Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પ્રહલાદ પ્લોટના બંગાળી વેપારીને બંગાળી કારીગર અમિતે ૧૨ લાખનો 'ચૂનો' લગાડ્યો

સોનાના દાગીના બનાવવા ૪૦૦ ગ્રામના ૪ સોનાના બિસ્કીટ લઇને ગયેલો કારીગર પાછો જ ન આવ્યોઃ એ-ડિવીઝન પોલીસે તપાસ આરંભી

રાજકોટ તા. ૨૨: સોની બજાર અને પ્રહલાદ પ્લોટમાં સોની કામની દૂકાન ધરાવતાં મુળ બંગાળના વેપારીને બંગાળનો જ એક કારીગર ચૂનો લગાવી જતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. બંગાળી કારીગર દાગીના બનાવવા માટે આ વેપારી પાસેથી રૂ. ૧૨ લાખના સોનાના બિસ્કીટ લઇ ગયો હતો. જેમાંથી દાગીના બનાવીને પરત ન આપતાં અને બારોબાર ભાગી જતાં ફરિયાદ થઇ છે.

એ-ડિવીઝન પોલીસે પ્રહલાદ પ્લોટ-૨૬માં રહેતાં મુળ બંગાળના કાર્તિકચંદ્ર પંચગોપાલ આદક (ઉ.૪૬)ની ફરિયાદ પરથી પશ્ચિમ બંગાળના મેઘનાપુરના દાસપુર તાબેના રાના ગામે રહેતાં અને હાલ રાજકોટમાં સોનાના દાગીના બનાવવાનું કામ કરતાં અમીત સાદન મુદી નામના બંગાળી શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે.

કાર્તિકચંદ્રએ જણાવ્યું છે કે હું સોની બજારમાં તેમજ પ્રહલાદ પ્લોટમાં શિવાંગી જ્વેલર્સ નામે સોનાની દૂકાન ધરાવુ છું અને જુદા-જુદા માણસોને સોનાના દાગીના બનાવી આપવા માટે સોનુ આપુ છું. ૫/૧૧/૧૭ના રોજ અમારા ઘરની બાજુમાં રહેતો અમારા જ ગામનો અમિત મુદી જે અવાર-નવાર અગાઉ મારી પાસેથી સોનુ લઇ ઘરેણા બનાવી ચુકયો હોઇ તેને રૂ. ૧૨ લાખના ચારસો ગ્રામ સોનાના બિસ્કીટ દાગીના બનાવવા માટે આપ્યા હતાં.

પરંતુ સમય પુરો થવા છતાં તેણે દાગીના ન આપતાં અને બિસ્કીટ પણ ન આપતાં તપાસ કરતાં તે રાજકોટથી ભાગી ગયાની ખબર પડી હતી. તે બારડોલીમાં પણ દૂકાન ધરાવતો હતો. ત્યાં પણ ન મળી આવતાં અંતે પોલીસને જાણ કરી હતી.

પી.એસ.આઇ. વી.એમ. ડોડીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(12:39 pm IST)