Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પેંડાના સાગ્રીત ઋષીરાજસિંહને ભડાકે દઇ ભાગેલા બુકાનીધારીની શોધઃ હત્યા બાદ ગાયબ થયેલો પોલીસમેનનો ભાઇ શંકાના પરીઘમાં

કોન્સ. ભરતદાન ગઢવીની હત્યામાં જામીન પર છૂટેલો ઋષીરાજસિંહ સરવૈયા ચારેક માસથે મોરબી રોડ પર મિત્ર સાથે રહેતો હતોઃ સંક્રાંતને દિવસે આહિર શખ્સો સાથે પણ માથાકુટ થઇ હતીઃ સીસીટીવી ફૂટેજ પરથી ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ-બી ડિવીઝનની દોડધામ

હત્યાનો ભોગ બનનાર ઋષીરાજસિંહનો નિષ્પ્રાણ દેહ, તેના ભાઇ પાસેથી માહિતી મેળવતા એસીપી બી. બી. રાઠોડ, પ.આઇ. આર. એસ. ઠાકર તથા નીચેની તસ્વીરમાં ઘટના સ્થળે પોલીસ કાફલો અને અન્ય બે તસ્વીરમાં હત્યા બાદ બાઇક પર ભાગી રહેલા આરોપીના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૨૨: કોઠારીયા ગામમાં ગોલ્ડન ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને બી-ડિવીઝનના પોલીસમેન ભરતદાન ગઢવીની હત્યામાં જામીન પર છૂટ્યા બાદ ચારેક માસથી મોરબી રોડ પર મિત્ર પ્રતાપ રાજપૂત સાથે રહી કારખાનામાં કામ કરતાં શકિત ઉર્ફ પેંડાના સાગ્રીત ઋષિરાજસિંહ અશોકસિંહ સરવૈયા (ઉ.૨૧)ની ગઇકાલે સવારે મોરબી રોડ પર જય જવાન જય કિસાન સોસાયટીમાં બુકાનીધારી શખ્સ વાંસામાં ગોળી ધરબી હત્યા કરી ભાગી જતાં પોલીસે તેને શોધવા દોડધામ શરૂ કરી છે. હત્યાનો ભોગ બનનારને અનેક શખ્સો સાથે માથાકુટ ચાલતી હતી. હત્યા બાદ મૃતક પોલીસમેનનો ભાઇ ગાયબ થઇ ગયો હોઇ તેની આ ગુનામાં સંડોવણી તો નથી ને? ખૂન કા બદલા ખૂન જેવું તો થયું નથી ને? તે અંગે તપાસ શરૂ થઇ છે. પોલીસને હત્યા કરનાર બુકાનીધારી ભાગે છે તે સીસીટીવી ફૂટેજ મળ્યા હોઇ તેના આધારે તપાસ થઇ રહી છે.

૨૦૧૬માં ૩ માર્ચના રોજ બી-ડિવીઝન પોલીસ મથકના પોલીસમેન ભરતદાન અશ્વીનભાઇ  ગઢવીની હત્યા થઇ હતી. આ ગુનામાં ઋષીરાજસિંહની સાથે રાજપાલસિંહ ઉર્ફ રાજો , શકિત ઉર્ફ પેન્ડો, પરેશ ઉર્ફ પરીયો, મોન્ટુ કોળી, કમલેશ નાયકની પણ ધરપકડ થઇ હતી. જે પૈકી શકિત ઉર્ફ પેંડાનું કસ્ટોડિયલ ડેથ થયું છે. જ્યારે ઋષીરાજસિંહ ચારેક મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો અને ત્યારથી તે જેલમાં મિત્ર બનેલા પ્રતાપ રાજપૂત સાથે મોરબી રોડ પર રહેતો હતો. ૧૪મીએ સંક્રાતના દિવસે ઋષીરાજસિંહને યશ વલકુભાઇ દેથરીયા (આહિર) અને વિશાલ કાનગડ સાથે માથાકુટ થતાં ઋષીરાજ અને તેના મિત્રએ છરીથી આ બંને પર હુમલો કર્યો હતો. યશ અને વિશાલ સામે પણ ઋષીરાજના મિત્ર અજયસિંહ જાડેજાએ ફરિયાદ કરી હતી. હુમલાના આ ગુનામાં ઋષીરાજસિંહ ફરાર હતો.

ગઇકાલે રવિવારે તે કારખાનેથી શેમ્પુ અને સાબુ લેવા જવા નીકળ્યો હતો. મેડિકલ સ્ટોરમાંથી સાબુ-શેમ્પુ ખરીદીને નીકળ્યો ત્યાં જ જય જવાન જય કિસાન સોસાયટીના ખુણા પાસે એક બાઇક પર બુકાનીધારી શખ્સ આવ્યો હતો અને ફાયરીંગ કરી ભાગી ગયો હતો. ધડાકો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. મિત્ર પ્રતાપભાઇ સહિતના પણ દોડી આવ્યા હતાં. ઋષીરાજસિંહને વાંસામાં ગોળી લાગી હોઇ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.

ઘટનાની જાણ થતાં એસીપી બી. બી. પરમાર, પી.આઇ. આર. એસ. ઠાકર, ક્રાઇમ બ્રાંચના એ.એસ. સોનારા, સમીરભાઇ શેખ, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, નિશાંતભાઇ, હંસરાજભાઇ, દેવેન્દ્રસિંહ સહિતનો કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

પોલીસે મૃતક ઋષીરાજસિંહના ભાઇ સુરપાલસિંહ અશોકસિંહ સરવૈયા (ઉ.૨૬)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. સુરપાલસિંહે જણાવ્યું હતું કે ત્રણેક માસથી મારો ભાઇ ઋષીરાજસિંહ તેના મિત્ર પ્રતાપભાઇ રાજપૂતના કારખાને રહી ઇમિટેશનનું કામ કરતો હતો. રવિવારે હું ઘરે હતો ત્યારે પ્રતાપભાઇએ ફોન કરી ઋષીરાજસિંહ પર ફાયરીંગ થયાની જાણ કરી હતી. હું દવાખાને પહોચતાં તેનું મોત થઇ ગયાની ખબર પડી હતી. હત્યા કોણે અને શા માટે કરી તે ખબર નથી. તેમજ કોઇ પર શંકા-વહેમ નથી.

ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ ગઇકાલે બનાવ બાદ અગાઉ જેની હત્યા થઇ તે પોલીસમેન ભરતદાન ગઢવીના ઘરે પહોંચી તપાસ કરી હતી. બદલાની ભાવનાથી ભરતદાનના ભાઇએ તો આ હત્યા નિપજાવી નથી ને? તે અંગે તપાસ શરૂ થઇ છે. જો કે તે ઘરે હાજર મળેલ નથી તેથી શંકા ઘેરી બની છે. સીસીટીવી ફૂટેજને આધારે તપાસ થઇ રહી છે. (૧૪.૯)

(11:50 am IST)