો અને આખી કાર બળી ગઇ હતી. સદ્દનસિબે ચારેયનો ચમત્કારીક બચાવ થયો હતો. પેટ્રોલ ટેન્ક લિક થતાં શોર્ટ સરકિટથી આગ લાગ્યાની શંકા દર્શાવાઇ હતી. તસ્વીરમાં ભડકે બળતી કાર, લોકોના ટોળા અને ઇન્સેટમાં કાર માલિક જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:40 pm IST)